તારીખે ફિરિશ્તા (અથવા ‘ગુલશને ઇબ્રાહીમી’) : જહાંગીરના રાજ્યારોહણ (1605) સુધીનો મુસ્લિમ શાસનનો ઇતિહાસ. લેખકનું મૂળ નામ મુલ્લા મુહમ્મદ કાસિમ હિન્દુશાહ અને ઉપનામ ‘ફિરિશ્તા’ હતું. ફિરિશ્તાએ 1606માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને 1611માં પૂર્ણ કર્યું. ઇતિહાસ લખતાં પહેલાં તેણે હાથ લાગેલી બધી ઐતિહાસિક સામગ્રીનું અધ્યયન કર્યું હતું. લગભગ 32 કે 35 જેટલા ઇતિહાસગ્રંથોનો ઉપયોગ કર્યો હતો. બીજાપુરના શાસક ઇબ્રાહીમ આદિલશાહ બીજાના આદેશથી આ ગ્રંથનું નામ ‘ગુલશને ઇબ્રાહીમી’ રાખી બાદશાહને અર્પણ કર્યો, જે પાછળથી ‘તારીખે ફિરિશ્તા’ના નામે વધુ પ્રસિદ્ધ થયો. ‘તારીખે ફિરિશ્તા’ની પ્રસ્તાવના ઉપરાંત તેમાં 12 પ્રકરણો છે. બારમા પ્રકરણમાં હિન્દુસ્તાનના સૂફીઓ વિશે માહિતી છે.
ભારતમાં મુસ્લિમ કાળને (1605 સુધી) આવરી લેતા આ ગ્રંથમાં દક્ષિણ ભારતનાં મુસ્લિમ રાજ્યો વિશે વિશેષ માહિતી આપવામાં આવી છે. દક્ષિણમાં બનેલા ઘણા રાજકીય બનાવોનો લેખક પોતે સાક્ષી હતો. તેથી બનાવોના વર્ણનમાં તેણે પૂરતી કાળજી રાખી છે. તે ઉપરાંત તેણે ગુજરાત, માળવા, બંગાળ, મુલતાન, સિંધ, કાશ્મીર વગેરેના મુસ્લિમ શાસકોને પણ આવરી લીધા છે.
ભૂગોળનું અજ્ઞાન અને વિવેચક ર્દષ્ટિનો અભાવ એ ફિરિશ્તાની મર્યાદા છે. એકંદરે ‘તારીખે ફિરિશ્તા’ ઇસ્લામી યુગના રાજકીય અને સાંસ્કૃતિક પ્રવાહનો પરિચય આપતો ગ્રંથ છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