તારીખે સોરઠ વ હાલાર

January, 2014

તારીખે સોરઠ વ હાલાર : દીવાન રણછોડજીકૃત ફારસીમાં લખાયેલ સૌરાષ્ટ્રનો ઇતિહાસ.

જૂનાગઢના પ્રખ્યાત દીવાન રણછોડજી (1768–1841) દ્વારા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલો આ ગ્રંથ સૌરાષ્ટ્રના ઇતિહાસ માટે એક મહત્વનો ગ્રંથ છે, જેમાં સૌરાષ્ટ્રમાં બનેલી કેટલીક અગત્યની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક એકંદરે નવ પ્રકરણોમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રકરણમાં જૂનાગઢ સરકારનું વર્ણન છે. અને છેલ્લા એટલે કે નવમા પ્રકરણમાં ઓખાનું વૃત્તાંત આપેલું છે. લેખકે ‘તારીખે સોરઠ વ હાલાર’ના પ્રથમ પ્રકરણમાં કોડીનારનો અહેવાલ આપતાં લખે છે કે ગોવિંદરાવ ગાયકવાડે અંગ્રેજોની સહાયથી આખું પરગણું કબજે કર્યું હતું તેમજ ચોરવાડ, કેશોદ વગેરેના ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથ ઈ. સ. 1815–30 દરમિયાન લખાયેલ અને એમાં અંતે 1840 સુધીના અગત્યના પ્રસંગ પુરવણી રૂપે ઉમેર્યા છે. આ ગ્રંથમાં 1818થી 1840 સુધીની સમકાલીન ઘટનાઓ લેખકે સોરઠ અને હાલાર સંબંધી વિગતે નિરૂપી છે તે એ રાજ્યોના ઇતિહાસ માટે મહત્વની ગણાય.

ઐતિહાસિક સાધનોમાં દીવાનજીએ સાંભળેલી વાતો, અન્ય ગ્રંથો વાંચીને લીધેલી માહિતી તેમજ પોતાની જાતમાહિતીના આધાર પર આ ગ્રંથ રચ્યો છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડ સિવાય તેમણે કોઈ અન્ય સંદર્ભગ્રંથોનો ઉલ્લેખ કર્યો નથી. આ ગ્રંથમાં ચુડાસમાઓનું વર્ણન સ્પષ્ટ કરે છે કે આ કુળના બારોટ અને ચારણો પાસેથી સાંભળેલી વાર્તાઓ છે. આમાં ઇતિહાસ સર્વાંશે પ્રમાણભૂત નથી. એ જ પ્રમાણે ગુજરાતના સુલતાનો તથા મુઘલ રાજવીઓ વિશે અપર્યાપ્ત માહિતી આપી છે; પરંતુ જ્યારે લેખક પોતાના પિતાના સમયના અને પોતાના જીવનકાળના પ્રસંગોનો ઉલ્લેખ કરે છે, ત્યારે આધારભૂત ઇતિહાસ મળે છે. આ પુસ્તકનું અંગ્રેજી ભાષાન્તર ઈ. રેહાટ્સેકે કર્યું હતું. જે કર્નલ જે. ડબ્લ્યૂ. વૉટ્સનના સુધારાવધારા સહિત અને જેમ્સ બર્જેસની પ્રસ્તાવના સાથે 1888માં છપાયું હતું.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