તુષ્ટિગુણ

January, 2014

તુષ્ટિગુણ : માનવજરૂરિયાત સંતોષવાનો વસ્તુ કે સેવામાં રહેલો ગુણ. અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. એક ચીજ તુષ્ટિગુણ ધરાવે એમ કહેવામાં આવે છે ત્યારે તે ઇષ્ટ છે એવું અર્થશાસ્ત્ર સૂચવતું નથી; દા.ત., દારૂ કેટલાક માણસોની જરૂરિયાતને સંતોષે છે એટલે તે તુષ્ટિગુણ ધરાવે છે એમ કહેવાય, પરંતુ તેનો અર્થ એ નથી કે દારૂ પીવાનું ઇષ્ટ છે એવો અર્થશાસ્ત્રનો મત છે. અર્થશાસ્ત્ર એક વસ્તુલક્ષી વિજ્ઞાન (positive science) હોવાથી ચીજની ઇષ્ટતા–અનિષ્ટતાના પ્રશ્નને પોતાના કાર્યક્ષેત્રની બહારનો ગણે છે.

ચીજની જરૂરિયાત સંતોષવાની શક્તિ ત્રણ માર્ગોએ વધે છે. વસ્તુનું રૂપ બદલવાથી વસ્તુમાં રહેલો તુષ્ટિગુણ વધે છે; દા.ત., ઘઉંનું રોટલીમાં રૂપાંતર થવાથી ઘઉંમાં રહેલો તુષ્ટિગુણ વધે છે. બીજું, ચીજનો ઉપભોક્તા રહેતો હોય તે સ્થળે તેને પહોંચાડવાથી ચીજમાં રહેલો તુષ્ટિગુણ વધે છે; દા.ત., આસામમાં પડેલી ચાની પેટીઓ ગુજરાતના ઉપભોક્તા માટે તુષ્ટિગુણ ધરાવતી નથી. તેને ગ્રાહક રહેતો હોય ત્યાં પહોંચાડવી જોઈએ. આમ ચીજનું સ્થાન બદલવાથી ચીજનો તુષ્ટિગુણ વધે છે. ત્રીજું, ચીજ ગ્રાહકને જરૂર હોય તે સમયે મળે તો જ તે તુષ્ટિગુણ ધરાવતી બને. વ્યક્તિ માંદી પડે ત્યારે જ દવા એના માટે કામની બને છે, અન્ય સમયે વ્યક્તિ માટે દવામાંનો તુષ્ટિગુણ શૂન્ય હોય છે. આ રીતે ગ્રાહકને યોગ્ય રૂપમાં, યોગ્ય સમયે અને સ્થળે ચીજ પહોંચાડવામાં આવે ત્યારે તે તુષ્ટિગુણ ધરાવતી બને છે.

વસ્તુનું મૂલ્ય અને તુષ્ટિગુણ ચીજના તુષ્ટિગુણ પરથી તેનું મૂલ્ય, એટલે કે અન્ય વસ્તુ ખરીદવાની શક્તિ નક્કી થાય છે, એવું પ્રતિપાદન નવપ્રશિષ્ટ (neoclassical) અર્થશાસ્ત્રીઓએ કર્યું હતું. પાણી જેવી ઘણી ઉપયોગિતા ધરાવતી જીવનાવશ્યક ચીજ માટે આપણે કશી કિંમત ચૂકવતા નથી, પણ સોના કે હીરા જેવી બિનજરૂરી ચીજ માટે હજારો રૂપિયા ચૂકવીએ છીએ. આ સવાલને મૂલ્યના વિરોધાભાસના નામે અર્થશાસ્ત્રમાં ઓળખવામાં આવે છે. તુષ્ટિગુણના ખ્યાલનો ઉપયોગ કરીને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આ વિરોધાભાસની સમજૂતી આપી શક્યા છે.

વસ્તુના મૂલ્યની સમજૂતી આપવા માટે વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણને કુલ તુષ્ટિગુણ અને સીમાવર્તી તુષ્ટિગુણ – એવા બે સ્વરૂપે જોવામાં આવે છે. એક ચીજમાંથી મળતો કુલ તુષ્ટિગુણ એટલે તે ચીજના જેટલા એકમોનો માણસ ઉપભોગ કરે છે તે સર્વમાંથી મળતો એકંદર તુષ્ટિગુણ. સીમાવર્તી તુષ્ટિગુણ એટલે એક વધુ એકમના ઉપભોગથી ઉપભોક્તાના કુલ તુષ્ટિગુણમાં થતો વધારો. ધારો કે ચાર નારંગીના ઉપભોગમાંથી વ્યક્તિને એકંદરે 40 એકમ તુષ્ટિગુણના મળે છે અને ત્રણ નારંગીના ઉપભોગથી ગ્રાહકને તુષ્ટિગુણના એકંદરે 32 એકમો મળે છે. આ દાખલામાં ચાર નારંગીનો કુલ તુષ્ટિગુણ 40 છે અને ચોથી નારંગીનો સીમાવર્તી તુષ્ટિગુણ 8 છે એમ કહેવાય.

જેમ જેમ આપણે એક ચીજના વધુ ને વધુ એકમોનો  ઉપભોગ કરતા જઈએ છીએ તેમ તેમ તેમાંથી મળતો કુલ તુષ્ટિગુણ વધે છે, પણ તે ઘટતા જતા દરે વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના પ્રત્યેક વધારાના એકમમાંથી મળતો તુષ્ટિગુણ (સીમાવર્તી તુષ્ટિગુણ) ઘટતો જાય છે. આ વલણને અર્થશાસ્ત્રમાં ઘટતા જતા સીમાવર્તી તુષ્ટિગુણનો નિયમ કહેવામાં આવે છે. તે મનોવૈજ્ઞાનિક સ્વરૂપ ધરાવે છે. તેને આપણા રોજબરોજના અનુભવનો ટેકો છે. વધુ એકમોના વપરાશ સાથે જો સીમાવર્તી તુષ્ટિગુણ વધ્યે જતો હોત તો માણસ એક જ ચીજનો અમર્યાદિત પ્રમાણમાં ઉપભોગ કરત અને તેની બધી આવક એક જ ચીજની પાછળ ખર્ચી નાખત. વાસ્તવમાં આપણે અનેક ચીજોનો ઉપભોગ કરીએ છીએ એ ઘટતા જતા સીમાવર્તી તુષ્ટિગુણના નિયમનું તાર્કિક સમર્થન છે.

કુલ અને સીમાવર્તી તુષ્ટિગુણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજી શક્યા તેથી જ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મૂલ્યના વિરોધાભાસને સમજાવી શક્યા. ગ્રાહક વસ્તુની જે કિંમત ચૂકવવા તૈયાર થાય છે તે તેને વસ્તુમાંથી મળતા સીમાવર્તી તુષ્ટિગુણ પર અવલંબે છે. વસ્તુમાંથી મળતા કુલ તુષ્ટિગુણ પર તે અવલંબતી નથી એવો નિયમ તેમણે રજૂ કર્યો. ઉપભોક્તાને પાણી સરળતાથી જોઈએ એટલા જથ્થામાં સુલભ હોવાથી પાણીનો સીમાવર્તી તુષ્ટિગુણ સામાન્ય રીતે શૂન્ય હોય છે. તેથી પાણી માટે તે કોઈ કિંમત ચૂકવવા તૈયાર થતો નથી. વ્યક્તિ પાસે સોનાનો જથ્થો પાણીના મુકાબલે ખૂબ ઓછો હોય છે. તેથી સોનાના એક વધારાના એકમ- (તોલા)માંથી મળતો તુષ્ટિગુણ તેના માટે ઘણો વધારે હોય છે, તેથી તે તેના માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર થાય છે. જો વ્યક્તિને તમે એની સામે કાં તો જીવનભર પાણી લો કે સોનું લો, એવો વિકલ્પ મૂકો  તો તે બંને ચીજના કુલ તુષ્ટિગુણની સરખામણી કરીને પાણી મેળવવાનું જ પસંદ કરશે. સામાન્ય રીતે ઉપભોક્તાની સામે પાણી કે સોનું એવા વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની આવે છે. આવી પસંદગીમાં સીમાવર્તી તુષ્ટિગુણ ઉપભોક્તા કેટલી કિંમત ચૂકવવા તૈયાર થશે તે ઠરાવવામાં નિર્ણાયક ભાગ ભજવે છે.

