તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે ‘તીર્થ’ શબ્દ પાછળથી પ્રયોજાયો છે. જળ અને જળાશય ઉપરાંત બીજી વસ્તુઓ પણ તીર્થ ગણાઈ છે. વેદ, શાસ્ત્ર કે દર્શનના ગ્રંથો મનુષ્યને પવિત્ર કરનારા ગ્રંથો હોવાથી વેદ, શાસ્ત્ર કે દર્શન પણ તીર્થ કહેવાય છે. જ્ઞાન આપીને પવિત્ર કરનાર ગુરુને, પવિત્ર કરનાર ઉપાયને, એવો ઉપાય બતાવનાર અમાત્યને, પવિત્ર કરનાર યજ્ઞને તથા પર્વત  પર કે જમીન પર રહેલા પવિત્ર સ્થળને પણ તીર્થ કહે છે. સજ્જન માણસ પોતે તો તીર્થ છે જ, પરંતુ તે જ્યાં રહે એ સ્થળ પણ તીર્થ છે એમ મહાકવિ કાલિદાસ ‘કુમારસંભવ’(6/38)માં કહે છે.

પ્રભાસપાટણનું સોમતીર્થ, પુષ્કરરાજ, આરાસુર, કનખલ, હરદ્વાર, કેદારનાથ, બદરીનાથ, શ્રવણબેલગોલા, રામેશ્વર, તિરુપતિ વગેરે અનેકાનેક તીર્થો ભારતમાં રહેલાં છે. સૌરાષ્ટ્રના સોમતીર્થની યાત્રા શકુંતલાના પ્રતિકૂળ દૈવને શાંત કરવા તેના પાલક ઋષિએ કરેલી એવો નિર્દેશ કાલિદાસે ‘શાકુંતલ’માં કર્યો છે. પર્વત પર રહેલાં, નદી, સમુદ્ર કે જળાશય પાસે રહેલાં, નદીઓના સંગમ પર રહેલાં અનેક સ્થાવર તીર્થો ભારતમાં છે. ઉત્તરે પર્વત પરનાં કૈલાસ અને માનસરોવરથી દક્ષિણે સમુદ્રકિનારે રહેલાં કન્યાકુમારી અને રામેશ્વર સુધી પૂર્વમાં જગન્નાથપુરીથી પશ્ચિમમાં દ્વારકા સુધી અનેક સ્થાવર તીર્થો હિંદુઓની જેમ બૌદ્ધ અને જૈન તીર્થો સાથે રહેલાં છે. એવી જ રીતે માતા, પિતા, ગુરુ અને જ્ઞાનીઓ અને સંતો પણ ભારતમાં જંગમ તીર્થો ગણાય છે. સ્થાવર અને જંગમની જેમ માનસતીર્થો પણ ભારતમાં છે. તીર્થયાત્રાનો, તીર્થમાં સ્નાન અને દાનનો પણ મહિમા છે. તેનાથી પાપ નાશ પામે છે. અલબત્ત, તીર્થમાં કરેલું પાપ નાશ પામતું નથી. મહાભારતમાં તાત્વિક રીતે દયારૂપી મોજાંવાળા; સત્યરૂપી પાણીવાળી આત્મારૂપી નદીમાં જ્ઞાનરૂપી તટ પર આવેલા સંયમરૂપી પુણ્યતીર્થમાં કરેલું સ્નાન જ અંતરાત્માને પવિત્ર કરે છે એવું કથન છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં તીર્થોદક અને તીર્થાટનનો મહિમા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી