તીથલ : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના મુખ્ય મથક વલસાડથી 4–5 કિમી. દૂર આવેલું હવા ખાવાનું સ્થળ અને પ્રવાસધામ. તે અરબી સમુદ્રના પૂર્વ કનારે 20° 37´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે.
દરિયાકાંઠે હોવાથી ઉનાળો ઓછો ગરમ અને શિયાળો સાધારણ ઠંડો હોય છે. સરેરાશ ગુરુતમ દૈનિક તાપમાન 33.7° સે. અને સરેરાશ લઘુતમ દૈનિક તાપમાન 22.8° સે. રહે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો અને મે માસ સૌથી ગરમ હોય છે. જૂન 15થી સપ્ટેમ્બર 15 દરમિયાન ચોમાસામાં 2,200 મિમી. વરસાદ પડે છે.
દરિયાકિનારે તાડ, નારિયેળી, આંબા, ચીકુડી વગેરેનાં ઝુંડો જોવા મળે છે. ખુશનુમા આબોહવા ધરાવતા આ સ્થળે તાતા કંપનીએ તેના કર્મચારીઓ માટે ‘તારાબાગ’માં રહેવાની સગવડ ઊભી કરી છે. ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા દરિયાકિનારા નજીક આવાસો બાંધવામાં આવ્યા છે. આ પૂર્વે તંબુમાં રહેવાની વ્યવસ્થા કરાતી હતી. ત્યાંના બંગલાઓમાં પણ પ્રવાસીઓ રહે તેવી સગવડ હોય છે. ત્રણ જૈન સાધુબંધુઓ મુનિચંદ્રવિજયજી, કીર્તિચંદ્રવિજયજી અને જિનચંદ્ર-વિજયજીનો અહીં આશ્રમ છે. અહીં ધાર્મિક પુસ્તકાલય છે.
અહીંની ચોપાટી આકર્ષક છે. દરિયાકિનારે સૂર્યાસ્તનું સુંદર ર્દશ્ય જોવા મળે છે.
સમુદ્રકિનારે સાંઈબાબાનું અર્વાચીન શૈલીનું મંદિર છે. મંદિર ઉપરનો બસો કિલો વજનનો કળશ 2.3 મી. ઊંચો છે. સાંઈબાબાની આરસની મૂર્તિ પોણાબે મીટર ઊંચી છે. આ ઉપરાંત ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર, ખારવા તથા કોળીઓની કુળદેવી તુલજા ભવાનીનું તથા પાદરાદેવીનાં મંદિરો છે. સ્થાનિક વસ્તીમાં કોળી લોકોનું પ્રમાણ વધારે છે.
ગામમાં એક બાલમંદિર, એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા છે. 2011માં ગામની વસ્તી 3,011 જેટલી હતી.
શિવપ્રસાદ રાજગોર