તાવીજ : મનુષ્યની રક્ષા કરનાર મંત્ર વગેરેને લખી તેને ધાતુની ડબીમાં મૂકી ડબીને દોરા વડે હાથ કે ગળામાં ધારણ કરાય તે. આનો ઉદગમ વેદકાળથી થયો છે, કારણ કે અથર્વવેદના સૂક્ત 8/5માં મણિને દોરીથી બાંધીને ધારણ કરવાનો નિર્દેશ છે. આ ઉપરાંત, અથર્વવેદના 4/10, 10/3, 6, 19/28 થી 31 અને 34થી 36માં મુશ્કેલી દૂર કરી લાભ મેળવવા મણિ ધારણ કરવાના નિર્દેશો છે. યજ્ઞ વગેરે ધાર્મિક વિધિઓ નિર્વિઘ્ને સમાપ્ત થાય અને રાક્ષસો તેનું ફળ લઈ ન જાય એ માટે મંત્ર બોલી પાણીની ધાર કરી રાક્ષસોને દૂર રાખવામાં આવે છે. યજ્ઞના અથર્વવેદના જ્ઞાની અને બ્રહ્મા એ નામે ઓળખાતા બ્રાહ્મણની આવાં વિઘ્નો દૂર કરવાની ફરજ માનવામાં આવી છે.

અથર્વવેદના કૌશિકસૂત્રમાં તથા અન્ય વેદના સૂત્રગ્રંથોમાં બળેવના દિવસે થતા ઉપાકર્મ(જનોઈ બદલવાના વાર્ષિક વિધિ)ના અંતે ‘પ્રતિસરબંધન’ કરવામાં આવતું હોવાનો નિર્દેશ રહેલો છે. એક નાનકડી પોટલીમાં જવ, સરસવ, સોનું વગેરે બાંધી નાડાછડીથી તે પોટલી જમણા હાથના કાંડા પર બાંધવામાં આવે તેને પ્રતિસરબંધન એવા નામે ઓળખે છે અને તે ખૂબ જાણીતો વિધિ છે. બહેન ભાઈને બળેવને દિવસે રાખડી બાંધે છે એ તહેવારનું મૂળ ઉપાકર્મના પ્રતિસરબંધનવિધિમાં રહેલું હોવાનું માની શકાય. પ્રતિસરબંધન કે રક્ષાબંધન યજ્ઞ વગેરે તમામ શ્રૌત અને ગૃહ્યકર્મ કરતી વખતે પ્રચલિત બનવાનું કારણ ધાર્મિક કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત થાય એ છે.

મંત્ર જપવો, મંત્ર બોલી પાણી છાંટવું કે રેડવું, પ્રતિસરબંધન, શરીર પર ધાતુ કે રત્ન ધારણ કરવું, ગ્રહોનું ખરાબ અસરમાંથી બચવા ગ્રહનું પ્રિય નંગ પહેરવું વગેરે વેદકાળથી ચાલી આવતી આ વિવિધ વિધિઓની પરંપરાએ ભારત દેશમાં વિધર્મી આગંતુકોને પણ આકર્ષ્યા છે. પરિણામે મુસ્લિમ સંતોમાં તાવીજ અને શીખોમાં હાથે કડું પહેરવાની પરંપરા જન્મી જણાય છે. આ પરંપરા અંધશ્રદ્ધા કે વહેમથી મુક્ત છે; કારણ કે રત્ન, ધાતુ, સૂત્ર વગેરેની ચોક્કસ અસર તે પહેરનાર પર પડે છે એમ મનાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી