તારીખે દાઊદી : ભારતમાંના અફઘાન શાસનને આવરી લેતો ઇતિહાસનો ગ્રંથ. તેના કર્તા તેમજ તેની રચનાની તારીખ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ કર્તાના નામ અબ્દુલ્લાહ પરથી તેમજ મુઘલ સમ્રાટ જહાંગીરના તે ઇતિહાસમાંના ઉલ્લેખ પરથી એવું અનુમાન કરી શકાય કે આ ઇતિહાસ જહાંગીર ગાદી પર આવ્યા (1605) પછી લખાયો હશે. સાદી અને સરળ ભાષામાં લખાયેલો આ ઇતિહાસ લોદી વંશ (1451થી 1526) તથા સૂર વંશ(1538થી 1556)ને આવરી લે છે.

આ ગ્રંથનું શીર્ષક બંગાળના છેલ્લા અફઘાન હાકેમ દાઊદશાહ (1572થી 1576)ના નામ ઉપરથી રાખેલ છે. જોકે લેખકે ઘણા બનાવો કે ઘટનાઓ ‘તબકાતે અકબરી’ અને ‘ગુલશને ઇબ્રાહીમી’ (‘તારીખે ફિરિશ્તા’)માંથી લીધાં છે. બીજાં ઐતિહાસિક સાધનોનો પણ તેમણે ઉપયોગ કર્યો છે. તેમાં રાજકીય બનાવ અને ઘટનાઓ સિવાય દંતકથાઓ તથા ચમત્કારિક ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેખકે તારીખ લખવામાં ચોકસાઈ જાળવી નથી અને બનાવ કે ઘટનાઓની ગોઠવણ પણ ક્રમસર થયેલી નથી. કેટલીક જગ્યાએ એક બનાવ કેટલાક ટુકડામાં વહેંચાઈ ગયો હોય એવું પણ બન્યું છે. રાજકીય ઘટનાઓ ઉપરાંત સાંસ્કૃતિક અહેવાલોનો પણ આ ગ્રંથમાં સમાવેશ થયેલો છે. એના અભ્યાસ ઉપરથી ખ્યાલ આવે છે કે બાદશાહોના દરબારમાં બેસનારા અફઘાન ગામડિયા દરબારી રીતરસમોથી અજ્ઞાન હતા. દરબારમાં પગરખાંની ચોરી થવાનો ભય રહેતો તેથી તેઓ બાદશાહ સાથે જમવા બેસતા તો પોતાનાં પગરખાં કમરે બાંધી દેતા અથવા એવી ઊંચી જગ્યાએ મૂકી દેતા કે જેથી તેની નીચે કોઈ માણસ બેઠા હોય તો તે પણ ચોરીને ન લઈ જઈ શકે.

તેમાં લેખકે સુલતાન બહલુલ લોદીની સરળ ને સાદગીભરી વિવેકી રીતભાત વિશે તેમજ ઇબ્રાહીમ લોદીના શાસનકાળમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સસ્તી હતી તેની રસપ્રદ વિગતો આપી છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