તારાચંદ, ડૉ. (જ. 17 જૂન 1888, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 14 ઑક્ટોબર 1973) : ભારતના એક અગ્રણી ઇતિહાસવિદ. મુનશી કૃપાનારાયણના પુત્ર. દિલ્હીની મિશન સ્કૂલ અને મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાં અભ્યાસ કર્યા બાદ અલ્લાહાબાદ યુનિવર્સિટીના એમ.એ. તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફી-(ડી.ફિલ)ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા બાદ અલ્લાહાબાદની કાયસ્થ પાઠશાળા કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે જોડાયા. તે સંસ્થાના આચાર્ય તરીકે 1924થી 1946 સુધી સેવાઓ આપી. ત્યાર બાદ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર તરીકે 1946–47માં અને એ જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે 1947થી 48માં રહ્યા બાદ 1948થી 51 દરમિયાન શિક્ષણ મંત્રાલયમાં સચિવ તથા શૈક્ષણિક સલાહકાર તરીકે અને 1951થી 56 દરમિયાન ઈરાનમાં ભારતના એલચી તરીકે સેવાઓ આપી. તેઓ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના પ્રમુખ; તહેરાન, હૈદરાબાદ અને અલીગઢ યુનિવર્સિટીઓમાં માનાર્હ પ્રોફેસર તથા અલ્લાહાબાદ યુનિવર્સિટીના માનાર્હ પ્રોફેસર હતા. તેમને દિલ્હી, સાગર તથા અલીગઢ યુનિવર્સિટીઓએ સંમાન્ય ડૉક્ટરેટ એનાયત કરી હતી. 1958થી 68 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા. તેમનાં પ્રકાશનોમાં આ ગ્રંથોનો સમાવેશ થાય છે : (1) ‘એ શૉર્ટ હિસ્ટરી ઑવ્ ધ ઇન્ડિયન પીપલ’, (2) ‘હિસ્ટરી ઑવ્ ધ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’ વૉલ્યુમ 1થી 4, (3) ‘સ્ટેટ ઍન્ડ સોસાયટી ઇન મુઘલ પિરિયડ’, (4) ‘ઇન્ફ્લુઅન્સ ઑવ્ ઇસ્લામ ઑન ઇન્ડિયન કલ્ચર’ વગેરે.
તેઓ ભારત સરકારના ‘હિસ્ટરી ઑવ્ ફ્રીડમ મૂવમેન્ટ યુનિટ’ના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશ હિન્દુસ્તાની અકાદમીના મંત્રી હતા.
જયકુમાર ર. શુક્લ