તમિળનાડુ : ભારતના દક્ષિણ કિનારે આવેલું 31 જિલ્લાઓ ધરાવતું ભારતીય સંઘનું રાજ્ય. તેને મંદિરમઢ્યો દ્રવિડ દેશ અથવા તો નટરાજ અને ભરતનાટ્યમની ભૂમિ કહી શકાય. ભૌગોલિક સ્થાન : 8° 00´ ઉ. અ. થી 13° 30´ ઉ. અ. અને 75° 10´ થી 80° 10´ પૂ.રે.. સુવર્ણકળશથી શોભતાં ગોપુરમ્ આ રાજ્યની આગવી વિશિષ્ટતા છે. રાજ્યનો વિસ્તાર 1,30,058 ચોકિમી. તથા વસ્તી 7,21,38,958 (2011) છે, જેમાંથી લગભગ 85 % તમિળ ભાષા બોલે છે. વિસ્તારની ર્દષ્ટિએ 11મું, વસ્તીની ર્દષ્ટિએ તે ભારતમાં 7મું સ્થાન ધરાવે છે. તેનું પાટનગર મદ્રાસ (હવે ‘ચેન્નાઈ’) દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર છે. આ રાજ્યમાં 832 શહેરો અને 15,400 ગામડાં આવેલાં છે.

ભૂરચના કે ભૂપૃષ્ઠને આધારે આ રાજ્યના મુખ્ય બે પ્રાકૃતિક વિભાગ પાડી શકાય : (1) પૂર્વનો મેદાની વિસ્તાર (2) પશ્ચિમનો ડુંગરાળ તેમજ ઉચ્ચ સમતળ વિસ્તાર.

(1) પૂર્વનો મેદાની વિસ્તાર : તે કોરોમાંડલ કિનારાની સમાંતર પથરાયેલો છે. તેમાં કાવેરી, ઉપરાંત કોટેલિયર, પોન્નેયાર, પલાર, કોલરુન, વૈગાઈ જેવી અનેક નદીઓ દ્વારા કાંપનો નિક્ષેપ થવાથી ફળદ્રૂપ મેદાની વિસ્તાર તૈયાર થયેલ છે. આ મેદાની પ્રદેશ દક્ષિણે કન્યાકુમારી ભૂશિર સુધી અને ઉત્તરે છેક પુલિકટ સરોવર સુધી વિસ્તરેલ છે. આ પ્રાકૃતિક વિભાગનો મોટો વિસ્તાર કોરોમાંડલ અને કર્ણાટકનું મેદાન રોકે છે. આ મેદાન ખેતીવાડી માટે વિશેષ ઉપયોગી છે. તેમાં ડાંગર અને શેરડી ઉપરાંત કપાસ, તમાકુ અને ફળફળાદિની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. નારિયેળી, કેળાં, નાગરવેલ તેમજ મરી-મસાલાની ખેતી અહીં થાય છે. પુલિકટ સરોવર લેગૂનથી બનેલું સરોવર છે, જે સમુદ્ર સાથે જોડાયેલું છે. પૂર્વના આ મેદાની વિસ્તારના સાગરતટ પર રેતીપટ આવેલો છે, જેમાં ચેન્નાઈના સાગરકિનારે જાણીતો મરીના બીચ છે. છેક દક્ષિણ છેડે કન્યાકુમારી ભૂશિર તથા વિવેકાનંદ ‘રૉક’ આવેલાં છે.

