તાન્કા : જાપાનનો શિષ્ટમાન્ય કાવ્યપ્રકાર. એની પ્રથમ પંક્તિમાં પાંચ, બીજી પંક્તિમાં સાત, ત્રીજી પંક્તિમાં પાંચ અને ચોથીપાંચમી પંક્તિમાં સાત–સાત (5/7/5/7/7) શ્રુતિઓ કે અક્ષરો હોવાથી આ રચના કુલ 31 અક્ષરોની હોય છે.

આ કવિતાસ્વરૂપ ‘તાન્કા’ નામથી પ્રચલિત છે. જાપાન દેશનું જ કહેવાય એવી વિશિષ્ટ મુદ્રાવાળું વિશ્વખ્યાત કાવ્યસ્વરૂપ હાઇકુ ઉક્ત તાન્કાના સર્જન પછી આવ્યું. તાન્કામાંથી હાઇકુ ઉત્ક્રાન્ત થવાની સંભાવના નકારી ન શકાય. તાન્કાની પ્રથમ ત્રણ પંક્તિના અક્ષરો અનુક્રમે 5/7/5 આવે છે. એટલું પંક્તિમાપ હાઇકુનું પણ છે. કાવ્ય-પ્રકારની રીતે તાન્કા પાંચ પંક્તિઓનું છે, જ્યારે હાઇકુ ત્રણ પંક્તિઓનું છે.

જાપાનની કવિતા તાન્કા અને હાઇકુના કાવ્યપ્રકાર સુધી પહોંચતાં વિભિન્ન તબક્કામાંથી પસાર થઈ બહુવિધ કવિતાસ્વરૂપોના અખતરામાંથી આવિષ્કાર પામી છે. પાંચ પંક્તિનું ‘તાન્કા’ સાતમી–આઠમી સદીનું અને ‘હોક્કુ’ કે ‘હાઇકુ’ સત્તરમી સદીનું પ્રશિષ્ટ કાવ્યસ્વરૂપ છે.

જાપાન દેશની સભ્યતાનો જીવંત અંશ સમગ્ર પ્રજાની કવિતાપ્રવૃત્તિમાં પ્રતિબિંબિત થયેલો છે. કવિતા રચવાની પ્રજાના મોટા ભાગને, જાણે કે આદત અને આવડત છે. નૂતન વર્ષે રાષ્ટ્રના સમ્રાટ કાવ્યસર્જનને પુરસ્કારવા પારિતોષિકો–ઇનામો જાહેર કરતા અને જનતા એમાં હોંશે હોંશે જોડાતી. ઘણાંબધાં પ્રાંતો–નગરોમાં તાન્કા-કલબો કે હાઇકુ–કલબો ચાલે અને એનાં સામયિકો પણ પ્રકટે. ખેડૂતો, શૅરદલાલો, રેલવેના ટિકિટકલેક્ટર અને દુકાનદારો સુધ્ધાં આ કવિતા-સામયિકોમાં તાન્કા, હાઇકુ આદિની સર્જનપ્રવૃત્તિમાં ઝુકાવે. અત્યારે  આવો રચનાત્મક જુવાળ પૂર્વવત્ જોવા ના મળતો હોય તોયે બેસતા વર્ષે કાવ્ય-પત્તાબાજીઓ રમવાનું ત્યાં ચાલુ છે.

તાન્કાના અવતરણ અગાઉ ‘નાગા-ઉતા’ કે ‘ચોકા’ પ્રકારની લાંબી રચનાઓનું પ્રવર્તન હતું. ‘માન્યો’ના સમયમાં તાન્કાનું સ્વરૂપ વ્યક્તિગત, અનૌપચારિક અને ઊર્મિકાવ્યવત્ સ્થિર થયું. અકાહિતોના કાળમાં ‘ચોકા’ના દીર્ઘ પ્રકારને ટૂંકાવી દેવાનું વલણ દેખાયું.

નવમી સદીની તદ્દન શરૂઆતમાં ‘માન્યોશું’ નામે પ્રથમ બૃહત કાવ્યસંગ્રહ બહાર પડ્યો. એમાંની 400 કૃતિઓમાંની મોટા ભાગની ‘તાન્કા’ પ્રકારની હતી. તદ્વિદો એને ‘વાકા’, ‘ઉતા’ કે ‘ઉટા’ તરીકે પણ ઓળખાવે છે.

તાન્કા એક કાવ્યપ્રકાર તરીકે પ્રશિષ્ટ સાહિત્યમાં એવું સ્થાન મેળવી ચૂકેલું કે કોઈ જાપાનીની સમક્ષ ‘કવિતા’ શબ્દ ઉચ્ચારો કે એનો અર્થ ‘તાન્કા’ જ સમજી લે! આમ કાવ્ય અને તાન્કા જાણે પરસ્પરના પર્યાય બની રહેલા.

ઇતિહાસના વિવિધ તબક્કે તાન્કાનું આંતરબાહ્ય સ્વરૂપ પલટાતું ચાલ્યું છે. કોકિન્શુ કાળના તાન્કામાં કસબ–યુક્તિનો અંશ વધુ અને ઊર્મિની નાજુકતા પર ખાસ મદાર રખાતો પણ પછીના સમયમાં મૃદુતાના જતન છતાં ભાવાવેશની પ્રબળતાની માત્રા વધી. આગળ જતાં ‘તાન્કા’માંથી ‘રેન્ગા’ કડીબદ્ધ કાવ્યોનો વિકાસ સંભવ્યો, ‘તાન્કા’ બાદ જાણીતી ‘હાઇકુ’ રચનાઓ પ્રકટી જેનો પાશ્ર્ચાત્ય કાવ્યપ્રવાહ પર અધિક પ્રભાવ પડ્યો. કલ્પનવાદી, બિંબવાદી કવિઓ પર હાઇકુ જેટલો નહિ પણ થોડોક પ્રભાવ તાન્કાનો પણ છે.

ગુજરાતી ભાષામાં સ્નેહરશ્મિએ સર્વપ્રથમ હાઇકુ રચનાઓનો સંગ્રહ ‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’ (1967) પ્રકટ કર્યો જેમાં થોડાંક ‘તાન્કા’ હતાં. કવિ રમેશ આચાર્યના ‘હાઇફન’ અને કિસન સોસાનો ‘અવનિતનયા’ (1983) સંગ્રહમાં ‘તાન્કા’ કાવ્યપ્રકારના ગુજરાતી ગિરામાં પ્રથમ સારા નમૂના છે. ‘તાન્કા’માં શ્રુતિમાપનું બંધારણ જાળવી નિસર્ગચિત્રણ, કલ્પના તેમજ કલ્પનલીલાની મદદથી બહુરંગી ભાવાભિવ્યક્તિ કે વિચારકણોને મૂર્તતા અર્પવાનું બહુધા બને છે. નમૂના તરીકે કવિ કિસન સોસાની ‘તાન્કા’ રચનાઓ :

રાતે હવામાં

સુગન્ધની ઝીણેરી

ઘંટડી વાગે :

ભીને પાંદડે પોઢ્યું

ત્યાં પતંગિયું જાગે !

*

ઘડિયાળના

કાંટા, ઢાંકી દીધા છે.

તરુ-ડાળીએ

ક્ષણ જોવા જઈએ

ને ફૂલો નિહાળીએ !

રાધેશ્યામ શર્મા