તાનીઝાકી, જૂનીશિરો (જ. 24 જુલાઈ 1886, ટોકિયો; અ. 30 જુલાઈ 1965, યુગાવારા, કાનાગાવા, જાપાન) : જાપાનના નવલકથાકાર. 1908માં ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો પણ થોડા વખતમાં ડિગ્રી મેળવ્યા વિના અભ્યાસ છોડીને કલમને ખોળે માથું મૂકવાનો નિર્ધાર કર્યો. પાશ્ર્ચાત્ય સાહિત્યકારો ઑસ્કાર વાઇલ્ડ, એડગર એલન પો અને બૉદલેરનો પ્રભાવ તાનીઝાકીના લખાણ પર ગાઢ રીતે વરતાય છે. જાપાની સાહિત્યમાં તાનીઝાકીના આગમન સાથે રોમૅન્ટિક શૈલીનો પ્રારંભ થયો અને તાજગીભર્યા નૂતન યુગની શરૂઆત થઈ.

જૂનીશિરો તાનીઝાકી

1910માં ‘ધ ટેટૂઅર’ નામની વાર્તા પ્રસિદ્ધ થતાં જ વાચકવર્ગની બેહદ પ્રશંસા મળી. વાર્તાનો નાયક કલાકાર છે. એક સુંદર સ્ત્રીની પીઠ ઉપર વીંછીનું ચિતરામણ કર્યા પછી પોતે જ તે સ્ત્રીના સૌંદર્યનો ગુલામ બની જાય છે. ચીતરેલો વીંછી જાણે અનિષ્ટનું પ્રતીક બની કામુકતાનો પ્રબળ પ્રભાવ ચિત્તમાં જગાવે છે. તેની રાક્ષસી પકડમાં કેદ થયેલો કલાકાર અંતે પરેશાન થઈ મોતને ભેટે છે. આ લેખકની અનેક કૃતિઓમાં જાતીય સંબંધોનાં વિવિધ રૂપો અને કામુક ઝંખનાથી જન્મતી સ્વપીડનવૃત્તિનું મનોવૈજ્ઞાનિક રીતે નિરૂપણ થયું છે. લેખકની અન્ય વાર્તાઓ ‘શૉનેન’ (1910), ‘હોકાન’ (1911) અને ‘અકુમા’(1912)માં પણ આ વિષયવસ્તુ આલેખવામાં આવ્યું છે.

1923માં ટોકિયોમાં થયેલા ભારે ભૂકંપ પછી લેખકની કારકિર્દીમાં એક નવો વળાંક આવ્યો. ટોકિયો શહેર છોડી તે કાંસાઈ પ્રદેશમાં રહેવા ગયા અને જાપાનની સંસ્કૃતિના શુદ્ધતમ સ્વરૂપને પિછાણ્યું. જાપાન ઉપર વધતો જતો પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ પણ તેમણે નિહાળ્યો. આ ગાળા દરમિયાન લખાયેલ નવલકથાઓમાં જાપાની અને પાશ્ચાત્ય જીવનપદ્ધતિનો સંઘર્ષ, પ્રણાલિકાગત અને આધુનિક જીવનપદ્ધતિ વચ્ચેનો સંઘર્ષ સૂક્ષ્મ રીતે આલેખાયેલ  છે. 1925માં લખાયેલ ‘અ ફૂલ્સ લવ’ નામની નવલકથાનો નાયક તેના અસલ જાપાની લેબાસમાં છે. તે જમાનાની અમેરિકાની જાણીતી અભિનેત્રી મૅરી પિકફર્ડના જેવી દેખાતી એક છોકરી સાથે તે લગ્ન કરે છે અને તેને પાશ્ચાત્ય બનાવવાના પ્રયત્નો આદરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલ પત્ની હવે પરપુરુષના પ્રણયસંબંધો માણતી થઈ જાય છે. છેલ્લે નાયક મૂંગે મોઢે આ સહન કરવાનું પસંદ કરી લે છે પણ તેને ત્યજી શકતો નથી. તાનીઝાકી જાપાનના લોકોને આ કથા દ્વારા પશ્ચિમાભિમુખ થવા બદલ જાણે ચેતવે છે.

1915માં તાનીઝાકીનું પ્રથમ વારનું લગ્ન ચિયાકો સાથે થયું, પરંતુ તેમની પત્નીના એક સાહિત્યકાર સાટો હારુઓ સાથેના પ્રણયસંબંધોને કારણે તેમનું મન વિક્ષુબ્ધ બન્યું. આ સંઘર્ષ પછી તેમની ઘણી કૃતિઓમાં બે પુરુષોના એક સ્ત્રી સાથેના પ્રણયની ઝંખનાની વ્યથા અને તેમાંથી નીપજતા અપરાધભાવનું નિરૂપણ છે. બીજી વારનું લગ્ન ફુરુકાવા ટોમિકો સાથે થયું પણ લેખકના સંબંધો અન્ય એક પરિણીત સ્ત્રી મોરિતા માત્સુકો સાથે વિકસી ચૂક્યા હતા. પાછળથી મોરિતા તેમની ત્રીજી વારની પત્ની બની. આ સમયમાં લખાયેલ પ્રસિદ્ધ વાર્તાઓ ‘અશિકારી’, ‘શૂન્કિશો’ અને ‘અ પોર્ટ્રેઇટ ઑવ્ શૂન્કિન’માં સ્ત્રીપુરુષના જાતીય સંબંધોનું મનોવૈજ્ઞાનિક વિશ્ર્લેષણ જોવા મળે છે.

1956માં પ્રસિદ્ધ થયેલ નવલકથા ‘ધ કી’માં વૃદ્ધાવસ્થામાં જાતીય વૃત્તિ અંગેનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે. એક વૃદ્ધ પ્રોફેસર અને તેની પત્ની વચ્ચે કામાવેગના સંઘર્ષની આ મનોવૈજ્ઞાનિક કથા છે. ઓસરી જતી કામવૃત્તિ જાગ્રત કરવા કથાનો નાયક પત્નીને વ્યભિચાર તરફ દોરે છે. છેલ્લે કામાવેગની નિર્બળતાથી જન્મેલ લઘુતાભાવથી હતાશ થઈ તે હૃદયરોગના હુમલાનો ભોગ બને છે.

નવલકથાના અને વાર્તાના માધ્યમ દ્વારા વિવિધ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓનું અનોખી શૈલીમાં નિરૂપણ કરનાર જાપાનના પહેલી હરોળના આ લેખકને 1923માં ‘જાપાનીઝ એકૅડેમી ઑવ્ આર્ટ’માં નિયુક્તિ મળેલી અને 1949માં જાપાનના યશસ્વી ‘ઑર્ડર ઑવ્ કલ્ચર’થી સન્માનિત કરવામાં આવેલા.

પંકજ જ. સોની