તીરથ બસંત (જ. 7 સપ્ટેમ્બર 1909, લુકમાન, સિંધ; અ. 1994) : વીસમી સદીના નવચેતનાકાળના પ્રમુખ સિંધી સાહિત્યકાર. બે વરસની વયે માતાનું અવસાન થતાં દાદીમાએ તેમનું પાલનપોષણ કર્યું હતું. તેમણે ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાંથી જીવનશિક્ષણ મેળવ્યું હતું અને પૂર્વ-પશ્ચિમના સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. દર્શન, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વિજ્ઞાન જેવા વિષયોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ સિંધી, હિંદી, ઉર્દૂ, ફારસી, અરબી તથા અંગ્રેજી ભાષાના જાણકાર હતા અને આંતરમનની ચેતનાથી નિજાનંદ માટે સાહિત્યસર્જન કરવા પ્રેરાયા હતા.

તીરથ દશમા ધોરણમાં હતા તે વખતે શેક્સપિયરનું નાટક ‘હૅમ્લેટ’ અને કાર્લાઇલકૃત ‘હીરો ઍન્ડ હીરોવર્શિપ’નો સિંધીમાં અનુવાદ કર્યો હતો. મીરાંનાં જીવન અને ભજનોનો અભ્યાસ કરીને ‘મીરાં’ નામે નાટક લખ્યું હતું. બાદમાં શેક્સપિયરનાં અન્ય નાટકો તથા રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો સિંધીમાં અનુવાદ કર્યો હતો. ‘જીવનજ્વાળા’ નામે મૌલિક એકાંકીસંગ્રહ પણ પ્રગટ કર્યો હતો.

‘સિંધ ઑબ્ઝર્વર’ તથા ‘ઍડવાન્સ ઇન્ડિયા’ નામનાં સામયિકોમાં તેમણે અંગ્રેજીમાં લેખો લખવાનો પ્રારંભ કર્યો હતો. ‘રોશની’ તથા ‘ફુલેસી’ નામનાં સામયિકોમાં તેમણે સિંધીમાં લેખો લખ્યા હતા.

સર્વધર્મ પ્રત્યે સમભાવ ધરાવતા સિંધના ભક્ત કંવરરામનો કોમવાદે 1939માં ભોગ લીધો હતો. સિંધની તત્કાલીન સામાજિક, ધાર્મિક, રાજકીય, સ્થિતિના ચિત્રણની સાથે કંવરરામના જીવન અને કવનનું આલેખન કરતા પુસ્તક ‘કંવર’ને 1959માં દિલ્હીની સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું હતું. તેમના આલોચનાત્મક લેખોના સંગ્રહ ‘સાહિત્યસાર’ને જી. બી. ડબ્લ્યૂ ફાઉન્ડેશન, અમેરિકા તરફથી પારિતોષિક અપાયું હતું. વિશિષ્ટ સાહિત્યસેવા બદલ સિંધ સરકારે 1943માં તેમનું સન્માન કર્યું હતું.

આ ઉપરાંત ‘ચિણગું’ (1940), ‘જવાહરજીવન’ (1941), ‘વસંત વર્ષા’ (1959) ‘સાહિત્યસાર’ (1962), ‘ગાંધીજીવની’ (1972), ‘સાહિત્યસર્જન’ (1978), ‘ખુશ્બૂ’ (1979) ઉલ્લેખનીય પુસ્તકો સહિત તેમનાં 40 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. તેમણે ‘ઇતિહાસદર્શન’, ‘જીવનજોત’ તથા ‘મહાભારતસાર’ નામે પુસ્તકો પણ લખ્યાં હતાં. અતિ બૌદ્ધિકતાના બોજ તળે તેઓ જીવનભર એકાકી બની રહ્યા.

જયંત રેલવાણી