તિષ્યરક્ષિતા : સમ્રાટ અશોકની પટરાણી. મૌર્ય રાજવી અશોકને અનેક રાણીઓ હતી. એના અભિલેખોમાં કારુવાકી નામે દ્વિતીય રાણીનો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોક અવંતિમાં રાજ્યપાલ હતો ત્યારે એ વિદિશાની દેવી નામે  શાક્ય પુત્રીને પરણ્યો હતો. અન્ય અનુશ્રુતિ અનુસાર અશોકની અગ્રમહિષી અસન્ધિમિત્રા હતી ને એના મૃત્યુ પછી અશોકે એ સ્થાન તિષ્યરક્ષિતા નામે રાણીને આપેલું. આ રાણીએ બોધિવૃક્ષનો ઉચ્છેદ કરવા કોશિશ કરેલી તેમજ સાવકા પુત્ર યુવરાજ કુનાલને કપટથી અંધ કરાવી એને રાજવારસાથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો હતો એવી અનુશ્રુતિ છે. ‘તિષ્ય’નો અર્થ ‘પુષ્ય’ થાય છે, જે નક્ષત્રનું નામ છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી