તાર્કિક સમસ્યાઉકેલ

January, 2014

તાર્કિક સમસ્યાઉકેલ : તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય એવી ઉદ્દીપક પરિસ્થિતિરૂપ સમસ્યાનો તર્કસંગત ઉકેલ શોધવો તે. જ્યારે વ્યક્તિને કશુંક જોઈતું હોય પરંતુ તે મેળવવા માટે શું કરવું તેનું  તત્કાલ જ્ઞાન ન હોય ત્યારે સમસ્યા છે તેમ કહેવાય. આમ, જ્યારે પ્રવર્તમાન સ્થિતિ અને ઇચ્છિત લક્ષ્ય વચ્ચે તફાવત કે અસંગતતા હોય ત્યારે સમસ્યા ઉદભવે છે.

વ્યક્તિ સમક્ષ, ઉદભવેલી સમસ્યા પ્રત્યેની કોઈ તૈયાર પ્રતિક્રિયા ન હોય ત્યારે યોગ્ય પ્રતિક્રિયાની શોધ કરી તે પ્રતિક્રિયાને વ્યક્તિ અમલમાં મૂકે તેને સમસ્યાઉકેલ કહેવાય. જો વ્યક્તિએ કોઈ પ્રતિક્રિયા સારી રીતે શીખેલી હોય અને તે પ્રતિક્રિયાને કેવળ અમલમાં મૂકે તો તેને સમસ્યાઉકેલ ન કહેવાય; દા. ત., ખોરાક મેળવવા માટે કળ દબાવતાં શીખી ગયેલી બિલાડી સમસ્યાપેટીની અંદરની કળ દબાવે તો તેને સમસ્યાઉકેલ ન કહેવાય. સમસ્યાઉકેલની પ્રક્રિયા નવી માહિતી શીખવાની ક્રિયા કરતાં પણ જુદી પડે છે. સમસ્યાઉકેલ માટે થતી વિચારણા હંમેશાં ઉદ્દેશલક્ષી હોય છે, એટલે કે વર્તમાન સ્થિતિ અને ઇચ્છિત લક્ષ્ય વચ્ચેની અસંગતતા ઘટાડવાની જરૂરિયાત દ્વારા આવી વિચારણા પ્રેરાયેલી હોય છે.

તાર્કિક સમસ્યાઉકેલ માટે સામાન્ય રીતે નીચે પ્રમાણેની વ્યૂહરચનાઓ પ્રયોજાય છે :

(1) પ્રયત્ન અને ભૂલ (trial and error method) : સમસ્યાના શક્ય ઉકેલનો વિસ્તાર મર્યાદિત હોય ત્યારે પ્રયત્ન અને ભૂલની પદ્ધતિ કારગત નીવડે છે. પ્રયત્ન અને ભૂલમાં વ્યક્તિ યર્દચ્છ રીતે, અને ક્રિયાના સંભવિત પરિણામ વિશેના ખ્યાલ વિના, વિવિધ ક્રિયાઓની અજમાયશ કરે છે.

(2) ધારણા ચકાસણી : આમાં પ્રથમ વ્યૂહરચના કરતાં યોજનાબદ્ધ અભિગમ હોય છે. અહીં પણ પ્રયત્ન અને ભૂલ હોય છે; પરંતુ અહીં પ્રથમ ચોક્કસ ધારણા બાંધવામાં આવે છે અને પછી તેની ચકાસણી કરવામાં આવે છે. તે ધારણા સાચી ન પડે તો બીજી ધારણા બાંધીને તેની ચકાસણી કરવામાં આવે છે.

(3) એલગોરિધમ : એલગોરિધમ એટલે સમસ્યાને વત્તેઓછે અંશે યાંત્રિક રીતે ઉકેલનારા નિયમોનો ગણ. અહીં જ્યાં સુધી સમસ્યાનો સાચો ઉકેલ ન મળે ત્યાં સુધી સમસ્યાના પ્રત્યેક સંભવિત ઉકેલનું યોજનાબદ્ધ અન્વેષણ કરવામાં આવે છે. આ વ્યૂહરચનાની ઉત્પત્તિ ગણિતશાસ્ત્રમાંથી થઈ છે. અહીં ઉકેલ ધીમો હોય, પરંતુ ઉકેલની ખાતરી હોય છે. સંગણકયંત્ર (computer) સમસ્યાઉકેલ માટે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે; પરંતુ વ્યાવહારિક જીવનમાં આવો સમસ્યાઉકેલ   મુશ્કેલ છે.

(4) હ્યુરિસ્ટિક : હ્યુરિસ્ટિક એટલે સમસ્યા ઉકેલવાનો અનૌપચારિક ઉપક્રમ, જે સમસ્યાઉકેલમાં સફળ નીવડે કે ન પણ નીવડે. રોજિંદા જીવનમાં સમસ્યા ઉકેલવા માટે પ્રયોજાતી ઝડપી વ્યૂહરચના ભૂતકાળમાં કારગત નીવડેલા ઉપાયો અંગેના પૂર્વ-અનુભવો અને સ્મૃતિમાં સંગૃહીત જ્ઞાન ઉપર આ વ્યૂહરચના આધારિત છે. અહીં ઉકેલની કોઈ ખાતરી નથી. સાધન – સાધ્ય – વિશ્લેષણ એ હ્યુરિસ્ટિક વ્યૂહરચનાનો એક પ્રકાર છે. અહીં સમસ્યાને ઓળખી એ સમસ્યાને નાની નાની પેટા-સમસ્યાઓમાં વહેંચવામાં આવે છે. એ પેટા સમસ્યાઓને પાર કરતાં કરતાં અંતિમ ઉકેલ તરફ યોજનાબદ્ધ રીતે પહોંચવામાં આવે છે; દા. ત., પિરામિડ સમસ્યાનો ઉકેલ આ વ્યૂહરચનાથી મેળવી શકાય. સંગણકયંત્ર દ્વારા સમસ્યાઉકેલનો કાર્યક્રમ બનાવતી વખતે આવી વ્યૂહરચનાનો ઉપયોગ થઈ શકે.

(5) સમગ્ર દર્શનતત્વોની ઓળખ અને વિગતોનો (W-E-D) અભિગમ : રોજિંદા જીવનની મોટાભાગની સમસ્યાઓને મૂલવવા અને ઉકેલવા માટે જેમ્સ મર્સેલે (1951) આ વ્યવસ્થિત અને કાર્યદક્ષ વ્યૂહરચના દર્શાવી છે. આમાં આ તબક્કા હોય છે : (i) સમસ્યાને સમગ્ર રીતે (whole) સમજી શકાય એવું ચિત્ર મેળવવું, (ii) સમસ્યાનાં આવશ્યક તત્વો (elements) ઓળખીને સમગ્ર ચિત્ર સાથેની પ્રસ્તુતતાના સંદર્ભમાં એ તત્વોને ક્રમિક ગોઠવવાં, (iii) ચિત્રને સંપૂર્ણ બનાવવા માટે જરૂરી વિગતો (details) ભેગી કરી ક્રમમાં ગોઠવવી અને કાર્યયોજનાને અમલમાં મૂકવી; દા. ત., એક કંપની ખૂબ જ મોટી ખોટ કરતી હતી. તેનો વહીવટ કરવા એક ઉચ્ચ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. તેણે સર્વપ્રથમ કંપનીના રેકર્ડો, હિસાબો ઇત્યાદિની તપાસ કરી અને કંપનીમાં મહત્વનું સ્થાન ધરાવતા અધિકારીઓની મુલાકાત લીધી. આ રીતે કંપનીનું સમગ્ર ચિત્ર (W) મેળવ્યું. થોડાંક અઠવાડિયાં બાદ તેણે કંપનીની નિષ્ફળતા માટે જવાબદાર બે તત્વો (E) જુદાં પાડ્યાં : (i) કિંમત નક્કી કરવાની ખામીભરેલી પદ્ધતિઓ અને (ii) કંપનીના જુદા જુદા વિભાગો વચ્ચેનું અયોગ્ય પ્રત્યાયન (communication). આ બંને તત્વો વિશે તેણે વિગતવાર માહિતી (D) પ્રાપ્ત કરી તેને આધારે તે અધિકારીએ કંપનીની ખોટને પહોંચી વળવા માટે વિશિષ્ટ ભલામણો કરી. આ રીતે ઉકેલ શોધાયો.

