તૂની, અબ્દુલ હુસેન

January, 2014

તૂની, અબ્દુલ હુસેન (જ. 7 એપ્રિલ 1444, તૂન, ઈરાન; અ. આશરે 1489-90) : ફારસી ઇતિહાસ ગ્રંથ ‘મઆસિરે મહમૂદશાહી’ (‘નકે તારીખે મહમૂદશાહી’)ના કર્તા. જન્મસમયે તેમના પિતા બીદરના બહમની વંશના બાદશાહ અલાઉદ્દીન એહમદ બીજાના લશ્કરમાં  હતા. તેમણે ઇસ્ફહાનમાં ઈરાનના વિદ્વાન ખ્વાજા જલાલુદ્દીન મુહમ્મદ બિન ઝૈનદ્દીન તરકા પાસે શિક્ષણ લીધું હતું.

અબ્દુલ હુસેન બહમની વજીર ખ્વાજા મહમૂદ ગાવાન(અ. ઈ. સ. 1481)ના નોકર હતા એમ અમુક વિદ્વાનોનો મત છે પણ તે હુમાયૂં બાદશાહ બહમની (અ. ઈ. સ. 1461)ના સમયમાં દક્ષિણ હિંદમાં ગયા અને થોડો સમય પોતાનું ભાગ્ય અજમાવવા ત્યાં રહ્યા હોવાનું તેમના એક કથન પરથી જણાય છે. તે પછી તે ગુજરાત આવ્યા હોય તે સંભવિત છે. નવેમ્બર, 1484માં સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેર કિલ્લો સર કર્યો તે વખતે અબ્દુલ હુસેન પણ સુલતાનના બીજા અમીરો સાથે ત્યાં હતા.

અબ્દુલ હુસેન તેમજ તેમના ગ્રંથ ‘મઆસિરે મહમૂદશાહી’ વિશેના ઝિયાઉદ્દીન અબ્દુલહૈ દેસાઈના મત અનુસાર આ ગ્રંથમાં મહમૂદ બેગડાનો નહીં પરંતુ સમગ્ર ઇસ્લામ આલમનો ઈ. સ. 622થી સાલવાર લખેલો ઇતિહાસ છે; તેમાં સમકાલીન ઈરાન, તુર્કી, મધ્ય એશિયા અને હિન્દુસ્તાનનો ઇતિહાસ વિસ્તારપૂર્વક આલેખવામાં આવેલ છે. અબ્દુલ હુસેનના આ ગ્રંથમાં મહમૂદ બેગડા વિશે અગત્યની માહિતી મળે છે. આ ગ્રંથ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસવિભાગ તરફથી ‘તારીખે મહમૂદશાહી’ના નામે પ્રોફેસર સતીશચન્દ્ર મિશ્ર દ્વારા સંપાદિત થઈ 1987માં પ્રકાશિત થયો છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