તૈમુર લંગ (જ. 8 એપ્રિલ 1336, કેશ, સમરકંદ; અ. 17 ફેબ્રુઆરી 1405, ઓત્રાર) : મુઘલ-તુર્ક જાતિનો શાસક અને લશ્કરી વિજેતા. 1360માં એના પિતાનું અવસાન થતાં એને એની બરલા નામની તુર્ક જાતિના વડા તરીકે ચૂંટવામાં આવ્યો. 1367 સુધીમાં એણે પડોશી તુર્ક જાતિઓને હરાવીને રશિયન તુર્કસ્તાન તરીકે ઓળખાતા પ્રદેશ ઉપર સત્તા સ્થાપી અને સમરકંદને પોતાનું પાટનગર બનાવ્યું. એ પછી એણે પર્શિયા સાથે યુદ્ધો કરીને 1389 સુધીમાં યુફ્રેટિસ નદીથી હિંદ સુધીનો પ્રદેશ જીતી લીધો. 1392માં એણે મેસોપોટેમિયા, સીરિયા અને રશિયા પર આક્રમણ કરીને કાસ્પિયન સમુદ્ર તથા કાળા સમુદ્ર વચ્ચેનો પ્રદેશ જીતી લીધો. એપ્રિલ, 1398માં એ હિંદ પર આક્રમણ કરવા સમરકંદથી નીકળ્યો. પાકપટ્ટન, દિપાલપુર, ભટનેર, સીરસા અને કૈથલને માર્ગે રસ્તામાં આવતાં ગામો બાળતો, પાકનો નાશ કરતો અને લોકોની કતલ ચલાવતો ‘ઈશ્વરનો આ શાપ’ 1398ના ડિસેમ્બરમાં દિલ્હી પાસે આવી પહોંચ્યો. દિલ્હીમાં એણે ક્રૂરતાપૂર્વક લૂંટ અને કતલ ચલાવી.

તૈમુર લંગ

ત્યાં લગભગ 80,000 માણસોને મારી નાખીને એમની ખોપરીઓનો ઢગલો કર્યો. પંદર દિવસ સુધી દિલ્હીમાં વિનાશ વેરીને 1399ની 1 લી જાન્યુઆરીએ તેણે દિલ્હી છોડ્યું. ફિરોઝાબાદ, મેરઠ, હરદ્વાર, શિવાલિક ટેકરીઓ અને કાંગરા થઈને તે જમ્મુ ગયો. બધે જ વિનાશ અને કતલ કરતો ગયો. હિંદ છોડતાં પહેલાં તેણે ખિઝરખાન સૈયદને મુલતાન, લાહોર અને દિપાલપુરનો સૂબો બનાવ્યો. તેના આક્રમણથી દિલ્હી સલ્તનતના તુગલુક વંશનો અંત આવ્યો અને સૈયદ વંશની શરૂઆત થઈ. 1400થી 1403 સુધી એણે ઑટોમન તુર્કો સામે યુદ્ધ કર્યું. 1402માં એમના સુલતાન બયઝિદ પહેલાને હરાવી અંગોરા(અંકારા)માંથી કેદ કર્યો. એ પછી ચીન ઉપર આક્રમણ કરવાની એણે યોજના ઘડી. પરંતુ તેનો અમલ કરે તે પહેલાં  તેનું અવસાન થયું. તેને સમકરકંદમાં દફનાવવામાં આવ્યો હતો. વર્તમાન પુરાતત્વવિદોએ એક ઊંડા ભોંયરામાં રહેલા એના શબને શોધી કાઢ્યું હતું. ક્રૂર અને આપખુદ હોવા છતાં એણે વિજ્ઞાન, કલા તથા બાંધકામોને પ્રોત્સાહન આપ્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી