ત્યાગરાજ, સંત

March, 2016

ત્યાગરાજ, સંત (જ. 4 મે 1767, તિરુવારૂર; અ. 6 જાન્યુઆરી 1847) : દક્ષિણ ભારતના વિખ્યાત તેલુગુ સંત, કર્ણાટક સંગીતના શ્રેષ્ઠ રચનાકાર અને કવિ. પિતાનું નામ રામબ્રહ્મન અને માતાનું નામ સીતામ્મા. પિતા કીર્તનકાર અને રામભક્ત હતા. માતા ભક્ત રામદાસનાં ગીતો સુરીલા કંઠમાં ગાતાં. તેને લીધે ત્યાગરાજ પર ભક્તિ અને સંગીતના સંસ્કારો નાનપણથી જ ર્દઢ થયા હતા. તંજાવુરના મહારાજા તુળજાજી બીજાના દરબારમાં પિતા કીર્તન કરતા ત્યારે કુમળી ઉંમરમાં ત્યાગરાજ પિતાની સંગત કરતા. બાળપણથી જે રચના કરતા તેને દીવાલો પર લખવાની ટેવ હતી. તેમના સંગીત ગુરુ સોંટી વેંકટરમણના માર્ગદર્શન હેઠળ માત્ર એક જ વર્ષમાં ત્યાગરાજે સંગીતનું શિક્ષણ પૂરું કર્યું. પાછળથી તિરુવૈટ્ય્પુર ખાતે તેમણે આશ્રમ સ્થાપ્યો. જ્યાં તે કોઈ પણ જાતના ભેદભાવ વિના નિ:શુલ્ક સંગીતશિક્ષણ આપતા.

વિદ્વાન અને સંસ્કારી કુટુંબમાં જન્મેલા ત્યાગરાજે સંસ્કૃત, જ્યોતિષશાસ્ત્ર અને શાસ્ત્રીય સંગીતમાં શિક્ષણ અને પ્રશિક્ષણ લીધાં. તેમણે કર્ણાટક પદ્ધતિની ગાયનશૈલીમાં ક્રાંતિકારી પરિવર્તનો આણ્યાં. સંગીતક્ષેત્રની તેમની સિદ્ધિ ‘પંચરત્ન’ કૃતિમાં દેખાય છે. ત્યાગરાજે સંસ્કૃત તથા તેલુગુ ભાષામાં સંખ્યાબંધ કૃતિઓ રચી. હરિકાં બોજી, ખરહરપ્રિયા અને દેવગાંધારી નામના નવા રાગોનું સર્જન કર્યું. બસો કરતાં વધુ રાગોમાં તેમની આશરે 1000 જેટલી કૃતિઓ ઉપલબ્ધ છે. તેમની ત્રણ સંગીતિકાઓ ‘પ્રહલાદભક્તિવિજયમ્’, ‘નૌકાચરિત્ર’ તથા ‘સીતારામ વિજયમુ’ ખૂબ લોકપ્રિય છે. સંત, કવિ તથા ચિંતક હોવાથી ત્યાગરાજની કૃતિઓમાં ભક્તિરસ, કવિત્વ તથા ભારતીય તત્વચિંતન – આ ત્રણેનો સમન્વય થયેલો છે. તે પોતે સંગીતશાસ્ત્રી તથા ગાયક હોવાથી તેમની સંગીતરચનાઓમાં ભાવ, રાગ અને તાલ – આ ત્રણેનું અનેરું મિશ્રણ જોવા મળે  છે. કન્નડ ભાષામાં તે રામાયણના એકમાત્ર ‘વગ્ગેકાર’ ગણાય છે. તમિળ ભાષા પર પૂરતું પ્રભુત્વ હોવા છતાં ત્યાગરાજે પોતાની માતૃભાષા તેલુગુમાં કાવ્યરચના કરી. એમનાં કાવ્યો અર્થને પાર કરી જતા નાદસૌન્દર્યથી વધુ આસ્વાદ્ય બન્યાં છે.

તેમણે રામકથાને મધુર સંગીતમાં રજૂ કરી અને તેને લીધે તેઓ કર્ણાટકના દરેક પરિવારમાં લોકપ્રિય બન્યા. આજે પણ દક્ષિણ ભારતમાં એમનાં ગીતો ઘેર ઘેર ગવાય છે. ભજનગાયકીનો નવો સંપ્રદાય તથા નાદરચનાનો પ્રારંભ તેમનાથી થયો. અને તેને લીધે તેઓ ‘ભૂલોકનારદ’ની ઉપાધિથી ઓળખાયા. સંસ્કૃત અને તેલુગુ – એ બંને ભાષાઓ પર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું.

સંત ત્યાગરાજ

તેમના વિશાળ શિષ્યવૃંદમાં તંજાવુર રામરાવ સર્વશ્રેષ્ઠ શિષ્ય ગણાયા. તે ‘ચન્ન ત્યાગરાજ’ (નાના ત્યાગરાજ) તરીકે ઓળખાયા. તેમણે અને ત્યાગરાજના એક બીજા શિષ્ય વાલાજી પેર વેંકટરમણ ભાગવતરે ત્યાગરાજનું જીવનચરિત્ર લખ્યું.

ત્યાગરાજનો સમયગાળો કર્ણાટકી સંગીતનો સુવર્ણકાળ ગણાય છે.

જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો હતો. તિરુવૈટ્ય્પુરમાં આજે પણ તેમની પુણ્યતિથિનો મહાન ઉત્સવ ધામધૂમ અને શ્રદ્ધા સાથે ઊજવાય છે.

ચન્દ્રકાન્ત મહેતા

હ્રષિકેશ પાઠક