તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ)

January, 2014

તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ) : મધ્યયુગના ભારત, નેપાળ, તિબેટ, ભૂતાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, લાઓસ અને થાઇલૅન્ડના કાપાલિકો, અઘોરીઓ અને હઠયોગીઓ માટે યૌન-પ્રતીકોના ઉપયોગથી સર્જાયેલી કલા. મૂળમાં હિંદુ તાંત્રિકો માટે અસ્તિત્વમાં આવેલી આ કલા પછીથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પણ અપનાવી. શિવમંદિરમાં પેસતા જોવા મળતા યોનિ આકારના પાત્રમાં ખોડેલા ઉત્થાન પામેલ લિંગ એ તાંત્રિક કલાનું જ સર્વવ્યાપક અને સૌથી વધુ જાણીતું રૂપ છે.

18મી સદીનું કાંગડા શૈલીનું એક ચિત્ર :
ડાકિની અને વર્ણિની સાથે શિવના મડદા પર બેઠેલી દેવી છિન્નમસ્ત

સુષ્ઠુ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરંપરાને જુગુપ્સાપ્રેરક જણાતી તાંત્રિક સાધના અને તાંત્રિક કલા ભારતીય સંસ્કૃતિનું એક અનોખું પાસું છે. ઈશ્વર કે પરમાત્મા કે પરમ સત્ય પામવાના હેતુથી કંડારેલો તે એક મધ્યયુગીન ચીલો છે. ચોમેર પથરાયેલ ભૌતિક વિશ્વને તંત્રસાધના તુચ્છ કે વર્જ્ય નથી ગણતી, ઊલટાનું એમાં રગદોળાવાથી ઊભી થતી શિસ્ત દ્વારા તે અધ્યાત્મસાધનાની નેમ ધરાવે છે અને તે માટે માનવીની કામશક્તિને જ અધ્યાત્મસાધનાનો ધોરી માર્ગ ગણવામાં આવ્યો.

ભારતમાં માનવીની જન્મજાત કામશક્તિને બ્રહ્માંડની શક્તિ સાથે સાંકળવાનું વલણ પ્રાચીન છે. આથી માનવીની કામશક્તિ પ્રદર્શિત કરતાં શારીરિક લક્ષણોને બ્રહ્માંડની શક્તિનાં પ્રતીકો તરીકે પૂજવાની લાંબી પ્રણાલી છે. આનો સૌથી વધુ જાણીતો દાખલો છે પુરુષનું ઉત્થાન પામેલું લિંગ. ભારતભરનાં શિવાલયોમાં તેનાં શિલ્પ જોવા મળે છે. શિવની કેટલીક પ્રતિમાઓમાં પણ લિંગને ઉત્થાન પામેલી અવસ્થામાં કંડારવામાં આવ્યું છે; દાખલા તરીકે રાજશાહી(બંગાળ)માંથી આવેલ બારમી સદીની અર્ધનારીશ્વર પ્રતિમા. માનવીની કામશક્તિને દૈવી શક્તિના પ્રતીક રૂપે જોવાની પ્રણાલી હોવાથી કેટલાક યોગીઓ પોતાના જ ઉત્થાન પામેલા લિંગની પૂજા કરે છે. દુનિયામાં જેમ અન્યત્ર તેમ ભારતમાં પણ સર્પના પ્રતીક દ્વારા કામશક્તિને શિલ્પ અને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.

