તીર્થંકર : તીર્થની સ્થાપના કરનાર. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ (સાધુપણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર, બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળ જ્ઞાન (સર્વજ્ઞત્વ) પામ્યા પછી જે કોઈ જીવ તીર્થની સ્થાપના કરે છે તે તીર્થંકર. તીર્થ એટલે (1) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ તેમજ (2) 12 અંગ આગમોમાં સંગૃહીત મોક્ષ માર્ગનો ઉપદેશ. આમ તીર્થંકર ચતુર્વિધ સંઘના સ્થાપક અને 12 અંગ આગમોના પ્રયોજક છે. તીર્થંકરના ઉપદેશના આધારે તેમના સાક્ષાત્ મુખ્ય શિષ્યો (ગણધરો) 12 અંગ આગમોની રચના કરે છે. આમ, જૈન તીર્થંકરનું જીવન્મુક્ત ઉપદેષ્ટા સાથે અત્યંત સામ્ય છે. આયુષ્ય પૂર્ણ થતાં તીર્થંકર મોક્ષપદને પામે છે અર્થાત્ વિદેહમુક્ત બને છે. તે ફરી સંસારમાં આવતા નથી. સંસારમાં જે જે આત્મા તીર્થંકર બને છે તે કોઈ એક પરમાત્માના અવતાર નથી. જૈન મતે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ નામના કાળના બે મોટા વિભાગ છે, જે વારાફરતી આવ્યા કરે છે. તે દરેક કાળવિભાગને છ ભાગોમાં વિભક્ત કરી દરેક ભાગને ‘આરો’ નામ આપ્યું છે. ત્રીજા અને ચોથા આરામાં જ તીર્થંકરો થાય છે અને તેમની સંખ્યા 24 જ હોય છે. વર્તમાન કાળવિભાગના છેલ્લા ચોવીસમા તીર્થંકર મહાવીર છે. જૈન ધર્મમાં તીર્થંકર જ ઈશ્વર છે. કોઈ પણ જીવ આધ્યાત્મિક સાધના દ્વારા તીર્થંકર અને ઈશ્વર બની શકે છે. વીતરાગભાવ કેળવાય એ ઉદ્દેશથી જ જૈનો વીતરાગ તીર્થંકરની પૂજા કરે છે.
તીર્થંકરો1. શ્રી ઋષભદેવ (આદિનાથ) 13. શ્રી વિમલનાથ
2. શ્રી અજિતનાથ 14. શ્રી અનંતનાથ
3. શ્રી સંભવનાથ 15. શ્રી ધર્મનાથ
4. શ્રી અભિનંદનસ્વામી 16. શ્રી શાંતિનાથ
5. શ્રી સુમતિનાથ 17. શ્રી કુંથુનાથ
6. શ્રી પદ્મપ્રભ 18. શ્રી અરનાથ
7. શ્રી સુપાર્શ્વનાથ 19. શ્રી મલ્લિનાથ
8. શ્રી ચન્દ્રપ્રભુસ્વામી 20. શ્રી મુનિસુવ્રતસ્વામી
9. શ્રી સુવિધિનાથ (પુષ્પદન્ત) 21. શ્રી નેમનાથ
10. શ્રી શીતલનાથ 22. શ્રી નેમિનાથ
11. શ્રી શ્રેયાંસનાથ 23. શ્રી પાર્શ્વનાથ
12. શ્રી વાસુપૂજ્યસ્વામી 24. શ્રી મહાવીરસ્વામી
નગીનભાઈ જીવણલાલ શાહ