સમસ્યાને તેના સમગ્ર રૂપમાં પામ્યા પછી તેનાં આવશ્યક તત્વોનું વિશ્લેષણ કરવું અને તે તત્વો વિશે પ્રાપ્ત કરેલી વધુ વિગતો મેળવવી એ રીત સમસ્યા ઉકેલવામાં ઘણી ઉપયોગી નીવડી છે.

સમસ્યાઉકેલમાં આવતી મુશ્કેલીઓ : બે લક્ષણોને લીધે સમસ્યા ઉકેલવી મુશ્કેલ બને છે : (1) જો સમસ્યાની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી ન હોય તો તે સમસ્યા ઉકેલવી મુશ્કેલ પડે છે. આવી કુવ્યાખ્યાયિત સમસ્યામાં આરંભિક  સ્થિતિ કે લક્ષ્ય અંગેની સ્પષ્ટતા વ્યક્તિને હોતી નથી. (2) જેમ સમસ્યા વધુ જટિલ હોય તેમ તે ઉકેલવી મુશ્કેલ હોય છે.

સમસ્યા સાથે સંકળાયેલી ઉપરની મુશ્કેલીઓ ઉપરાંત કેટલીક વાર સમસ્યા ઉકેલવાના આપણા અભિગમને લીધે પણ મુશ્કેલી ઉદભવે છે.

(1) મનોભૂમિકા (mental set) : મનોભૂમિ અસરકારક સમસ્યા-ઉકેલમાં અવરોધ ઉત્પન્ન કરે છે. મનોભૂમિકા એટલે સમસ્યાને પૂર્વનિશ્ચિત રીતે ઉકેલવાનું વલણ. આવી મનોભૂમિકા બંધાઈ હોય તો વિશિષ્ટ સમસ્યાની જરૂરિયાતો ધ્યાનમાં આવતી નથી. જો કોઈ એમ વિચારે કે સમસ્યાને એક જ ર્દષ્ટિબિંદુથી જોઈ શકાય છે અને એનો શક્ય ઉકેલ એક જ છે, તો સમસ્યા ઉકેલવાની એ વ્યક્તિની કાર્યદક્ષતામાં ઘટાડો થાય.

(2) કાર્યચુસ્તતા (functional fixedness) : વસ્તુઓના ઉપયોગ અંગે અમુક માન્યતાઓ એટલી બધી ર્દઢ અને ચુસ્ત રીતે બંધાઈ ગયેલી હોય છે કે તે નવી રીતે વિચારવામાં અવરોધક બને છે. પરિણામે વસ્તુઓના વૈકલ્પિક અને રચનાત્મક ઉપયોગો વિશેનો વિચાર જ સૂઝતો નથી. કાર્યચુસ્તતા એટલે પદાર્થોના યોગ્ય ઉપયોગ અંગેના આપણા પ્રત્યક્ષીકરણમાં સ્થિર કે ર્દઢ થયેલું વલણ કે જેને પરિણામે સમસ્યા ઉકેલવા માટે પદાર્થોનો નવીન રીતનો ઉપયોગ વિચારવા આપણે અસમર્થ બનીએ.