જાતીય સંભોગના આનંદને દૈવી આનંદની ચરમસીમા ગણી તેમાંથી આધ્યાત્મિક હેતુઓ સિદ્ધ કરવાની તંત્રની નેમ છે. આ માટે થઈને જાતીય સંભોગને યોગ ગણવામાં આવ્યો છે. તેથી, સાધકના અંતરમાં પડેલી કામેચ્છાની પૂર્તિને સહાયક થવા માટે થઈને ચિત્ર કે શિલ્પ રૂપે જાતીય સંભોગના દૈવી આનંદને નિરૂપવાની ભારત, નેપાળ અને તિબેટમાં પ્રથા છે. આ આકૃતિઓ પર ધ્યાન ધરી, સાધક પોતાના જાતીય સંભોગમાં દૈવી આનંદના ધ્યેયને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે તેવી માન્યતા છે. ખજૂરાહો, કોણાર્ક ઇત્યાદિ મંદિરોમાં કામક્રિયામાં રત આકૃતિઓ આ જ ધ્યેયની પૂર્તિ કરવા માટે છે. સાધકની જાતીય વિધિઓ સફળતાથી પાર પડે તે માટે દેવદાસીની પ્રથા પણ અસ્તિત્વમાં આવી. એ પણ નોંધવું જોઈએ કે જાતીય સંભોગ દરમિયાન કામેચ્છાની ટોચે (Orgasm) પહોંચવાની ઉતાવળ તંત્રસાધનામાં કરવામાં આવતી નથી, ઊલટું સંભોગના પ્રલંબનમાંથી આનંદ લેવાનો હેતુ હોય છે. તંત્ર માટે જાતીય સંભોગ એ માત્ર જીવવિજ્ઞાનની એક ક્રિયા નથી, પણ સાધના માટેનું સાધન છે. સંભોગ દરમિયાન કેટલાક મંત્રોનું ઉચ્ચારણ પણ કરવાનું હોય છે, જે મોટા ભાગના તાંત્રિકો ગોપિત જ રાખે છે. પુરુષ તાંત્રિકો આ માટે ખાસ તાલીમ પામેલી સ્ત્રીઓ સાથે તથા સ્ત્રી-તાંત્રિકો આ માટે ખાસ તાલીમ પામેલા પુરુષો સાથે સંભોગ કરે છે. આ રીતે પુરુષ-તાંત્રિક પોતે મહાકાલ(શિવ)માં અને સ્ત્રી-તાંત્રિક પોતે મહાકાલી(પાર્વતી)માં પરિવર્તન પામી શકે તેવી માન્યતા છે. તાંત્રિકો આ ઉપરાંત ઉચ્ચ કક્ષાના સિદ્ધ યોગીના વીર્યનું પાન પણ કરે છે.

તાંત્રિકો માટે સ્મશાનભૂમિનું પણ અદકું મહત્ત્વ છે. તેમને માટે તો તે આધ્યાત્મિક સફળતાનું પ્રવેશદ્વાર છે. તાંત્રિક માન્યતા અનુસાર અંતિમ વિધિ માટે ચિતાના અગ્નિમાં તેમને પાર્વતીની દસ મહાવિદ્યા(કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્ત, ત્રિપુરસુંદરી, બગલામુખી, ધૂમાવતી, માતંગી)નાં દર્શન થાય છે. આ દસ મહાવિદ્યાઓ અહીં આવી શબનાં ગાત્રો સ્વાહા કરે છે.

અહીં જ પૂરેપૂરા બળી નહિ ગયેલા સડતા મડદા સાથે તાંત્રિકો સંભોગ કરી કાલીનું આહવાન કરે છે; એ મડદાને આરોગે છે અને તેમાંથી લોહી કાઢી પીએ છે. ફેત્કારિણી તંત્ર પણ આ ક્રિયાઓને પુષ્ટિ આપે છે. તિબેટી તાંત્રિકોની માન્યતા અનુસાર લ્હા-મો (કાલીનું બૌદ્ધ સ્વરૂપ) જ્યારે ભાઈ કે પિતા દ્વારા (incest) ગર્ભવતી બને છે ત્યારે તે સ્મશાને આવી પોતાનો ગર્ભ પાડી તે ભ્રૂણનું ચર્મ ધારણ કરે છે.

કાલીની ભક્તિ કરવા માટે ૐ, र्ली (હ્રીમ) અને ‘ક્લીમ’ જેવા મંત્રો ઉચ્ચારવામાં આવે છે. તાંત્રિકો માટે કાલી પાર્વતીનું સૌથી અગત્યનું રૂપ છે.

સૌમ્ય દેવી પાર્વતીનાં ચામુંડા અને મહાવિદ્યાઓ જેવાં દસ રૌદ્ર સ્વરૂપોને તાંત્રિકો પૂજે છે. ભારતીય કલામાં થયેલું તેમનું આલેખન આજે અત્યંત ધ્યાનાકર્ષક બન્યું છે. આ રૌદ્ર રૂપો મહાવિદ્યા-રૂપો કહેવાય છે.

હિંદુ તંત્રમાં પાર્વતીનાં દસ મહાવિદ્યા-સ્વરૂપોમાં કાલીનું સ્થાન પ્રથમ અને સૌથી વધુ મહત્વનું છે. પોતાનું સ્વરૂપ બિહામણું હોવા છતાં પરમ આનંદ આપવાની તેની પ્રકૃતિ છે. સ્વતંત્ર તંત્ર અનુસાર ઉજ્જયિનીમાં મહારાત્રિ(પ્રલયની રાત્રિ)ના દિવસે પાર્વતીએ કાલીનું બિહામણું રૂપ ધારણ કર્યું, ત્યારથી તેનું નામ કાલી પડ્યું. નારદ પંચરાત્ર અનુસાર દક્ષના યજ્ઞમાં પાર્વતીએ દેહત્યાગ કરી મેનાની કૂખે જન્મ લીધો ત્યારથી પાર્વતી કાલી નામે ઓળખાઈ.

ચિત્રો અને શિલ્પોમાં આ કાલીને સ્મશાનમાં ચિતા ઉપર નગ્ન અવસ્થામાં ચત્તાપાટ પડેલા તથા ઉત્થાન પામેલ લિંગ ધરાવતા શિવના મડદા ઉપર ઊભેલી અવસ્થામાં દર્શાવાય છે. આ દરમિયાન માનવ-ખોપરીઓનો હાર ધારણ કરેલી કાલી તીક્ષ્ણ રાક્ષસી દાંતો વડે મૃત માનવીના હાડમાંસ ચાવતી નજરે પડે છે.

બીજું મહાવિદ્યારૂપ તારા દેવીનું છે. અટ્ટહાસ્ય વેરતી આ દેવીનો રંગ ઘેરો નીલ છે અને તેનું પેટ ફૂલેલું છે.

પાર્વતીનું ત્રીજું મહાવિદ્યા-રૂપ તે લાલચટાક રંગની દેવી ષોડશી ચિત્રો અને શિલ્પોમાં શિવના ચત્તાપાટ પડેલ મડદા ઉપર તે શિવના લિંગને પોતાની યોનિમાં પરોવીને  બેઠેલી જોવા મળે છે.

પાર્વતીનું ચોથું મહાવિદ્યા-રૂપ છે દેવી ભુવનેશ્વરી. કલાકૃતિઓમાં તે સોનેરી રંગની ત્વચા ધરાવતી અને માથે બીજનો ચંદ્ર ધરાવતી દેખાય છે. તેનાં પુષ્ટ સ્તનોમાંથી નીકળતી દૂધની નદીઓ દ્વારા તે સમસ્ત વિશ્વને શક્તિ પૂરી પાડે છે. તેને ચાર હાથ છે. એક અભય મુદ્રામાં, બીજો વરદ મુદ્રામાં છે. ત્રીજા હાથમાં તલવાર અને ચોથામાં દોરડાનો ગાળિયો હોય છે.

પાંચમી મહાવિદ્યા છે ભૈરવી. ત્રણ નેત્રો ધરાવતી આ દેવી માનવ-મસ્તિષ્કોનો હાર પહેરેલી દેખાય છે અને તેને માથે મુકુટ હોય છે. એના બે હાથમાંથી એકમાં રુદ્રાક્ષની માળા અને બીજા હાથમાં પુસ્તક હોય છે.

