તીતીઘોડો : તીતીઘોડો એ સરળપક્ષ (orthoptera) શ્રેણીનું એક્રીડિડી કુળનું કીટક છે. આ શ્રેણીમાં લગભગ છ હજાર જાતો નોંધાઈ છે. તે જમીન ઉપર રહેનારું અને કૂદકા મારી ચાલનારું કીટક છે. અમુક જાતના તીતીઘોડા પાકને ઘણું જ નુકસાન કરે છે. તીતીઘોડાની મુખ્યત્વે હાઇરોગ્લાયફસ બનિયન (Hieroglyphus banian fab), હાઇરોલાયફસ નિગ્રોરેપ્લેટસ (H. nigrorepletus Bol), હાયરોલાયફ્સ ઑરાઇઝિવૉરસ (H. oryzivorous u.) અને ઑક્સિયા નિટિડ્યુલા (Oxya nitidula willmese) – એ ચાર જાતિઓ નોંધાયેલી છે. તે પૈકી પ્રથમ ગુજરાતમાં જોવા મળે છે. આ જાતિના તીતીઘોડા મધ્યમ કદના 3થી 4 સેમી. લાંબા અને લીલા રંગના હોય છે. તેના માથાની પાછળના ભાગે ઉરસ પર બેથી ત્રણ કાળી લીટીઓ આવેલી હોય છે. તેનો ઉપદ્રવ ડાંગર, શેરડી અને અન્ય ધાન્ય પાકોમાં જોવા મળે છે. ચારે પ્રકારના તીતીઘોડાનો જીવનક્રમ તેમની નુકસાન કરવાની રીત અને તેમને કાબૂમાં લેવાના ઉપાયો લગભગ એકસરખાં જ છે. બચ્ચાં અને પુખ્ત અવસ્થામાં આ જીવાત છોડનાં પાન કાપી ખાય છે. માદા કીટક 300થી 400ની સંખ્યામાં અથવા તેનાથી વધુ ઈંડાં ખેતરમાં તેમજ ખાસ કરીને પાળાની બાજુમાં મૂકે છે. આ ઈંડાં બીજા વર્ષના ચોમાસા સુધી જમીનમાં રહે છે. બીજા વર્ષમાં જૂન-જુલાઈ માસમાં પહેલા વરસાદની સાથે જ ઈંડાંમાંથી બચ્ચાં (નાના તીતીઘોડા) બહાર નીકળી આવે છે. આ બચ્ચાં 12 મિમી. જેટલાં લાંબાં અને તપખીરિયા રંગનાં હોય છે; પરંતુ જેમ જેમ મોટાં થતાં જાય તેમ તેમ લીલો રંગ ધારણ કરે છે. બચ્ચાં શરૂઆતમાં શેઢા પરનું ઘાસ ખાય છે અને ત્યારબાદ તેઓ મુખ્ય પાકમાં ઊતરી પડી તેનાં પાંદડાં ખાવા માંડે છે. બચ્ચાં પાંચ વખત ચામડી ઉતાર્યા બાદ 70થી 80 દિવસમાં પુખ્ત થઈ વર્ષમાં એક જ પેઢી પૂરી કરે છે. જે વિસ્તારમાં આ કીટકનો ઉપદ્રવ દર વર્ષે જોવા મળતો હોય ત્યાં ખેતરને હળ વડે ખેડી નાખી ઢેફાં ભાંગવાથી ઈંડાંનો સમૂહ ખુલ્લો થાય છે. તે તાપથી અને પક્ષીઓ દ્વારા નાશ પામશે. 10 ગ્રામ લીંબોળીનાં મીંજને ઝીણાં લસોટી બારીક કપડાંથી ગાળી તેમાં 10 લિટર પાણી ઉમેરી પાક પર છાંટવાથી તીતીઘોડા પાકને નુકસાન કરતા નથી. બચ્ચાં માટે બીએચસી 5 %ની પ્રલોભિકા બનાવી ખેતરમાં ભભરાવવાથી સારું નિયંત્રણ મળે છે. પ્રલોભિકા વાપરવી શક્ય ન હોય તો 10% બીએચસી ભૂકો હેક્ટરે 20થી 25 કિગ્રા. પ્રમાણે છાંટવાથી સારાં પરિણામ મેળવી શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