તાઓ ધર્મ : ચીનમાં લાઓ-ત્ઝે (ઈ. સ. પૂ. 570-517) દ્વારા રજૂ કરવામાં આવેલ તત્વદર્શનને આધારે પાછળથી સ્થપાયેલો ધર્મ. મધ્યચીનમાં હોનાન પ્રાંતમાં જન્મેલા લાઓ-ત્ઝેની ઐતિહાસિકતા અંગે શંકા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ લાઓ-ત્ઝે એ વ્યક્તિવાચક નામ નથી; પરંતુ તેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. તેમનું ખરું નામ લી હતું. ચીનમાં ચાઉવંશ (ઈ. સ. પૂ. આશરે 1122–221)ના શાસન વખતે તેઓ રાજ્યના દરબારમાં દફતરદાર તરીકે નોકરી કરતા હતા. તેમનું ‘તાઓ’ દર્શન ‘તાઓ-તે-ચિંગ’ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યું છે.
‘તાઓ’નો ખરો અને ગૂઢ અર્થ વિશ્વની સંચાલક પરમશક્તિ કે પરમ ગૂઢ સત્વ થાય છે. નિરપેક્ષ, અચિંત્ય, અગ્રાહ્ય, અવ્યક્ત, સર્વવ્યાપી, અનંત અને નિર્ગુણ એવા આદિ સતને લાઓ-ત્ઝે ‘તાઓ’ કે ‘માર્ગ’ તરીકે ઓળખાવે છે.
લાઓ-ત્ઝે મુજબ અવ્યક્ત અને વ્યક્ત બંને તાઓમાંથી ઉદભવે છે. તાઓ एक મહાન આદિમતાને સર્જે છે. આ एक માંથી ‘યિન’ (નકારાત્મક) અને ‘યાંગ’ (વિધાયક) તરીકે ઓળખાતાં બે સર્જક પરિબળોનો ઉદભવ થાય છે. અને પ્રકૃતિ-પુરુષ જેવી યિનયાંગની પારસ્પરિક ક્રિયામાંથી ર્દશ્યમાન જગતનું નિર્માણ થાય છે. લાઓ-ત્ઝેએ યથાર્થ જીવન માટે પ્રકૃતિ અને માનવજીવનમાં બનતી દરેક ઘટના માટે યિન અને યાંગની સમતુલા અને સુસંવાદિતા પર ભાર મૂક્યો હતો. પરસ્પરવિરોધી દ્વંદ્વો વિશ્વ-સંરચનામાં જોવા મળે છે. જગત પરિવર્તનશીલ અને પરિવર્તિત છે. પ્રત્યાવર્તનના આ મૂળભૂત નિયમને તે ‘મધ્યાવસ્થા’ કહે છે.
તેમણે માનવહૃદયની નિસર્ગસ્ફૂર્ત સહજતા પર ભાર મૂક્યો હતો. આ સાહજિક એવી મધ્યાવસ્થામાં અહમ્નું નિરસન થાય છે. તાઓ સાથે તદરૂપ એવી અહમ્રહિત અવસ્થા મનુષ્યને શાશ્વત બનાવે છે. આ સાહજિક અવસ્થા એ શુદ્ધ નૈષ્કર્મ્યની અવસ્થા છે. તેમાં થતી પ્રવૃત્તિ પ્રકૃતિની જેમ સહજભાવે થતી હોય છે. એ રીતે લાઓ-ત્ઝે તાઓને તદ્દન સરળ તત્વ તરીકે ઓળખાવે છે, કારણ કે આ પ્રભાવક શક્તિનો નિર્ગુણ માર્ગ દરેક પ્રકારનાં સારા-નરસા, નૈતિક અનૈતિક એવાં દ્વંદ્વોથી પર છે. તેમાં પ્રજ્ઞાનું સર્જન થતું હોવાથી તે દુન્યવી જ્ઞાન કે માહિતી પર આધારિત નથી. આ જ સાચું સદગુણી જીવન છે. તેને સામાજિક નીતિનિયમોને આધારે આચરવામાં આવતા કૃત્રિમ સદગુણો સાથે કોઈ સંબંધ નથી.
