તુષાસ્ફ

January, 2014

તુષાસ્ફ : સમ્રાટ અશોકના શાસન (ઈ. સ. પૂ. 273–237) દરમિયાન ગિરિનગર પ્રાંતનો સૂબો. રાજા મહાક્ષત્રપ રુદ્રદામા 1લાના સમયમાં શક વર્ષ 72–73ના (ઈ. સ. 150-51) અરસામાં ગિરનારના સુદર્શન તળાવના લેખમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને યવનરાજ કહ્યો છે તેથી તે ગ્રીક હોવાનો સંભવ છે. સામાન્ય રીતે આયોનિયન ગ્રીક માટે આ શબ્દપ્રયોગ થતો હતો. એટલે મોટાભાગના ઇતિહાસકારો તેનો ગ્રીક તરીકે ઉલ્લેખ કરે છે. એમ.એસ. કોમિસેરિયટ તુષાસ્ફ ઈરાની હોવાનું જણાવે છે. શક્ય છે કે ઈરાની સંસ્કૃતિની અસર હેઠળ કેટલાક યવનો ઈરાની નામ ધરાવતા થયા હોય. આ યવનરાજ ભારતની વાયવ્ય સરહદે આવેલ યોન (યવન) પ્રદેશનો (બૅક્ટ્રિયા) યવન (ગ્રીક) રાજા હશે અને સમ્રાટ અશોકે તેને ગિરિનગર પ્રાંતનો રાષ્ટ્રિક કે સૂબો નીમ્યો હશે. તેણે ગિરિનગરના પ્રાંતના સૂબા તરીકે સુદર્શન તળાવમાંથી ખેતી માટે નહેરો કઢાવી હતી.

શિવપ્રસાદ રાજગોર