તાલ : નિશ્ચિત સમયાંતરે બંધાતી તબલા અને પખવાજના બોલની રચના. તે શાસ્ત્રીય સંગીત – ગીત, વાદ્ય અને નૃત્ય – નું એક અવિભાજ્ય અંગ છે. શાસ્ત્રીય સંગીતની રજૂઆત તાલમાં જ થાય છે. તાલ શાસ્ત્રીય સંગીતમાં સમયનો માપદંડ છે. ચર્મવાદ્ય સાથે તેનો સંબંધ છે. માત્રા એ તાલનો અલ્પતમ ઘટક છે. એક અને બે, બે અને ત્રણ આમ તાલની મુકરર કરેલી માત્રાઓ વચ્ચેનું સમયાંતર તાલમાં એકસરખું જ રહે. આ અંતર ખૂબ લાંબું હોય તે તાલનો લય વિલંબિત કહેવાય. આ અંતર વિલંબિતથી અડધા જેટલું હોય તો મધ્યલય અને ચોથા ભાગનું હોય ત્યારે દ્રુત લય કહેવાય. લય એ તાલની ગતિ દર્શાવે છે. વિલંબિત, મધ્ય અને દ્રુત – એ સાપેક્ષ ખ્યાલ છે અને તે ખરેખર તો કલાકાર, ગાયક, વાદક, નૃત્યકાર ઉપર આધાર રાખે છે.

તાલ વગાડવા માટે ચર્મવાદ્યો, તબલાં, મૃદંગ, પખવાજ કે ઢોલકનો ઉપયોગ થાય છે. દરેક તાલના બોલ હોય છે અને તાલનું વજન દર્શાવવા તાળી અને ખાલી (એટલે તાળી વિનાની માત્રા)નો ઉપયોગ થાય છે.

સામાન્ય રીતે સાંભળવા મળતા તાલોમાં કેરવા (4) દાદરા ખેમટો, હીંચ (6) રૂપક, તીવ્રા (7) લાવણી (8) ઝપતાલ, સુલતાલ (10) એકતાલ, ચૌતાલ (12) ઝુમરા, દીપચંદી, ધમાર (14) ત્રિતાલ, તિલવાડા, પંજાબી (16) ગણાય; પરંતુ તાલોની સંખ્યા ઘણી મોટી છે. અપ્રચલિત તાલોમાં ગજઝંપા, સવારી (15) શિખરતાલ (17) મત્તતાલ (18) બ્રહ્મતાલ (28) ગણાય. ગુજરાતના સંગીતમાં ખાસ કરીને ગરબા, લોકસંગીત અને ભવાઈમાં વપરાતા તાલો ખેમટો, હીંચ (6) દીપચંદી (14) અને અલ્પ સાંભળવા મળતા જેતમાન અને રેખતો છે. વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે સવારી, ફોરોદસ્ત અને લક્ષ્મી તાલ હવે બહુ સાંભળવા મળતા નથી.

તાલના બોલ બાંધેલા એટલે આંગળીઓથી વગાડવાના અને ખુલ્લા એટલે પંજાથી વગાડવાના હોય છે અને અનુક્રમે તબલાં તથા પખવાજ વગાડીને રજૂ થાય છે; દાખલા તરીકે, સામાન્ય રીતે સાંભળવા મળતા બે તાલોના બોલ, માત્રા તથા વજન નીચે પ્રમાણે છે :

1, 2 તાળી તથા 0 ખાલી બતાવે છે.

ભારતીય તાલોનું અનન્ય ગણાય તેવું એક અંગ સમ એટલે પહેલી માત્રા છે. પ્રત્યેક રચના–ગેય કે વાદ્ય–નું મુખ્ય વજન સમ એટલે પહેલી માત્રા પર રહે છે. ઘણુંખરું જે સ્વર ઉપર પહેલી માત્રા આવતી હોય એટલે સમ હોય તે રાગોનો વાદી સ્વર કે રાગના સ્વરૂપનો મહત્વનો ભાગ હોય. સમ એ ભારતીય શાસ્ત્રીય સંગીતની એક અવનવી શોધ છે, જે બીજી કોઈ સંગીતપદ્ધતિમાં જોવા મળતી નથી.

ઉત્તર હિંદુસ્તાની સંગીતમાં તાલના તબલાંવાદનના ચાર મુખ્ય શાસ્ત્રીય ઘરાનાઓ ગણવામાં આવે છે. અજરાડા, દિલ્હી, બનારસી અને પંજાબી તબલા વગાડવાની પદ્ધતિ અને પરંપરાથી આ ઘરાનાના ભેદ નક્કી થાય છે.

માત્રાઓ સાથે કામ કરવાનું હોવાથી તાલમાં ગણિત છે અને અભિવ્યક્તિનું સૌંદર્ય કલાકારની કલ્પનાશક્તિ  અને ઊપજ અંગ ઉપર આધાર રાખે છે.

હ્રષિકેશ પાઠક