તારીખે મુબારકશાહી : સુલતાન શિહાબુદ્દીન ઘોરી(1163થી 1205)થી માંડી સૈયદ મુહમ્મદ શાહ બિન ફરીદખાન બિન ખિઝ્રખાનના રાજ્યઅમલના બીજા વર્ષ (1433) સુધીના બનાવો અને ઘટનાઓને આવરી લેતો ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખક યાહિયા બિન એહમદ સરહિન્દી સૈયદ વંશ(1414–1451)ના સમકાલીન ઇતિહાસકાર હતા.
આ ગ્રંથની એ વિશિષ્ટતા છે કે મુઘલ કાળના ઇતિહાસકારોએ પણ સલ્તનત કાળ ઉપર જે કાંઈ લખ્યું છે તે બધા માટે આ ગ્રંથ મુખ્ય આધાર રહ્યો છે. સલ્તનત કાળના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનો આ મહત્વપૂર્ણ અને આધારભૂત ગ્રંથ છે.
આ ગ્રંથના લેખક ઇતિહાસલેખનના નીતિનિયમોથી સંપૂર્ણપણે માહિતગાર હતા. તે ઐતિહાસિક ઘટનાઓ કે બનાવો આલેખવા શમ્સ સિરાજની માફક કથાશૈલીને અપનાવતા નથી. તે પ્રામાણિક ઇતિહાસકારની જેમ જે કંઈ નિહાળે છે, સાંભળે છે અથવા પાછલા ઇતિહાસગ્રંથોમાંથી જે કાંઈ વાંચે છે તેમાં પોતાના તરફથી કશું જ ઉમેરણ કર્યા વિના લખે છે.
‘તારીખે મુબારકશાહી’ની શૈલી ન તો આલંકારિક છે, ન કૃત્રિમ કે ભપકાદાર છે; તે સાદી, છટાદાર અને સરળ છે. આ શૈલી ઇતિહાસલેખન સાથે વધુ સુમેળ ધરાવે છે. આ ઇતિહાસનું લખાણ, તેની શૈલી અને ઢબ તેમજ કુર્આનશરીફની આયાતો (શ્લોક), અરબી-ફારસી ભાષાના મહાવરા, કહેવતો, સમયસરના રૂઢિપ્રયોગો અને કવિતાની પંક્તિઓનો ઉપયોગ તે એવી રીતે કરે છે કે જાણે તે કોઈ મહાન વિદ્વાન, ભાષાશાસ્ત્રી, સારા લેખક કે કવિ હોય.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