તમિળનબન, ઇરોડ (એન. જગદીશન) (જ. 28 સપ્ટેમ્બર 1933, ચેન્નીમલાઈ, જિ. ઇરોડ, તમિળનાડુ) : તમિળ કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘વણક્કમ વળ્ળુવા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1975થી 1992 દરમિયાન તેઓ ચેન્નાઈ દૂરદર્શન કેન્દ્રમાં સંદેશાવાચક રહ્યા. તેમણે અધ્યાપનકાર્ય પણ કર્યું. તમિળ મૅગેઝિન ‘તિરુવિલક્કુ’ના ઉપસંપાદક, 1985–1990 સુધી તમિળનાડુ સરકારના તમિળ વિકાસ વિભાગ દ્વારા સ્થપાયેલ પૅનલ ઑવ્ જજીઝના સભ્ય, 1998–2002 સુધી તમિળ સાહિત્ય અકાદમી, નવી દિલ્હી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બોર્ડના સભ્ય રહ્યા. તેઓ વસંતતિલ ઓરુ વાનવિલ તમિળ ફિલ્મના ઍસોસિયેટ ડિરેક્ટર અને પટકથા અને સંવાદલેખક રહ્યા. 1983માં રોમ ફિલ્મ ઉત્સવમાં તેમને ઉત્કૃષ્ટ રચના-પુરસ્કાર, તમિળનાડુ સરકારનો ભારતીદાસન પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર, કલૈમામનિ પુરસ્કાર, કુરલપીઠમ્ પુરસ્કાર, મુરાસોલી ટ્રસ્ટનો કલૈગ્નાર પુરસ્કાર, સિર્પી સાહિત્યિક પુરસ્કાર તેમજ મેટ્રોપૉલિટન વૉશિંગ્ટન અને બાલ્ટીમોર ઇંકના તમિળ સંગમ દ્વારા તેમને ‘પુતુક્કવિકો’ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુત્તમિળ આઇવ મન્રમ્ ચેન્નાઈએ તેમને ‘નાલક્કવિકો’ની ડિગ્રી પ્રદાન કરી.

ઇરોડ તમિળનબન (એન. જગદીશન)

તેમણે કુલ 50 ગ્રંથો આપ્યા છે. તેમાં 29 કાવ્યસંગ્રહો, નવલકથા, વાર્તાસંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. ‘નેંજિન નિઝલ’ (1965) તેમની પ્રથમ નવલકથા છે. તેમની અન્ય મહત્ત્વની કૃતિઓમાં ‘તમિળનબન કવિતૈકળ’, ‘તોની વરુકિરતુ’, ‘તીવુકલ કરૈયેરુકિનરાના’, ‘કલાતિરકુ ઓરુ નાલ મુન્ધી’, ‘નમિરુક્કુમ નાડુ’, ‘કિઝક્કુ ચલારામ’ કાવ્યસંગ્રહો છે. ‘પનિ પેટયુમ પહલ’, ‘ઓરુ મષૈનાલિળ’ વાર્તાસંગ્રહ; ‘તાનિપ્પાડા તિવાતૂ ઓર ઐવૂ’ સંશોધન-ગ્રંથ વગેરે છે. તેમનાં કાવ્યો અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત કરવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃતિ કૃતિ ‘વણક્કમ વળ્ળુવા’માં સંગમયુગથી તમિળ સાહિત્યિક વારસાના સાતત્યને ધ્યાનમાં રાખીને તિરુક્કુરલની પ્રસ્તુતતાની કેટલીક નવી યુક્તિઓનું અન્વેષણ કરવામાં આવ્યું છે. પશ્ચિમનાં નવતર વલણો પ્રત્યે જાગ્રત રહીને આ તમિળ કાવ્યનો સંબંધ એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે. આ કાવ્યની શૈલી સરળ અને સમૃદ્ધ છે. આ કૃતિ તમિળમાં લખાયેલ ભારતીય કાવ્ય રૂપે એક નોંધપાત્ર અર્પણ છે.

બળદેવભાઈ કનીજિયા