તેલિકા મંદિર, ગ્વાલિયર

March, 2016

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. × 13.8 મી.ના લંબચોરસ આધાર પર બનાવાયું છે. આ મંદિરમાં સભામંડપ કે નૃત્યમંડપ નથી અને અંદરથી 2 : 1ના પ્રમાણમાપવાળું 9.0 મી. × 4.5 મી.નું ગર્ભગૃહ માત્ર છે. તેલીના આ મંદિરનાં મુખ્ય અંગોમાં ખાસ્સી ઊંચાઈવાળો તથા મંદિરની મૂળ રચના સાથે જડાયેલો પ્રવેશમંડપ, પ્રવેશદ્વાર તથા ઉપરના ભાગમાં બૌદ્ધ સ્થાપત્યની અસરવાળી ચૈત્ય–બારીની છાપવાળો લંબચોરસ આધાર પર રચાયેલો પિરામિડ છે. આ મંદિરના લંબચોરસ આધારને કારણે તેના પર ચૈત્ય બારી જેવી રચના કરાઈ છે કે તે પ્રકારની રચના કરવા લંબચોરસ આધાર રખાયો છે તે ચર્ચાનો વિષય છે.

તેલિકા મંદિર, ગ્વાલિયર

હેમંત વાળા