તમિળનાડુ રાજ્ય

(2) પશ્ચિમનો ડુંગરાળ તેમજ ઉચ્ચસમતળ વિસ્તાર : આ પ્રાકૃતિક વિભાગ પ્રાચીન અગ્નિકૃત સખત ખડકોનો બનેલો છે. આ વિસ્તારમાં નીલગિરિ અન્નામલાઈ તેમજ પાલની અને કાર્ડેમમની ટેકરીઓ આવેલી છે. આ પર્વતમાળાને પૂર્વઘાટની ગિરિમાળા તરીકે ઓળખવામાં આવે છે, જે તૂટક તૂટક છે. અહીં દક્ષિણ ભારતની પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી કાવેરી નદીઓ દ્વારા સતત ઘસારો થતો રહે છે. નીલગિરિ પર્વતનું સૌથી ઊંચું શિખર દોદાબેટ્ટા છે. આ શિખર સાગરની સપાટીથી 2637 મી.ની ઊંચાઈએ આવેલું છે. આ ડુંગરાળ વિસ્તારની ટેકરીઓ પશ્ચિમે કેરળ રાજ્યની સરહદ સુધી વિસ્તરેલી છે. અહીં તેને અન્નામલાઈ ટેકરીઓ કહેવામાં આવે છે. આ પર્વતીય વિસ્તારોમાં કેટલાંક અગત્યનાં ગિરિમથકો અને જાણીતાં અભયારણ્યો આવેલાં છે, પશ્ચિમના પહાડી અને ડુંગરાળ પ્રાકૃતિક વિભાગમાં જંગલો આવેલાં છે. તેમાં સાગ, સાલ, સીસમ, રોઝવૂડ, અબનૂસ અને ચંદનનાં વૃક્ષો વિશેષ જોવા મળે છે. નીલગિરિના ઊંચા પહાડો પર યુકેલિપ્ટસનાં વૃક્ષો વિશેષ પ્રમાણમાં છે. પર્વતીય ઢોળાવો પર ચા, કૉફી તથા રબરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.

આબોહવા : આ રાજ્ય સાગરકિનારે આવેલ હોવાથી આબોહવા સમધાત રહે છે. અરબી સમુદ્ર પરથી વાતા નૈર્ઋત્યના પવનોના માર્ગમાં પર્વતો આવતા હોવાથી પશ્ચિમ ભાગમાં વરસાદ  વધારે પડે છે જ્યારે પૂર્વભાગમાં તેનું પ્રમાણ ઓછું રહે છે. ઉનાળાના અંતભાગમાં ચોમાસા દરમિયાન અહીં 200 સેમી. કરતાં વધુ વરસાદ પડે છે જ્યારે શિયાળામાં ઈશાનના મોસમી પવનો પણ બંગાળાની ખાડી પરથી પસાર થતાં ભેજવાળા બની વરસાદ લાવે છે. પરિણામે અહીં ચોમાસા અને શિયાળાની બંને ઋતુમાં વરસાદ પડે છે. એકંદરે અહીંની આબોહવા ગરમ, ભેજવાળી અને સમધાત હોય છે.

તમિળનાડુ રાજ્યમાં ઢોળાવવાળા ઉચ્ચપ્રદેશોમાં ડાંગરની ખેતી માટેનાં ઓટલા-સ્વરૂપનાં ખેતરોનું એક ર્દશ્ય

ખેતીવાડી : લગભગ બારેમાસ અનુકૂળ ફળદ્રૂપ જમીનને લીધે અહીં ખેતીવાડીના પાકમાં વૈવિધ્ય જોવા મળે છે. ડાંગર, કપાસ, શેરડી, તમાકુ, ઉપરાંત ચા, કૉફી, રબર, મરી-મસાલા તેમજ નારિયેળી અને ફળફળાદિની ખેતી થાય છે. ભવાની, અમરાવતી, વૈગાઈ, પારામ્બીકુલમ્ એલિયાર, કિષ્ણાગિરિ જેવી અનેક સિંચાઈ યોજનાઓને કારણે ખેતીને સિંચાઈનો લાભ પ્રાપ્ત થાય છે. કાવેરી આ રાજ્યની મુખ્ય નદી છે જેના પર કૃષ્ણસાગર અને મેતુરબંધ બાંધવામાં આવેલ છે. કાવેરી નદી પરનો શિવસમુદ્રમ્ ધોધ જોવાલાયક છે.