લાઓ-ત્ઝેએ રજૂ કરેલા તાઓ-દર્શનને પાછળથી ચ્યૉગ-ત્ઝુ (ઈ. સ. પૂ. 369–286) નામના બીજા ચીની દાર્શનિકે વિસ્તાર્યું હતું. તેમણે પણ તાઓના સ્તર પરથી દેખાતાં દ્વંદ્વો કે વિરોધાભાસ પાછળ રહેલા અભેદ એવા સત પર ભાર મૂક્યો હતો. ચ્યાગ-ત્ઝુ મુજબ શૂન્યતા – રિક્તતા ખાલીપા કે નિસ્તબ્ધતામાંથી સર્વવસ્તુઓનો આવિર્ભાવ થાય છે. એ રીતે જીવન અને મૃત્યુ એક બીજાનાં વિરોધી નથી, પરંતુ પરમ અસ્તિત્વની જ અલગ અલગ અવસ્થા છે. તેમની ર્દષ્ટિએ સંસ્કૃતિ અને સમાજે સર્જેલ કૃત્રિમ નીતિનિયમો, સુખ કે સુરક્ષાને સ્થાને નિસર્ગ સાથેના તાદાત્મ્યમાંથી થતી પ્રજ્ઞાની ઉપલબ્ધિ સ્વયંસ્ફુરિત આનંદનું સર્જન કરે છે. તેમણે સાંસ્કૃતિક સંરચનાથી પ્રાપ્ત થતી શારીરિક કે માનસિક વ્યવસ્થા-સુરક્ષાને સ્વપ્નાવસ્થા તરીકે ગણાવી હતી. જ્યારે એકત્વની અનુભૂતિ કરવી તેને શ્રેષ્ઠ જાગ્રત અવસ્થા – ખુલ્લી અવસ્થા તરીકે ઘટાવી છે. આમ ચ્યાગ-ત્ઝુ એ વિશુદ્ધાનુભૂતિની અવસ્થાને નિરપેક્ષ મુક્તિની શૂન્યતા–પૂર્ણતા કે તાઓ માર્ગની અવસ્થા ગણાવી છે. તેમાં મહાપરિવર્તનશીલતા સાથેની એકરૂપતા છે.
ચીન અને હાન વંશ (ઈ. સ. પૂ. 221થી ઈ. સ. 220)ના સમય દરમિયાન તાઓ-ચિંતનમાંથી તાઓ ધર્મની શરૂઆત થઈ હતી. ચીનમાં પ્રાદેશિક રાજ્યો વચ્ચે ચાલતાં ઘર્ષણ વખતે તાઓ-દર્શનને રાજ્યાશ્રય મળ્યો, તેથી તેના સાહિત્યનો ફેલાવો થયો. કેટલાક વિચારકો તાઓના શરૂઆતના આ ધર્મ-સ્વરૂપને નવ-તાઓવાદ તરીકે ઓળખાવે છે. તેમાં વાન્ગપિ (ઈ. સ. 226–249) તથા કુઓ હ્સિયંગ (ઈ. સ. 234–312)નો ફાળો મહત્વનો હતો. વાન્ગપિ લાઓ-ત્ઝેના ગ્રંથ (તાઓ-તે-ચિંગ) પર કરેલા ભાષ્ય માટે વધારે પ્રખ્યાત થયો. કુઓ હ્સિયંગે આલ્કમીની પ્રાચીન પ્રણાલીને તાઓ-દર્શન સાથે સુસંગત બનાવીને પ્રાકૃતિક સંવાદિતા સ્થાપવાનો પ્રયાસ કર્યો. આ કહેવાતા નવ-તાઓવાદીઓએ તાઓ-દર્શનનું અર્થઘટન કરીને તેને રાજકીય તેમજ વ્યવહારુ જીવન સાથે સુસંગત બનાવવાના પ્રયાસ કર્યા.
ઈ. સ. 142થી ચીનના વિવિધ ભાગોમાં ધાર્મિક આંદોલનો શરૂ થવા લાગ્યાં હતાં. તેમાં તાઓ-દર્શનને પણ વણી લેવામાં આવ્યું. આ સંદોહનવાદી પ્રક્રિયાને પરિણામે તાઓ ધર્મ બૌદ્ધ ધર્મના અનુકરણ રૂપે વિકસ્યો. તેમાં અવતારવાદને વણી લેવામાં આવ્યો. લાઓ-ત્ઝેની દેવ તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમના જન્મ અંગે ઘણા ચમત્કારો અને દંતકથાઓ રચાયાં. ઈ. સ. 215 પછી વેઈ વંશના રાજવીઓએ તાઓ ધર્મને રાજ્યધર્મ બનાવ્યો. તેથી તાઓ ધર્મગુરુઓએ હાનવંશને બદલે વેઈ વંશને ટેકો આપવાની શરૂઆત કરી. તાઓ ધર્મનાં મંદિરો, પુરોહિતો અને સાર્વજનિક પૂજા તથા કર્મકાંડની નવી પરંપરા શરૂ થઈ. તેમાં દક્ષિણ ચીનની વિવિધ પ્રાદેશિક અને સ્થાનિક ધર્મપ્રણાલીઓને પણ સામેલ કરવામાં આવી. તાઓ પુરોહિતો તાઓ પરમતત્વના પ્રતીકરૂપ વિવિધ દેવો અને આમ લોકો વચ્ચે માધ્યમ બન્યા. તેમના દ્વારા રોગની નાબૂદી અને અનિષ્ટ તત્વોને દૂર કરવા માટે વિધિઓ કરવામાં આવતી. તાઓ-દર્શનનું વિવિધ સંજ્ઞાઓ – પ્રતીકો દ્વારા અર્થઘટન કરવામાં આવ્યું. આમ તાઓ ધર્મને સંગઠિત સ્વરૂપ આપવામાં આવતાં પુરોહિતોનું વર્ચસ વધ્યું. સમય જતાં તાઓ સાથે એકરૂપતા સ્થાપવા માટે વિકૃત એવા વામમાર્ગી કર્મ-કાંડ તેમજ તંત્ર વિધિ પર ભાર મૂકવામાં આવ્યો.