(3) સમર્થન ઝોક (confirmation bias) : સામાન્ય માનવીનું વલણ એવું હોય છે કે પોતાની ધારણાને સમર્થન આપે તેવા જ પુરાવાઓ શોધે છે અને વિરોધી પુરાવાઓ તરફ આંખ આડા કાન કરે છે. આને ‘સમર્થન ઝોક’ કહે છે; દા. ત., બુધવારે મુસાફરી કરવાથી નુકસાન થાય એમ માનનાર વ્યક્તિ બુધવારે મુસાફરી થઈ હોય અને નુકસાન થયું હોય એવા જ પુરાવાઓને ધ્યાનમાં લે છે, પરંતુ બુધવારે મુસાફરી થઈ હોય અને કોઈ લાભ થયો હોય એવા પુરાવાઓ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. સમસ્યાના ઉકેલ માટે માત્ર ‘શું સાચું હોઈ શકે’ એટલું જ નહિ, પરંતુ ‘શું ખોટું હોઈ શકે’ એ પણ વિચારવું જોઈએ.

(4) ખોટી માન્યતા અને મનોવલણ : જો સંગણકયંત્રને ખોટી માહિતી પૂરી પાડીએ તો તે યથાર્થ ઉત્તર કઈ રીતે આપે ? તે જ રીતે જો આપણે ખોટાં આધારવિધાનોથી શરૂ કરીએ તો આપણી તર્કશક્તિ અને ‘સામાન્ય સમજ’ સમસ્યાનો સારો ઉકેલ કઈ રીતે આપે ? જેમ કે, ‘દાંપત્યની સફળતા માટે સભાન પ્રયાસો જરૂરી નથી’ એવી ધારણાથી લગ્ન કરનાર દંપતીને લગ્નજીવનની સમસ્યાઓ ઉકેલવામાં ગંભીર મુશ્કેલીઓ આવે છે.

(5) અતિસરલીકરણ : સમસ્યાને સમજવા માટે એને સરલ કરવી જરૂરી છે; પરંતુ દુર્ભાગ્યે ઘણા લોકો સમસ્યાની વ્યાખ્યા કરવામાં સમસ્યાનાં કેટલાંક મુખ્ય પાસાંને અવગણીને સમસ્યાને અતિ સરલ બનાવવા પ્રયાસ કરે છે. કેટલાક લોકો તો એવો દાવો કરતા હોય છે કે સ્ત્રીઓ સાથેના સંબંધોથી માંડીને આંતરરાષ્ટ્રીય સંબંધો વિશેની સમસ્યાઓના સરલ ઉકેલ પોતાની પાસે છે; પરંતુ એ ઉકેલ યથાર્થ હોતા નથી. આપણે જેના આધારે તર્ક કરીએ છીએ એ ખોટાં આધારવિધાનો પાછળ રહેલાં કારણોથી જો સભાન બનીએ તો આપણે તાર્કિક રીતે સમસ્યાઉકેલ કરી શકીએ; જેમ કે, (i) મર્યાદિત અનુભવને આધારે અતિ સામાન્યીકરણ. (ii) સામાન્ય નિયમોને ખોટી રીતે લાગુ પાડવા. (iii) સહસંબંધ પ્રવર્તતો હોય તો તેને  કાર્ય-કારણ-સંબંધ માની લેવો. (iv) એક ઘટના માટે જવાબદાર એવાં અનેક કારણો ઓળખવામાં નિષ્ફળતા. (v) ‘સર્વ’ અથવા ‘શૂન્ય’ સ્વરૂપની વિચારણા; જેમ કે, માણસ પ્રામાણિક છે અથવા અપ્રામાણિક છે, સારો છે અથવા ખરાબ છે. (vi) બીબાંઢાળ માન્યતાને અનુસરતી વિચારણા; જેમ કે, બધા મુસ્લિમો ક્રૂર હોય છે. (vii) બહુમતી અભિપ્રાયને ચકાસણી વગર સ્વીકારી લેવો.

