તાંત્રિક મત : ઈ. સ. 600થી 1200 દરમિયાન ભારતમાં પ્રચલિત મોટા-નાના તાંત્રિક-સાધનાપરક સંપ્રદાયો. બહારથી વિવિધતા ધરાવતા છતાં તત્વચિંતનને બદલે સાધના-પદ્ધતિ પર આવા સંપ્રદાયો ભાર મૂકતા હતા. કોઈ એક દેવતા કે શક્તિને સૃષ્ટિના મૂળ તત્વ તરીકે માની, તેની ઉપાસનાપદ્ધતિનો પ્રચાર કરવો, વિશિષ્ટ બીજાક્ષરો અને તેના વિધિવિધાન તથા મહિમા પ્રગટ કરવો, યંત્રો રચવાં, ભૂતસિદ્ધિ, કુંડલિની યોગ, રહસ્યપૂર્ણ યજ્ઞાદિ કરવા વગેરે તત્વો આ બધા મતોમાં સમાનપણે નજરે પડે છે. આ સમાનતા એટલી તો તાદૃશ છે કે શૈવોએ એને શૈવ, બૌદ્ધોએ બૌદ્ધ અને શાક્તોએ એને શાક્ત પરિભાષા આપી છે. તંત્રની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે તત્વ મંત્રોથી સમન્વિત છે અને જેમાં વિપુલ અર્થોનો વિસ્તાર થાય છે તથા જે ત્રાણ એટલે કે રક્ષણ કરે છે તેથી તેને તંત્ર કહે છે. આ શબ્દની વ્યુત્પત્તિ ‘તનુ’ ધાતુ પરથી થાય છે. ‘तन्यते विस्तारयते ज्ञानं अनेन इति तन्त्रम’, કોઈ પણ જ્ઞાનનો જે વિસ્તાર કરે છે, તેનું સાંગોપાંગ વિવરણ કરે છે તેને તંત્ર કહે છે. ન્યાયતંત્ર, ચિકિત્સાતંત્ર, રાજતંત્ર વગેરે શબ્દો પણ આ અર્થ સૂચવે છે. એમ જણાય છે કે ધર્મસાધનામાં જે નવી પૂજાઓ, મંત્રપદ્ધતિઓ, દેવી-દેવતાઓ, અનુષ્ઠાનો, યંત્રો, યોગસાધનાઓ વગેરેનો પ્રવેશ થઈ રહ્યો હતો તેને પૂર્ણપણે આ જ્ઞાન કે એક ચિંતન-પદ્ધતિની અંદર સમાવિષ્ટ કરીને એક નિયમબદ્ધ અથવા એક અનુશાસનયુક્ત સંયોજિત કરનારી પ્રણાલિનું નામ તંત્ર પડ્યું. આ તંત્રાચાર, ભારતમાં બહારથી આવેલા શકો સાથે આવેલા મગપુરોહિતો લાવ્યાનું મનાય છે. બીજા મતે બૌદ્ધ સંપ્રદાય વ્રજયાનનો પ્રથમ ઉપદેશ કરનાર આચાર્ય અસંગ પોતે ગંધારદેશના વતની હતા અને સંભવતઃ મગપુરોહિતોની તાંત્રિક સાધનાપદ્ધતિથી તેઓ પરિચિત થયા હોય. આ તાંત્રિક સાધનાપદ્ધતિને અવૈદિક કહી છે અને તંત્રગ્રંથોમાં પણ એવા વિધાન મળે છે કે તંત્રોના પ્રચાર માટે દેવતાઓ બહારથી આવ્યા હતા અને એનો પ્રચાર-પ્રસાર કરી પરત ફરી ગયા હતા. પ્રાચીન તંત્રોને આ કારણસર આગમ કહ્યા છે. અર્થાત્ તે વૈદિક પરંપરામાં નથી. મધ્યકાળમાં પણ એમને વેદબાહ્ય કહ્યાં છે. આવી સાધના કરનાર પ્રત્યે હીન દૃષ્ટિએ જોવામાં આવતું. બીજી બાજુ અથર્વવેદમાં મારણ, મોહન, ઉચ્ચાટન, મંત્ર, રક્ષા, સિદ્ધિ, ગુહ્યસાધનાઓના પ્રચૂર ઉલ્લેખ મળે છે. તેને લઈને અથર્વવેદને વેદબાહ્ય ગણવામાં આવતો. આ તંત્રપરક સાધનાઓ આર્યેતર લોકોમાં પ્રચલિત હતી. જેને શરૂઆતના આર્યોએ અપનાવી લીધી હતી. એટલે ઉત્તરકાલીન આર્યો તેમને ‘વ્રાત્ય’ કહેતા હતા. આ વ્રાત્યોના આચાર-વિચાર ઘણું કરીને આર્યેતર જાતિઓથી પ્રભાવિત થયા હતા. આ વ્રાત્યો સાથે ભારતના મૂળ નિવાસીઓની પ્રવૃત્તિઓ, અંધવિશ્વાસ, યંત્ર-મંત્ર, જાદુ-ટોણા આવી ગયાં હોય. તેમણે આર્યેતર સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેનાથી પણ અનેક પરંપરાઓ પ્રવેશી. આથી ધીરે ધીરે તંત્રસાહિત્યનું મહત્વ એટલું વધ્યું કે તે પણ વૈદિક શ્રુતિઓની સમકક્ષ-મહત્વનું ગણાવા લાગ્યું. તાંત્રિક આચારો સાધારણરીતે બે વર્ગોમાં વિભાજિત છે : દક્ષિણ અને વામ. દક્ષિણાચારમાં સવારમાં સંધ્યા કરવી, મધ્યાહનમાં ઊનના આસન પર બેસીને જપ કરવા, સાકર મિશ્રિત દુગ્ધાનુપાન, રુદ્રાક્ષની માળા ધારણ કરવી અને નિજપત્ની સાથે ભોગ કરવો વિહિત આચારો હતા. વામાચારમાં એનાથી બિલકુલ વિપરીત આચારો કરવામાં આવતા, જેમાં નૃદંત(મનુષ્યના દાંત)ની માળા ધારણ કરવી. ખોપરીનું ખપ્પર ખાવા-પીવા માટે પ્રયોજવું, નાની કાચી માછલીઓનું ચર્વણ કરવું, મદ્યપાન અને માંસભક્ષણ કરવું તથા સ્વચ્છંદપણે સર્વજાતિની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવો અર્થાત્ પંચમકાર (મદ્ય, માંસ, માછલી, મુદ્રા અને મૈથુન)નું સેવન કરવું વગેરેનો સમાવેશ હતો. તત્કાલીન ભ્રષ્ટ વામાચારીઓને લઈને સમાજમાં તાંત્રિક મતો હડધૂત થઈ જાકારો પામ્યા અને 13મી સદીથી ભક્તિઆંદોલનના પ્રભાવથી એ લુપ્ત થઈ ગયા.

પ્રવીણચંદ્ર પરીખ