તારીખે ગુજરાત : અબૂ તુરાબ વલી દ્વારા લખાયેલો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ. મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લખાયેલો આ ઇતિહાસગ્રંથ ઐતિહાસિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યકાળનો આ આંશિક ઇતિહાસ છે. મુહમ્મદ ઝમા હી. સં. 32(ઈ. સ. 1525)માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારમાંથી નાસી જાય છે. ત્યાંથી આ ઇતિહાસનો આરંભ થાય છે અને ગુજરાતના આખરી બાદશાહ સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાએ એતિમાદખાનની સૂબેદારીના સમયમાં અમદાવાદ પર કબજો કર્યો ત્યારે થયેલી મુઝફ્ફરશાહ સાથેની લડાઈના આરંભના અહેવાલ સાથે તે સમાપ્ત થાય છે.

ઐતિહાસિક ર્દષ્ટિએ, જેમાં બહાદુરશાહના મુઘલ  સમ્રાટ હૂમાયૂં તેમજ પોર્ટુગીઝ વચ્ચેના સંઘર્ષનો અહેવાલ આપવામાં આવ્યો છે એ ભાગ મહત્વપૂર્ણ છે. ઉપરાંત અબૂ તુરાબે વિસ્તૃત રીતે મુઝફ્ફરશાહી વંશની પડતીના અંતિમ તબક્કામાં ગુજરાતમાં ચાલતા આંતરિક રાજકારણનું હૂબહૂ વર્ણન કર્યું છે.

તેમણે અકબર બાદશાહના નિકટના સલાહકાર તરીકે જે ભાગ ભજવ્યો હતો તે તેમના ‘તારીખે ગુજરાત’નાં વર્ણનોમાં જોવા મળે છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