તિવારી, સીયારામ

January, 2014

તિવારી, સીયારામ (જ. 10 માર્ચ 1919; અ. 1998) : ધ્રુપદ ગાયકી ઉપરાંત ખયાલ અને ઠૂમરી ગાયન–શૈલીના કલાકારોમાંના એક. જન્મ મોસાળ ગામ મિથિલામાં. પિતાનું નામ બલદેવ તિવારી, જે ગયાના નિવાસી હતા અને ખયાલ તથા ઠૂમરીના પ્રસિદ્ધ ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા બાળપણમાં આઠ વર્ષની વયથી તેમના માતામહ અને વિખ્યાત પખવાજ–વાદક તથા ધ્રુપદ ધમારના નિષ્ણાત પંડિત વાસુદેવ પાઠક પાસેથી લીધી હતી. 18 વર્ષની ઉંમર સુધી તેમની પાસેથી સંગીતની શિક્ષા લીધા પછી સાત વર્ષ સુધી તેમણે  પિતા પાસેથી ખયાલ અને ઠૂમરી ગાયનશૈલીની શિક્ષા પ્રાપ્ત કરી. 24 વર્ષની ઉંમરે તેમણે ઝૂલનના મેળામાં સૌપ્રથમ વાર જાહેર કાર્યક્રમ આપ્યો. 26 વર્ષની ઉંમરે તેમણે આરા દેશી રાજ્યના દરબારમાં પોતાની ગાયકીનો પરિચય આપ્યો. તેમના ગાયનથી પ્રભાવિત થયેલા રાજ્યના તે વખતના રાજા શત્રુંજયપ્રસાદસિંહે તેમને તેમના દરબારના ગાયકનું પદ આપ્યું જ્યાં તે આઠ વર્ષ સુધી રહ્યા. તેમણે દેશના જુદા જુદા વિસ્તારમાં વખતોવખત યોજાયેલાં સંગીતસંમેલનોમાં પોતાની ગાયનકલાની રજૂઆત કરી હતી.

ધ્રુપદની ગાયનશૈલીઓ અનુસાર સીયારામ તિવારી ખંડાર બાનીના પુરસ્કર્તા ગણાય છે. ધ્રુપદો તથા અન્ય બંદીશોની તેમની રજૂઆતમાં હવેલી સંગીતશૈલીના અંશો સાંભળવા મળે છે. બંદીશો મુખ્યત્વે કૃષ્ણલીલા તથા કૃષ્ણભક્તિને લગતી હોય છે.

1971માં ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કર્યો હતો. અન્ય સન્માનોમાં 1955માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સુવર્ણચંદ્રક, 1985માં ફેલોશિપ, 1989માં બિહારરત્ન અને તાનસેન ઍવૉર્ડ.

હ્રષિકેશ પાઠક