તીરંદાજી : ધનુષ્ય ઉપર બાણ ચઢાવી, પણછ ખેંચીને બાણ છોડી લક્ષ્યવેધ કરવાની રમત. આ રમત પ્રાચીન કાળથી ચાલી આવેલી છે. ભારતમાં ધનુર્વિદ્યા યા તીરંદાજીના નામે અને પાશ્ર્ચાત્ય દેશોમાં ‘આર્ચરી’ના નામે તે જાણીતી છે. માનવીએ શિકાર કરવા માટે તથા હિંસક પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે અને પાછળથી યુદ્ધમાં શસ્ત્ર તરીકે ધનુષ્ય-બાણનો ઉપયોગ શરૂ કરેલો. રમતગમત તરીકે તીરંદાજીનો વિકાસ સોળમી સદીથી શરૂ થયો ગણી શકાય. આ રમતની સ્પર્ધામાં ખેલાડીએ નિયત અંતરેથી પોતાની વારી દરમિયાન નક્કી કરેલ સમયમર્યાદામાં નિશાન પર તીર છોડવાનાં હોય છે અને નિશાનમાં જે સ્થાને તીર લાગે તેને અનુલક્ષીને ગુણ પ્રાપ્ત થતાં સૌથી વધારે ગુણ મેળવનાર વિજેતા ગણાય છે.

મેદાન : પૂરતા વિશાળ મેદાન પર 5 મી. પહોળી જરૂરી ગલીઓ દોરી એક છેડે નેમરેખા પર દરેક ગલીમાં નિશાનને ક્રમ આપી ગોઠવવામાં આવે છે. ભાઈઓ માટે નિશાનથી 90 મી. 70 મી., 50 મી. અને 30 મી. અંતરે તથા બહેનો માટે 70 મી. 60 મી., 50 મી. અને 30 મી.ના અંતરે 5 સેમી. પહોળી તાકરેખાઓ દોરવામાં આવે છે.

ટાર્ગેટ

નિશાન : મોટું નિશાન 122 સેમી. વ્યાસનું તથા નાનું નિશાન 80 સેમી. વ્યાસનું ઘાસનાં દોરડાં સાંધીને બનાવેલ ગોળાકાર ફલક હોય છે. તેના આગળના ભાગ પર કૅન્વાસ યા જાડું કાપડ જડવામાં આવે છે અને તે પર મધ્યબિંદુથી ક્રમિક વધતી જતી ત્રિજ્યાવાળાં સમકેન્દ્રી 10 કૂંડાળાં દોરી 10 ગુણદર્શક વિભાગમાં વહેંચવામાં આવે છે. આ દરેક વિભાગની પહોળાઈ મોટા નિશાનમાં 6.1 સેમી. તથા નાના નિશાનમાં 4 સેમી. જેટલી હોય છે. દરેક બે કૂંડાળાં માટે એક રંગ એમ પાંચ રંગમાં આ કૂંડાળાં મધ્યબિંદુથી ક્રમસર શરૂ કરતાં A અને Bનો સોનેરી, C અને D નો રાતો, E અને Fનો વાદળી, G અને Hનો કાળો તથા I અને Jનો ધોળો એમ રંગોમાં દર્શાવાય છે. 30 મી. અને 50 મી. અંતરેથી તાકવા માટે નાના નિશાનનો અને તેથી વધારે અંતર માટે મોટા નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે. તાકનાર ખેલાડીનું તીર નિશાન પર જે સ્થાને લાગે તેને અનુલક્ષીને અંદરના કૂંડાળામાંથી બહારની તરફ શરૂ કરતાં ક્રમસર દરેક વિભાગ માટે 10થી 1 એમ અવળા ક્રમે ગુણ પ્રાપ્ત થશે. આ કૂંડાળાં દોરેલા પાટિયાને – નેમરેખાને કાટખૂણે ગોઠવેલી ત્રણ પાયાવાળી ઘોડી જે 15° જેટલી પાછળ ઢળતી હોય છે તેના પર લક્ષ્યબિંદુ જમીનથી  બરાબર 130 સેમી. ઊંચે રહે તેમ ગોઠવવામાં આવે છે. તાક-અંતર લક્ષ્યબિંદુથી માપવામાં આવે છે.

ધનુષ્યબાણ : અગાઉ વાંસ કે લાકડાનાં બનાવેલાં પ્રાથમિક કક્ષાનાં ધનુષ્ય વપરાતાં પણ 1940 પછી અદ્યતન સુવિધાયુક્ત ધનુષ્ય લોખંડનું યા ફાયબર ગ્લાસ  કાષ્ઠાવરણ તથા પ્લાસ્ટિકની સંયુક્ત બનાવટવાળું ઉપયોગમાં લેવાય છે. તીરની આદર્શ લંબાઈ તાકવાની સ્થિતિમાં તાકોડીના હાથના અંગૂઠાના મૂળથી તેની દાઢી સુધીની ગણાય છે. તીરનું વજન 28 ગ્રામથી ઓછું હોવું જોઈએ.

સ્પર્ધા : તીરંદાજીની સ્પર્ધા વ્યક્તિગત તથા ટુકડીગત યોજાય છે. ટુકડીમાં કમસેકમ ત્રણ ખેલાડીઓ હોય છે. તાકનાર ખેલાડીએ 2.5 મિનિટની સમયમર્યાદામાં ત્રણ તીર તાકવાની પોતાની વારી પૂરી કરવાની હોય છે. ફીટા (Federation of International Tir Archery) રાઉન્ડમાં ભાઈઓ માટે 90 મી. 70 મી., 50 મી. અને 30મી. તથા બહેનો માટે 70 મી., 60 મી., 50 મી. અને 30 મી. એમ દરેક અંતરેથી 36 તીરો મળી કુલ 144 તીર નિશાન માટે તાકવાનાં રહે છે. રાઉન્ડના આરંભમાં તાકનાર ખેલાડી 6 તીર મહાવરા માટે તાકે છે, જેના ગુણ ગણાતા નથી.

સુસજ્જ ધનુર્ધારી અને ધનુષ્ય

તીરંદાજીની રમતના વિકાસમાં ગ્રેટ બ્રિટનનો અત્યંત મહત્ત્વનો ફાળો છે. રાષ્ટ્રકક્ષાએ તીરંદાજીની સર્વપ્રથમ હરીફાઈ 1844માં યૉર્ક ખાતે યોજાઈ અને 1861માં ‘ગ્રાન્ડ નૅશનલ આર્ચરી ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. તે પછી 1879માં અમેરિકામાં ‘નૅશનલ આર્ચરી ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. આંતરરાષ્ટ્રીય ધોરણે તીરંદાજીની સર્વપ્રથમ સ્પર્ધા 1931માં પોલૅન્ડમાં થઈ અને આંતરરાષ્ટ્રીય તીરંદાજી મંડળની સ્થાપના ગ્રેટ બ્રિટનમાં થઈ. વિશ્વ-ઑલિમ્પિક્સમાં આ રમતનો 1972માં સમાવેશ થયો. ભારતમાં રાજસ્થાનના લીંબારામ તથા શામલાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગૌરવવંતા તીરંદાજો છે.

ચિનુભાઈ શાહ