માંગનો નિયમ અને તુષ્ટિગુણ : અર્થશાસ્ત્રમાં માંગનો નિયમ એક પાયાનો નિયમ છે. આ નિયમ પ્રમાણે વસ્તુ માટેની માંગને અસર કરતાં પરિબળો યથાવત્ રહે તો લોકો ઊંચી કિંમતની તુલનામાં નીચી કિંમતે વસ્તુ વધુ જથ્થામાં ખરીદવા તૈયાર થાય છે. માંગનો આ નિયમ કોઈ એક ગ્રાહકને વ્યક્તિગત રીતે લાગુ પડતો નથી, પરંતુ ગ્રાહકોના સમગ્ર સમૂહની બજારમાંગને લાગુ પડે છે. ગ્રાહકોના આ વર્તનની સમજૂતી તુષ્ટિગુણના ખ્યાલનો ઉપયોગ કરીને આપવામાં આવી છે.

ગ્રાહક પાસેની આવક મર્યાદિત હોય છે અને એ આવકમાંથી તે વધુમાં વધુ તુષ્ટિગુણ મેળવવા ઇચ્છે છે એ અર્થશાસ્ત્રનાં ગૃહીતો છે. એની સામે બજારમાં અનેક ચીજો પડેલી છે. પોતાની આવકની ફાળવણી આ ચીજો વચ્ચે કઈ રીતે કરવી એટલે કે પ્રત્યેક ચીજ પાછળ કેટલા  રૂપિયા ખર્ચવા એ સવાલ તેની સમક્ષ ઉપસ્થિત થાય છે.

ગ્રાહકના ઉપર્યુક્ત વર્તનને સમ-સીમાવર્તી તુષ્ટિગુણના નિયમ દ્વારા નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સમજાવ્યું. દરેક ચીજ પાછળ ખર્ચાતા છેલ્લા (સીમાવર્તી) રૂપિયામાંથી સમાન તુષ્ટિગુણ મળે એ રીતે ગ્રાહક વિભિન્ન વસ્તુઓ વચ્ચે પોતાની આવક ફાળવશે એમ આ નિયમ કહે છે. કેળાં પાછળ ખર્ચાતા છેલ્લા રૂપિયામાંથી 15 એકમ તુષ્ટિગુણ મળતો હશે અને નારંગી પાછળ વપરાતા છેલ્લા રૂપિયામાંથી 20 એકમ તુષ્ટિગુણ મળતો હોય તો તે કેળાંની ખરીદી ઘટાડશે અને નારંગીની ખરીદી વધારશે. આમ જ્યાં સુધી દરેક ચીજ પાછળ ખર્ચાતા છેલ્લા રૂપિયામાંથી  એકસરખો તુષ્ટિગુણ નહિ મળે ત્યાં સુધી તે તેની આવકની ખરીદવામાં આવતી વસ્તુઓ વચ્ચેની ફાળવણી બદલશે. આ સ્થિતિને એક સૂત્ર દ્વારા અર્થશાસ્ત્રીઓ રજૂ કરે છે :

ઉપરના સૂત્રના આધારે માંગના નિયમની સમજૂતી આપી શકાય. અની કિંમત ઘટે, પરંતુ બનો સીમાવર્તી તુષ્ટિગુણ અને બની કિંમત પૂર્વવત્ રહે તો ગ્રાહક બ પરનો ખર્ચ ઘટાડશે અને અ ના વધુ એકમો ખરીદશે.

આમ અ ની કિંમત ઘટવાથી તેના ગ્રાહકો અ વધુ જથ્થામાં ખરીદવા તૈયાર થાય છે. આમ સીમાવર્તી તુષ્ટિગુણના ખ્યાલનો ઉપયોગ કરીને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ માંગના નિયમની સમજૂતી આપી હતી.

બદરીપ્રસાદ મ. ભટ્ટ