તુરશેઝી, ઝુહૂરી (અ. 1616, તુરાનિયા) : ખ્યાતનામ ફારસી કવિ. થોડાં વર્ષો સુધી ખુરાસાન, ઇરાક અને ઈરાનમાં વસવાટ કર્યા પછી ઈરાનમાં યોગ્ય કદર ન થતાં 1572માં હિન્દુસ્તાનમાં આવી દક્ષિણ હિન્દમાં બીજાપુર, અહમદનગર અને ગોલકુંડામાં રહ્યા. વિદ્વાનો પાસેથી ખૂબ વિદ્વત્તા હાંસલ કરી મક્કાની પવિત્ર યાત્રાએ જઈ આવ્યા પછી જીવનના અંતિમ કાળ સુધી હિન્દુસ્તાનમાં વસવાટ કર્યો.
તેઓ અનેક મસનવીઓ, કસીદા અને ગઝલોના રચયિતા છે. તેમની ગદ્યકૃતિ ‘સેહ નસ્રે ઝુહૂરી’ જાણીતી છે. તેઓ નિઝામશાહી અને આદિલશાહી દરબારમાં ‘રાજકવિ’નું બિરુદ પામેલા.
તેમનું ગદ્ય તેમના પદ્ય કરતાં ચઢિયાતું છે અને આધુનિક ગદ્યના નમૂના તરીકે તેનો ઉલ્લેખ થાય છે. તેમણે શેખ સઅદીની ‘બોસ્તાન’ પરથી પદ્યકૃતિ ‘સાકીનામા’ રચી. તેના માટે શાહ બુરહાન નિઝામશાહે તેમને ઇનામ આપેલું. ઉપરાંત ‘નિઝામી ગંજવી’ના ‘મખઝનુલઅસરાર’ના અનુકરણમાં તેમણે પણ એક કાવ્યની રચના કરી હતી, જે અપ્રાપ્ય છે.
‘ખત્તાતી’ એટલે કે સુલેખનકળાના પણ તેઓ નિષ્ણાત હતા અને નિપુણ લહિયા તરીકે પ્રશંસા પામેલા. ચિત્રકળા અને સંગીતના પણ તેઓ ઉસ્તાદ હતા; તેને લીધે ઇબ્રાહીમ આદિલશાહના સંગીતકળા પર આધારિત હિંદી પુસ્તક ‘નવરસ’ની પ્રસ્તાવના તેમણે લખી છે. તેમાં સંગીત વિશેનું તેમનું અદભુત જ્ઞાન દર્શાવ્યું છે. તેમણે ‘ખાને ખલીલ’ અને ‘ગુલઝારે ઇબ્રાહીમ’ની પ્રસ્તાવના પણ લખી છે. ગદ્યલેખકોમાં પોતાના સમકાલીનોમાં તેઓ અજોડ સ્થાન ધરાવતા હતા.
ચાંદબીબી એ. શેખ