તીસરી કસમ : 1966ના વર્ષનું રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ હિંદી ચલચિત્ર. બિહારની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી ગામના એક ભલાભોળા ગાડીવાન હીરામન અને નૌટંકીની નર્તકી હીરાબાઈના હૃદયમાં એકબીજાં પ્રત્યે પાંગરતી કુમળી લાગણીઓનું સુંદર નિરૂપણ આ શ્વેત અને શ્યામ ચલચિત્રમાં કરાયું છે. ખ્યાતનામ હિંદી સાહિત્યકાર ફણીશ્વરનાથ ‘રેણુ’ની એક પ્રસિદ્ધ ટૂંકી વાર્તા ‘મારે ગયે ગુલફામ’ પર આધારિત આ ચલચિત્રનું નિર્માણ હિંદી ચલચિત્રોના જાણીતા ગીતકાર શૈલેન્દ્રએ કર્યું. નિર્માણ વર્ષ : 1966, ભાષા : હિંદી, સંસ્થા : ઇમેજ મેકર્સ, દિગ્દર્શક : બાસુ ભટ્ટાચાર્ય, ગીતકાર : શૈલેન્દ્ર, હસરત જયપુરી, સંગીત : શંકર-જયકિશન, છબીકળા : સુવ્રત મિત્ર, મુખ્ય કલાકારો : રાજ કપૂર, વહીદા રહેમાન, ઇફતેખાર, દુલારી, સી. એસ. દુબે, કૃષ્ણ ધવન, કેશ્ટો મુખરજી, આસિત સેન. અવધિ 159 મિનિટ.

મૂળ કૃતિને વધુમાં વધુ વફાદાર રહેતું આ ચલચિત્ર કચકડાની કવિતારૂપ બની શક્યું છે. પોતાની નૌટંકીની મંડળી સાથે જોડાવા માટે જઈ રહેલી નર્તકી હીરાબાઈ રેલવે સ્ટેશનેથી હીરામનના બળદગાડામાં બેસે છે. રસ્તામાં હીરામનની ભોળી વાતો અને બિહારની લોકકથાઓ પર આધારિત તેનાં અર્થપૂર્ણ ગીતો અને ખાસ તો હીરાબાઈ નૌટંકીની બાઈ હોવા છતાંય હીરામનનો તેના તરફનો આદરભાવ હીરાબાઈના હૃદયમાં ઊંડે સુધી ઘર કરી જાય છે. નૌટંકીના ખેલ દરમિયાન અને તે પછી હીરાબાઈની નામરજી છતાં તેની સાથે છૂટ લેતા કેટલાક લોકોનું વર્તન હીરામન સહી શકતો નથી. નૌટંકી છોડી દેવા તે હીરાબાઈને સમજાવે છે. તેને ફરી રેલવે-સ્ટેશને મૂકવા જાય છે, ભારે હૈયે તેની વિદાય લે છે. ગાડી ઊપડ્યા પછી હીરામન ત્રીજા સોગંદ લે છે કે પોતે હવે નૌટંકીની બાઈને ક્યારેય પોતાના ગાડામાં નહિ બેસાડે. રાજ કપૂર અને વહીદા રહેમાનનો અભિનય, સત્યજિત રાય સાથે કામ કરી ચૂકેલા સુવ્રત મિત્રની સુંદર છબીકલા અને કર્ણપ્રિય ગીત-સંગીત આ ચલચિત્રનાં જમા પાસાં છે.

હરસુખ થાનકી