તુરાનિયા : પશ્ચિમ તુર્કસ્તાન, મધ્ય એશિયા, રશિયા તથા અરલ સમુદ્રના અગ્નિ વિસ્તારમાં આવેલ નીચા વિસ્તૃત  પ્રદેશ. આ પ્રદેશની ઉત્તરે કઝાકનો ઉચ્ચપ્રદેશ, પૂર્વમાં તિયેનશાન અને પામીર પર્વતોની તળેટી, દક્ષિણે કોપેટ દાગ પર્વત તથા  પશ્ચિમે કાસ્પિયન સમુદ્ર આવેલ છે. આ પ્રદેશ મુખ્યત્વે રણનો વિસ્તાર છે. અહીંયાં કેટલીય ઊંચી ટેકરીઓ આવેલ છે. આ નીચા પ્રદેશમાંથી અમુદરિયા અને સીરદરિયા નામની બે નદીઓ વહે છે. આ નદીઓ આ નીચા પ્રદેશને કારાકુમ રણ અને કિઝીલ કુમ રણમાં વિભાજિત કરે છે. આછી વર્ષાવાળા આ પ્રદેશમાં વસ્તી ઘણી આછી છે. માત્ર અમુદરિયાના ફળદ્રૂપ અને સિંચાઈ ધરાવતા રણદ્વીપોમાં જ ગીચ વસ્તી જોવા મળે છે.

આ પ્રદેશનો મુખ્ય પાક કપાસ, ફળો અને ચોખા  છે. વળી અહીંયાં ઘેટાં-ઉછેરનો વ્યવસાય પણ સારા એવા પ્રમાણમાં વિકસ્યો છે.

અમુદરિયાની ઉત્તરે આવેલ વિસ્તારને ઈરાનીઓએ ‘તુરાન’ એવું નામ આપ્યું. અગિયારમી સદીના મધ્યકાલીન આરબ ભૂગોળવેત્તાઓએ પણ તેના માટે ‘તુરાન’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેમાં તુર્કસ્તાનના વિસ્તારનો સમાવેશ થતો હતો. યુરોપીય લોકોએ આ શબ્દનો ઉપયોગ માત્ર તુર્કસ્તાન નહીં પરંતુ સમગ્ર મધ્ય એશિયાના વિસ્તારને દર્શાવવા કર્યો. આજે આ શબ્દપ્રયોગ નામશેષ થયો છે.

નવનીત દવે