પાર્વતીનું છઠ્ઠું મહાવિદ્યા-સ્વરૂપ છિન્નમસ્ત છે. નારદ પંચરાત્ર અનુસાર મંદાકિનીમાં સ્નાન કરવાથી દેવી પાર્વતી કાળી થઈ ગઈ, ત્યારે ડાકિની અને વર્ણિની નામની પાર્વતીની બે સહચારિણીઓએ કહ્યું, ‘હે દેવી ! પેટમાં ભૂખની જ્વાળાઓ ઊઠી છે, ઉંદરડા દોડાદોડ કરે છે.’ પાર્વતીએ જવાબ આપ્યો, ‘ચાલો, ઘરે જઈ કંઈક બંદોબસ્ત કરી આપું છું.’ પરંતુ તત્પશ્ચાત્ લાંબા સમય સુધી ખાવા માટે કંઈ પણ ન મળતાં ડાકિની અને વર્ણિનીએ ચીસાચીસ કરી મૂકી. આથી પાર્વતીએ નખ વડે પોતાનું ગળું ચીરી માથું ધડથી અલગ કરી પોતાના ડાબા હાથમાં મૂક્યું. પોતાના કપાયેલા ગળામાંથી પ્રકટેલી લોહીની ત્રણ ધારામાંથી એક ડાકિનીના મુખમાં, એક વર્ણિનીના મુખમાં અને એક પોતાના મુખમાં વહેવડાવી ત્રણેની ભૂખ તૃપ્ત કરી. આ રીતે છિન્નમસ્ત સ્વરૂપે પાર્વતી બ્રહ્માંડમાં શક્તિનો સંચાર કરે છે. આ માટે તે પોતે પોતાના પગ નીચે ચાલી રહેલા રાધાકૃષ્ણના અથવા કામ અને રતિના સંભોગમાંથી શક્તિ પામે છે. આમ યૌનશક્તિનું જીવનશક્તિમાં રૂપાંતર કરતી તે દેવી છે. આ ઉપરાંત ડાકિની, વર્ણિની અને છિન્નમસ્તને અનુક્રમે જડતા (તમસ), કાર્યશીલતા (રજસ) તથા પ્રગલ્ભ અસ્તિત્વ(સત્ત્વ)ના પ્રતીક તરીકે જોવાનું વલણ વ્યાપક છે. તેમને અનુક્રમે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન તરીકે પણ જોવામાં આવે છે. છિન્નમસ્ત પૂજકો કે અન્ય પાસેથી લોહીનો બલિ માંગતી દેવી નથી; ઊલટું, તે પોતાનું લોહી પૂજકો અને સમસ્ત બ્રહ્માંડને પિવડાવતી દેવી છે.

તાંત્રિક સાધક પોતાની ડૂંટીની અંદર પેટમાં લાલચટાક જાસૂદના રંગના પૂરા ખીલેલા કમળ અને તેની ફરતે ત્રણ વર્તુળાકાર રેખાઓમાં છિન્નમસ્તને અનુભવી શકે છે.

સાતમી મહાવિદ્યા છે ધૂમાવતી. ઊંચી, કૃશકાય, ઘરડી, કરચલી પડેલી ત્વચા ધરાવતી વિધવા છે. તેનું શરીર ગંદી ગંધ ફેલાવે છે. તેના ઝીંથરા જેવા વાળમાં જીવાત પડી છે. તેનાં સ્તન ચીમળાઈને લચી પડ્યાં છે. તે તદ્દન કદરૂપી અને ઝઘડાખોર છે. તે હંમેશાં ચીસો પાડે છે. તેના રથને કાગડા ખેંચે છે.

આઠમી મહાવિદ્યા બગલામુખીનો રંગ પીળો છે અને તે જર-ઝવેરાત પહેરીને સિંહાસન પર બેસે છે; એ તેના હાથમાં પકડેલી ગદાથી દુશ્મનોનો નાશ કરતી નજરે પડે છે.

નવમી મહાવિદ્યા માતંગી છે. શ્યામરંગી આ દેવી ધૂણતી નજરે પડે છે. તેની આંખો લાલ છે અને મોં ક્રોધિત છે.

દસમી મહાવિદ્યા કમલા શાંત છે. સોનેરી ત્વચા ધરાવતી આ મહાવિદ્યા હાથમાં કમળ ધારણ કરે છે અને ચાર સોનેરી હાથીઓ તેની પર જલાભિષેક કરે છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં લઘુચિત્રો; નેપાળ, રાજસ્થાન અને તિબેટમાં મધ્યયુગમાં કંડારેલાં શિલ્પોમાં આ મહાવિદ્યાઓનાં વિસ્તૃત આલેખનો છે. ભુતાન, નેપાળ તથા તિબેટમાં તાંત્રિક કલા બૌદ્ધ ધર્મમાં પણ પ્રવેશી. બૌદ્ધ તાંત્રિક આકૃતિઓ તો હિંદુ તાંત્રિક આકૃતિઓ કરતાં પણ વધુ ભેંકાર, ડરામણી, બિહામણી અને વિકરાળ દેખાય છે. તેમાં ડાકિની, વજ્રવરાહી, બોધિસત્વ ચક્રસંભવ, બોધિસત્વ વજ્રપાણિ, મહાસિદ્ધ ગાન્ધપ, વજ્રધાર બુદ્ધ, રક્તયમારિ અને યામન્તક રૂપો ધ્યાન ખેંચે છે. કલાકૃતિઓમાં આ રૂપોની આકૃતિઓ ક્રોધિત મુખભાવ સાથે સંભોગરત અવસ્થામાં તાંડવનૃત્ય કરતી નજરે ચડે છે.

અમિતાભ મડિયા