બીજી બાજુ પાંચમી સદી દરમિયાન ઉત્તર ચીનમાં વિદેશી શાસકો હેઠળ તાઓ ધર્મમાં પ્રવેશેલી વિકૃતિઓને દૂર કરવાનું આંદોલન શરૂ થયું. તેંગ વંશ (618–907) દરમિયાન ચીનના સીમાડા બહાર પણ તાઓ ધર્મનો ફેલાવો થયો. આ સમયે પશ્ચિમ ચીનમાંથી તાઓ-દર્શન પર લખાયેલી હસ્તપ્રતો શોધાઈ હતી. પશ્ચિમ ચીનમાંથી તાઓ ધર્મની અસર હેઠળ તિબેટ અને મધ્ય એશિયાના બૌદ્ધધર્મીઓ પણ આવ્યા. કાશ્મીરના રાજવીના આદેશથી લાઓ-ત્ઝેના દર્શનનું સંસ્કૃતમાં ભાષાન્તર કરવામાં આવ્યું.
સુંગવંશ (960–1279)ના શાસકોએ વિદેશી આક્રમણો વખતે તાઓ ધર્મમાંથી સાન્ત્વન મેળવ્યું. સુંગવંશના પતન વખતે અને યુઆન વંશ (1206–1368)ના શાસન દરમિયાન તાઓ ધર્મના વિવિધ સંપ્રદાયોના આંદોલનને પરિણામે તેના સાહિત્યનો બહોળો ફેલાવો થયો. તેમાં બૌદ્ધ ધર્મ અને નવ-કન્ફ્યૂશિયસવાદનાં તત્વોને પણ વણી લેવામાં આવ્યાં. ખાસ કરીને મિંગવંશ (1368–1644) દરમિયાન આવા મિશ્રધર્મનો બહોળો ફેલાવો થયો હતો. તાઓ ધર્મના ઘણા દેવોને લોકસંસ્કૃતિમાં સ્વીકારી લેવામાં આવ્યા.
સત્તરમી તથા અઢાર સદી દરમિયાન ચીનના ફુકીએન પ્રાંતમાંથી મોટી સંખ્યામાં તાઓ ધર્મીઓ તાઇવાનમાં આવીને વસ્યા. વીસમી સદીમાં તેમની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને 1949 પછી તાઓ ધર્મને તાઇવાનમાં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
તાઓ દર્શન અને ધર્મની ચીનની સંસ્કૃતિ પર વ્યાપક અસર થઈ છે. ચીની સંસ્કૃતિએ પ્રકૃતિ સાથે સીધો-સાહજિક સંબંધ સ્થાપવાની કળા પ્રાપ્ત કરી છે, વિજ્ઞાન, ચિત્રકળા અને સાહિત્ય પર તાઓ દર્શનનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ક્ધફયૂશિયસના ચિંતને માનવીના સામાજિક સંબંધો અને જવાબદારીઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. એટલે કે આચારસંહિતાના પાલનથી જ સામાજિક શાંતિ અને વ્યવસ્થા સ્થાપી શકાય. ક્ધફ્યૂશિયસે નૈતિક ફરજ, આચાર સંહિતા અને શિષ્ટાચારને વધારે મહત્ત્વ આપ્યું, જ્યારે તાઓ ચિંતને માનવીની પ્રાકૃતિક સહજતા પર ભાર મૂક્યો હતો. આમ ચીની સંસ્કૃતિમાં સમાજમાં અને સમાજથી પર એવા બંને અભિગમોનો સમન્વય કરવામાં આવ્યો છે. તેથી ચીનની આ સાંસ્કૃતિક તાસીર બૌદ્ધ પ્રણાલીને વધારે સુસંગત બની છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