તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત

January, 2014

તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત (જ. 1605, પૅરિસ; અ. 1689, મૉસ્કો) : ફ્રેન્ચ મુસાફર, લેખક અને ઝવેરાતનો વેપારી. તાવર્ન્યેએ સાત વખત દરિયાઈ સફર ખેડેલી, જેમાંથી પાંચ વખત તો તે ભારત આવેલો અને લાંબો  વખત ત્યાં રહેલો. તેણે તેનો પ્રથમ પ્રવાસ 1630થી 32માં કરેલો જેમાં તે કૉન્સ્ટેન્ટિનોપલ થઈ પર્શિયા પહોંચેલો. આ પ્રવાસમાં તે બે ફ્રેન્ચ પાદરીઓ સાથે જોડાયો હતો. કૉન્સ્ટેન્ટિનોપલમાં તે 11 મહિના રોકાયો હતો. આ સફરનો દૂરનો મુકામ હતો ઇસ્ફહાનમાં. 1633માં બગદાદ, માલ્ટા, ઇટલી થઈ તે પૅરિસ પાછો ફરેલો. 1638થી 1643ના બીજા પ્રવાસ દરમિયાન તે ભારત સુધી આવેલો અને સૂરત, આગ્રા તથા ગોલકોંડાની મુલાકાત લીધેલી. આ સફર દરમિયાન તેણે મુઘલ દરબારની અને હીરા-માણેકની ખાણોની મુલાકાત લીધી હતી. ત્રીજી વખતની સફર તેણે 1643થી 1649માં કરેલી જ્યારે તે જાવા સુધી ગયેલો. કેપ ઑવ્ ગુડ હોપના માર્ગે તે પાછો ફરેલો. આ સફર દરમિયાન તેણે ઝવેરાતનો વેપાર શરૂ કર્યો અને તેમાંથી તેમણે ઘણી સંપત્તિ સંપાદિત કરેલી. ભારત સાથેના વેપારની તેણે આ સફર દ્વારા શરૂઆત કરી હતી. આ પછીની ત્રણેય સફર (1651–55;1657–62 અને 1664–68) એણે ભારત પૂરતી સીમિત રાખેલી અને વિશેષ કરીને સૂરતમાં એનો મુખ્ય મુકામ હતો. આમ તો તેણે સૂરતની પાંચેય વખત મુલાકાત લીધી હતી. છેલ્લી અને સાતમી સફર તેણે 1687–89માં ખેડેલી, જે દરમિયાન મૉસ્કોમાં એનું મૃત્યુ થયેલું. એના પ્રવાસગ્રંથોના અંગ્રેજી અનુવાદ વૅલેન્ટાઇન બોલે અને વિલિયમ કૂકે અનુક્રમે 1889 અને 1925માં બે ભાગમાં કરેલા. સાતમા પ્રવાસ પહેલાં લૂઈ 14માએ 1669માં તેને ઉમરાવપદથી સન્માન્યો હતો. 1670માં તેણે સ્વિટ્ઝર્લૅન્ડમાં જિનીવા પાસે મિલકત ખરીદેલી. એના પ્રવાસગ્રંથોમાં ભારતના અને મુખ્યત્વે સૂરતના સામાજિક–આર્થિક ઇતિહાસ વિશેની હૂબહૂ માહિતી મળે છે. આ ઉપરાંત, ભારતના આંતરિક પ્રવાસમાર્ગો અને વિદેશો સાથેના દરિયાઈ માર્ગોનું એનું વર્ણન રસપ્રદ અને ધ્યાનાર્હ છે. સૂરતથી આગ્રા જતાં તે ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, દાંતા, ભિન્નમાળ અને ફતેહપુર સિક્રીની મુલાકાત લેતો ગયો હતો. આગ્રા સુધીનું 996 કિમી. અંતર કાપતાં તેને ચાલીસેક દિવસ થયા હતા.

રસેશ જમીનદાર