ખનિજસંપત્તિ : ખનિજસંપત્તિની ર્દષ્ટિએ આ રાજ્ય સમૃદ્ધ છે. અહીંથી મોટા પ્રમાણમાં બૉક્સાઇટ, લોખંડ, અબરખ, ચિરોડી, લિગ્નાઇટ કોલસો, મૅંગેનીઝ, ચૂનાખડક તેમજ ખનિજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે.

તમિળનાડુ ગીચ વસ્તી ધરાવતું રાજ્ય છે. દ્રવિડ સંસ્કૃતિ અહીંના લોકજીવન સાથે વણાયેલી છે. તમિળ અહીંની મુખ્ય ભાષા છે. વર્ષભર ઊંચા તાપમાનને કારણે અહીંના લોકો સફેદ વસ્ત્રનો વિશેષ ઉપયોગ કરે છે. કલા, સાહિત્ય, ધર્મ અને સંગીતમાં અહીંની પ્રજાનું મોટું પ્રદાન છે. ખોરાકમાં ચોખા તથા તેની વિવિધ વાનગીઓનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિનો તહેવાર પોંગલ (મુખ્ય તહેવાર) તરીકે ત્રણ દિવસ સુધી ઊજવાય છે. વસ્તીનો મોટો ભાગ ખેતીમાં રોકાયેલો છે. વિવિધ ઉદ્યોગો સાથે નાના અને કુટિર-ઉદ્યોગો તથા ગૃહ-ઉદ્યોગો પણ અહીં વિકસેલા છે. રેશમી અને સુતરાઉ કાપડ, ખાંડ, સિમેન્ટ, સિગારેટ, રબર અને ચર્મઉદ્યોગ ઉપરાંત વાહનવ્યવહારનાં સાધનો, એન્જિનિયરિંગ, રંગ-રસાયણ જેવા અનેક ઉદ્યોગો અહીં વિકસેલા છે. ચેન્નાઈ ખાતે તેલશુદ્ધીકરણ એકમ તેમજ રાસાયણિક ખાતરનું કારખાનું આવેલાં છે. પેરામ્બુરમ્ (પેરામ્બુદુર) ખાતે રેલવેના ડબ્બા અને અવાડી ખાતે રણગાડીઓ (tanks) બનાવવાનાં કારખાનાં આવેલાં છે. મેતૂરમાં ઍલ્યુમિનિયમનું કારખાનું, ઉટાકામંડ ખાતે ફોટોગ્રાફીનો સામાન અને ફોટો-ફિલ્મો તૈયાર થાય છે. આ ઉપરાંત અહીં અનેક ઔદ્યોગિક કેન્દ્રો પ્રવાસધામો, ગિરિમથકો અને અભયારણ્યો આવેલાં છે. તમિળનાડુ પર્યટનની ર્દષ્ટિએ એક ઉત્તમ પ્રદેશ છે તેથી પર્યટન-ઉદ્યોગ અહીં ઝડપથી વિકસી રહ્યો છે. આ રાજ્યમાં ચેન્નાઈ, મહાબલિપુરમ્, કાંચીપુરમ્, (કાંજીવરમ્), પક્ષીતીર્થમ્, વેલ્લૂર અને તાંજોર મહત્વનાં નગરો છે.

આ રાજ્યમાં તિરિચુરાપલ્લીનો પહાડી દુર્ગ અને ગણેશમંદિર, શ્રીરંગપટ્ટમનું રંગનાથ સ્વામીનું મંદિર, મદુરાનું મીનાક્ષીમંદિર ઉપરાંત સેતુબન્ધ રામેશ્વરમ્ મનારના અખાત પરનો પુલ જોવાલાયક છે. ભારતના દક્ષિણતમ બિંદુએ આવેલ કન્યાકુમારી તીર્થ જોવા જેવું છે. અહીંથી મોટરલૉન્ચ કે બોટ દ્વારા વિવેકાનંદ સ્મૃતિમંદિર સુધી જઈ શકાય છે. 1892માં સ્વામી વિવેકાનંદ અહીં આવ્યા હતા અને સમુદ્રતટથી તરતા તરતા આ શિલા પર પહોંચ્યા હતા અને તેના પર ત્રણ દિવસ નિરાહાર અને નિર્જલ સમાધિસ્થ રહ્યા હતા.