(6) બચાવમૂલક અભિગમ : પોતાની નિષ્ફળતા કે અપર્યાપ્તતા માટે ‘સાચું’ કારણ સમજવાને બદલે અહમને પોષે તેવું ‘સારું’ કારણ આપવામાં આવે તો અહમનો બચાવ થાય, પરંતુ સમસ્યાઉકેલ થાય નહિ.

(7) આવેગ અને મનોભાર : સ્પષ્ટ અને તાર્કિક વિચારણા માટે આવેગને બાજુએ મૂકવો જરૂરી છે. તીવ્ર મનોભારની સ્થિતિમાં આપણે કાર્યક્ષમતાથી વિચારી શકતા નથી. તે સ્થિતિ આપણા પ્રત્યક્ષીકરણને સાંકડું બનાવે છે તેમ જ આપણા વર્તનને જડ અને બીબાંઢાળ બનાવે છે; પરિણામે સમસ્યાઉકેલમાં ક્ષતિ થાય છે.

ગણિત કે વિજ્ઞાનની ઘણી અટપટી સૈદ્ધાંતિક સમસ્યાઓનો ઘણી વાર ઉચ્ચ કક્ષાના વિજ્ઞાનીઓ પણ સદીઓ સુધી તાર્કિક રીતે ઉકેલ લાવી શક્યા ન હોય તેવું બને છે. મનુષ્યોને મૂંઝવતી ઘણી સામુદાયિક, આર્થિક, સામાજિક સમસ્યાઓ ઉપર એટલા બધા ઘટકોનો પ્રભાવ પડતો હોય છે કે તે સમસ્યાઓનો સર્વમાન્ય ઉકેલ તાર્કિક રીતે મળી શકતો હોતો નથી; પરંતુ પ્રાકૃતિક કે સામાજિક ક્ષેત્રે તે તે ક્ષેત્રોના વિજ્ઞાનીઓનો સમુદાય વૈજ્ઞાનિક પદ્ધતિએ સમસ્યાનો તર્કબદ્ધ ઉકેલ મેળવવામાં વ્યસ્ત રહેતો હોય તો માનવજાતની સમસ્યાઓ ક્રમશ: તેના જુદા જુદા સંદર્ભોમાં ઉકેલાશે તેવું માનવાને માટે પૂરતાં કારણો છે. વ્યક્તિગત કક્ષાએ વ્યક્તિની પોતાની સમસ્યાનો ઉકેલ અને આર્થિક – સામાજિક ક્ષેત્રે પ્રવર્તતા બૃહત્કક્ષાના પ્રશ્નો(macro-level problems)નો ઉકેલ – એ બે વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. સમસ્યા-ઉકેલમાં કોઈ પણ કક્ષાએ તાર્કિક વૈજ્ઞાનિક અભિગમ ઘણો ઉપકારક નીવડે છે. તેમાં સર્જનાત્મક વિચારણાનું પણ યોગદાન હોય છે. સમસ્યા ઉકેલવાની પ્રક્રિયામાં હવે કમ્પ્યૂટરની મદદ લેવાય છે. તેમાં મુખ્યત્વે પ્રોલૉગ અને લિસ્પ જેવી ભાષાનો ઉપયોગ થાય છે. કમ્પ્યૂટરની મદદથી સમસ્યા ઉકેલવામાં મુખ્યત્વે બે અભિગમો વપરાય છે : (1) પ્રથમ, ઉકેલની ઊંડાણમાં શોધ કરવી (depth first search), અને (2) પ્રથમ ઉકેલની વિસ્તારમાં શોધ કરવી (width first search). હજુ પણ આવી અનેક વિવિધ પ્રયુક્તિઓ શોધાતી જાય છે અને તે અંગે કૃત્રિમ બુદ્ધિ પ્રક્રિયા(artificial intelligence)નું નવું ક્ષેત્ર વિકસ્યું છે.

બિપીનચંદ્ર મગનલાલ કૉન્ટ્રાક્ટર