તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ

January, 2014

તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ (જ. 369, નાનચેંગ; અ. 427) : ચીની કવિ અને નિબંધકાર. તેમનાં માત્ર 150 કાવ્યો અને કેટલીક ગદ્યરચનાઓ હાલ પ્રાપ્ય છે. જોકે ઘણા જાણીતા ચીની સાહિત્યકારોની બાબતમાં બન્યું છે તેમ મિએનના નામે અનેક કૃતિઓ ચડાવવામાં આવી છે. તેમની અનેક જાણીતી કૃતિઓ તેમના જીવનનાં છેલ્લાં વીસેક વર્ષ દરમિયાન રચાઈ હોય તેવું અનુમાન છે. કૃતિઓના સર્જનના સમય બાબત વિવાદ છે. તેમનાં ઉત્તમ કાવ્યો પાંચ શબ્દના ઝૂમખાવાળા છંદમાં અને સરળ પ્રવાહી શૈલીમાં રચાયેલી સુંદર રચનાઓ ગણાય છે. બૌદ્ધિક સ્તરે તાઓ મિએન સંપૂર્ણ કન્ફયૂશિયસવાદી કે સંપૂર્ણ તાઓવાદી નથી; પરંતુ આ બંને વિચારધારાઓનો તેમના સર્જન પર ભારોભાર પ્રભાવ દેખાય છે. પ્રકૃતિથી અભિભૂત થયેલા આ કવિમાં રહસ્યવાદ પણ પ્રગટ થતો જોવા મળે છે.

મિએન તાઓ ઉર્ફે યુઆન મિંગ તાઓ

આ ચીની કવિ તરફ સામાન્ય જનસમાજનું ધ્યાન તેમની અધિકારી તરીકેની કારકિર્દી તરફના ભારે તિરસ્કારને કારણે આકર્ષાયેલું. જોકે આ કારકિર્દી તેમણે સવેળા ત્યજી દીધેલી. આ અંગેનો તાર્દશ ચિતાર તેમની કૃતિ ‘રિટર્ન હોમ’માં મળે છે. માત્ર 80 દિવસ પેંગત્સેમાં ન્યાયાધીશના પદ ઉપર રહીને તે પદ તેમણે છોડેલું. આ પહેલાં બીજી અનેક જગાએ તેઓ અધિકારીના પદ ઉપર રહી ચૂક્યા હતા, પણ તે બધાં પદ માટે તેમને ભારે અણગમો હતો. છેલ્લે કોઈ પદ ઉપર નહીં રહેવાના મક્કમ નિર્ધાર સાથે સર્વનો ત્યાગ કરીને સાદું ગ્રામજીવન જીવવાનું તેમણે પસંદ કરેલું.

તેમની મહત્વની ગદ્યકૃતિઓમાં ‘ધ જેન્ટલમૅન ઑવ્ ધ ફાઇવ વિલોઝ’ અને ‘ટેલ ઑવ્ પીચ બ્લૉસમ સ્પ્રિંગ’ને મૂકી શકાય. ‘ધ જેન્ટલમૅન ઑવ્ ધ ફાઇવ વિલોઝ’ તેમની આત્મકથા પ્રકારની કૃતિ છે. તેમાં વાસ્તવિક જીવનના સ્વાનુભવોનું ચિત્રણ જોવા મળે છે. ચીની ગદ્યસાહિત્યમાં આ કૃતિઓએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે.

પંકજ જ. સોની