તમિળનાડુનાં જાણીતાં ગિરિમથકોમાં કોડાઇકેનાલ મદુરાથી 120 કિમી. દૂર આવેલું છે. ઉટાકામંડ કે ઊટી પણ તમિળનાડુ, કેરળ અને કર્ણાટક રાજ્યના ત્રિભેટે આવેલું એક જાણીતું ગિરિમથક છે. નીલગિરિ પર્વતની રમણીયતા વચ્ચે આવેલું આ ગિરિનગર સાગરતટથી આશરે 2260 મી.ની ઊંચાઈ પર આવેલું છે. આ રાજ્યમાં ચેન્નાઈથી આશરે 197 કિમી. દૂર પુદુચેરી શહેર આવેલું છે જે મહર્ષિ અરવિંદની તપોભૂમિ તરીકે જાણીતું છે. અરવિંદની સ્મૃતિમાં વસાવેલું ઓરોવીલે નગર એક સુંદર આધ્યાત્મિક ધામ છે. અહીંના મુદુમલાઈ અને અન્નામલાઈ અભયારણ્ય પર્યાવરણપ્રેમીઓ માટે ઉત્તમ પર્યટનસ્થળો ગણાય છે. તમિળનાડુ અને કેરળની સરહદ પર આવેલું મુન્દનથુરાઈ વ્યાઘ્ર અભયારણ્ય પણ ભારતનું એક સુંદર અભયારણ્ય ગણાય છે.

એકગૃહી વિધાનસભા ધરાવતા આ રાજ્યની વિધાનસભા 234 બેઠકોની છે. કેન્દ્રીય સંસદમાં તે લોકસભાની 29 અને રાજ્યસભાની 18 બેઠકો ધરાવે છે.

પ્રાચીન સમયમાં પલ્લવ, પાંડ્ય, ચેર અને ચોલ રાજ્યો અહીં આવેલાં હતાં. તમિળ ભાષાનું પ્રાચીન વ્યાકરણ ‘તોલકાપિયમ્’ નામે ઓળખાય છે, જે ઈસુના જન્મની આસપાસ લખાયેલું મનાય છે. આ વ્યાકરણના રચયિતા તરીકે અગસ્ત્ય ઋષિના શિષ્ય તોલકાપ્પિયાર મનાય છે. સંગમ સાહિત્ય અહીંનું જાણીતું પ્રાચીન સાહિત્ય છે, જે ભવ્ય સાહિત્ય વારસો ગણાય છે. મુસ્લિમો, પોર્ટુગીઝો અને ત્યારબાદ અંગ્રેજોએ આ રાજ્યમાં પોતાની સત્તા જમાવી હતી. કૃષ્ણદેવરાયના સમયમાં તમિળનાડુ સમૃદ્ધ રાજ્ય હતું, જેનો વિદેશો સાથે મોટા પ્રમાણમાં વ્યાપાર થતો હતો.

