તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની ગુફામાં તેની મૂર્તિ છે.

તેને અવલોકિતેશ્વરની સહચરી અને મૈત્રી અને કરુણાની સાક્ષાત્ મૂર્તિ ગણવામાં આવે છે. હિંદુ તંત્રશાસ્ત્રમાં શિવ અને શક્તિનું જેવું સ્થાન છે તેવું સ્થાન બૌદ્ધ ધર્મમાં અવલોકિતેશ્વર અને તારાનું છે. ઈ. સ.ની 12મી સદી સુધી તેની એકસરખી લોકપ્રિયતાને કારણે તેનાં ઘણાં મંદિરો બંધાયાં હતાં.

લોકમાન્યતા મુજબ બોધિસત્વ અવલોકિતેશ્વરનાં નેત્રોમાંથી પડેલાં આંસુઓથી બનેલ સરોવરમાંથી કમળ બહાર આવ્યું હતું અને તેને ઉઘાડતાં આ દેવીનાં દર્શન થયાં હતાં. હિંદુ તંત્રશાસ્ત્રમાં તેનો પ્રવેશ બૌદ્ધ ધર્મ દ્વારા થયો  છે. તે નૌવહન અને ભૂમિગત પ્રવાસની રક્ષક દેવી ગણાય છે.

તિબેટમાં દરેક પવિત્ર સ્ત્રીને તારાનો અવતાર માનવામાં આવે છે. તિબેટના પ્રથમ બૌદ્ધધર્મી રાજાની બે રાણીઓમાં એક ચીની રાજકુમારી અને બીજી નેપાળી રાજકુમારી હતી. તારાનાં બે સ્વરૂપોને આ બે રાણીઓ સાથે જોડી દેવાયાં છે. ચીની રાણી શ્ર્વેત તારા છે. તે શુદ્ધિ કે પવિત્રતાનું પ્રતીક છે. અવલોકિતેશ્વરની જમણી બાજુએ પદ્માસન મુદ્રામાં તે બેસે છે. અને તેના હાથમાં પૂર્ણ વિકસિત કમળ હોય છે. તેને કપાળમાં ત્રીજી આંખ ઉપરાંત પગનાં તળિયાં અને હાથની હથેળીઓમાં પણ આંખો દર્શાવવામાં આવી છે. આવી ‘સાત આંખોવાળી’ તારા મૉંગોલિયામાં લોકપ્રિય છે.

તિબેટના રાજાની નેપાળી રાણી શ્યામ તારાનો અવતાર ગણાય છે. કેટલાકના મતે શ્યામ તારાને મૂળ દેવી અને અવલોકિતેશ્વરની ધર્મપત્ની ગણવામાં આવે છે. તે કમળરૂપી સિંહાસન ઉપર બેઠેલી હોય છે. જમણો પગ લટકતો રાખીને તથા બોધિસત્વનાં ઘરેણાં પહેરીને હાથમાં ભૂરું બંધ કમળ રાખેલી તેની મૂર્તિ જોવા મળે છે. પૂર્ણ વિકસિત કમળ અને બંધ કમળનાં પ્રતીકો ધરાવતી શ્વેત અને શ્યામ તારાદેવીઓ લોકોનાં દુ:ખો અને પીડા અહર્નિશ દૂર કરવા માટે તત્પર હોય છે. તિબેટના લામા સંપ્રદાયની અસરને કારણે આ દેવીઓની સંખ્યા વધીને 108 થઈ છે. તિબેટનાં મંદિરોની ધજાઓ ઉપર 21 તારાઓનાં સ્વરૂપો સફેદ, લાલ અને પીળા રંગમાં દર્શાવાયેલાં છે. તારાના માથાના મુકુટ ઉપર સ્વયંભૂ અમિતાભ બુદ્ધની આકૃતિ દર્શાવાઈ છે.

તેનાં ભૂરાં રૌદ્રસ્વરૂપમાં દુશ્મનના  નાશ માટે થતી પ્રાર્થનામાં તે રુદ્રતારા કે એકજાતા તારા તરીકે ઓળખાય છે. પ્રેમની લાલ દેવી તરીકે, કુરુકુલ્લા તરીકે અને સર્પદંશથી રક્ષણ આપનાર જાંગુલ્લી તરીકે પણ તે ઓળખાય છે. તેની પીળી ભ્રૂકુટી ગુસ્સાનું સૂચન કરે છે. બૌદ્ધ તાંત્રિકો તેનાં સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપોની વિવિધ હેતુમય ઉપાસના કરે છે. વ્યાધિગ્રસ્ત લોકો રોગમુક્તિ માટે તેનું પૂજન કરે છે. તારાનાં બધાં સ્વરૂપોનાં ચિત્રો તિબેટમાં છે.

તારા તાંત્રિકોની દશ મહાવિદ્યાઓ પૈકી એક છે. મડદા (પ્રેત) ઉપર બેસનારી, ગળામાં મનુષ્યની રુંડમાળા ધારણ કરનારી, કપાલ, ખડ્ગ વગેરે ધારણ કરનારી, ત્રણ નેત્રવાળી, ભૂરું કમળ ધારણ કરનારી નવા મેઘસમાન, બહાર દેખાતા, શ્યામ દાંતોવાળી, ભયંકર દેખાવવાળી અને મોટાં સ્તનોવાળી તરીકે તેને કર્પૂરતારિણી સ્તોત્રમાં વર્ણવી છે. મંદબુદ્ધિવાળો કોઈ પણ પ્રકારે તેનું ધ્યાન ધરે તો તે બૃહસ્પતિ જેવો મેધાવી થાય એવી માન્યતા છે.

શિવપ્રસાદ રાજગોર