1639માં ચંદ્રગિરિના રાજા પાસેથી અંગ્રેજોએ મદ્રાસપટ્ટમમાં વસવાનો પરવાનો મેળવ્યો હતો. 1653માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીં ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ નામનો કિલ્લો બાંધ્યો હતો. આ કિલ્લાની આસપાસ અંગ્રેજોએ ચેન્નાઈ શહેર વસાવ્યું હતું. અંગ્રેજોએ પોતાના શાસનના પ્રારંભે ભારતમાં ત્રણ મોટા ઇલાકા બનાવ્યા હતા, જેમાં મુંબઈ અને બંગાળા ઉપરાંત ચેન્નાઈનો સમાવેશ થતો હતો. આઝાદી બાદ આ રાજ્યનો ઔદ્યોગિક અને વાણિજ્ય બાબતે ઝડપી વિકાસ થયો છે. ચેન્નાઈમાં મોટરકાર, એન્જિનિયરિંગ અને ફિલ્મ જેવા અનેક ઉદ્યોગો વિકસેલા છે. ભારતનાં દસ મુખ્ય બંદરો પૈકીનું પૂર્વ કાંઠાનું આ એક મહત્વનું કુદરતી બંદર છે. સાંસ્કૃતિક કેન્દ્ર અને સુંદર ઇમારતોથી શોભતું ભારતનું ચોથા નંબરનું આ શહેર જોવાલાયક છે. સ્વતંત્ર ભારતમાં રાજ્યોની પુનર્રચના (1956) થતાં તમિળભાષી પ્રજાનું અલગ રાજ્ય રચાયું જેમાં આંધ્રપ્રદેશનો મોટો ભાગ, કેરળ તેમજ મલબાર અને કર્ણાટકનો દક્ષિણ ભાગ સમાવી લેવામાં આવેલો છે. દ્રવિડ સંસ્કૃતિની યાદ આપતાં ગગનચુંબી ગોપુરમો, અભયારણ્યો અને હરિયાળા સાગરતટો સહેલાણીઓને પરિભ્રમણ માટે આકર્ષે છે. અહીં ચેન્નાઈ ઉપરાંત કાંચીપુરમ્ મહાબલિપુરમ્, તિરિચુરાપલ્લી, તાંજોર, મદુરાઈ, રામેશ્ર્વર આદિ અનેક પ્રેક્ષણીય  સ્થળો આવેલાં છે. કોડાઈ કૅનાલ તથા ઊટી (ઉટાકામંડ) ગિરિમથકો તેમજ મુદુમલાઈ તથા અન્ના મલાઈ અભયારણ્યો પ્રકૃતિપ્રેમી તથા પર્યાવરણ પ્રેમીઓને માટે ઉત્તમ પર્યટનસ્થળો ગણાય છે.

આ રાજ્યમાં આઝાદી પછીના ગાળામાં રાષ્ટ્રીય પક્ષો કરતાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્ વધતું રહ્યું છે જેની શરૂઆત તમિળનેતા અન્નાદુરાઈ દ્વારા કરવામાં આવી હતી. તેમણે દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) નામક પક્ષની સ્થાપના કરી હતી. તેમના અવસાન પછી આ પક્ષનું નેતૃત્વ એમ. કરુણાનિધિએ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ આ પક્ષ રાજ્યમાં સત્તા પર આવ્યો હતો; પરંતુ પક્ષમાં દાખલ થયેલ સત્તાની સ્પર્ધામાં તમિળ ચલચિત્ર જગતના વિખ્યાત અભિનેતા એમ. જી. રામચંદ્રને (MGR) અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (ADMK) નામક અલાયદા પક્ષની સ્થાપના કરી હતી, જે રાજ્યમાં વિશાળ બહુમતીથી સત્તા પર આવ્યો હતો. રામચંદ્રનના અવસાન પછી તેમનાં પત્ની જાનકી રામચંદ્રન રાજ્યનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં; પરંતુ તેમનાં કાર્યકાળ દરમિયાન આ પક્ષમાં ભંગાણ પડ્યું હતું. 1991માં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં જયલલિતાના નેતૃત્વ હેઠળ આ પક્ષ સત્તા પર આવ્યો હતો (1991–96). 2012ની રાજ્યની છેલ્લી ચૂંટણીમાં જયલલિતા મુખ્ય પ્રધાન બન્યા છે.

ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન (1858–1947) આ રાજ્ય મદ્રાસ પ્રેસિડેન્સીના નામથી ઓળખાતું હતું. 1956માં ભાષાવાર પ્રાંતરચના થતાં તમિળભાષી વિસ્તારોનું બનેલું ચેન્નાઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. 1968માં તેનું નામ ‘તમિળનાડુ’ પાડવામાં આવ્યું.

મહેશ મ. ત્રિવેદી