તમિળનાડુનાં ઘરો

January, 2014

તમિળનાડુનાં ઘરો : દરેક પ્રાંતના લોકોની રહેણીકરણીની લાક્ષણિકતા ત્યાંનાં ઘરોમાં પ્રદર્શિત થાય છે. વસવાટ અને રહેઠાણનો અભ્યાસ દરેક સભ્યતાને સમજવાનો પાયો છે.

બીજા પ્રાંતના ઘરોથી અલગ પડતાં તમિળનાં ઘરો ત્યાંની રહેણીકરણીનો લાક્ષણિક ખ્યાલ આપે છે. ખાસ કરીને ઓછી પહોળાઈ અને વધારે લંબાઈ ધરાવતી જમીન પર ઘર બંધાય છે; ઘરનું આયોજન ત્રણ ભાગમાં કરેલું હોય છે. પ્રથમ ભાગ અંદરના ખુલ્લા ચોકની આજુબાજુનો; તે પુરુષો માટેનો ખંડ હોય છે. પછીનો જરા મોટા ચોકની આસપાસ હોય છે સ્ત્રીઓ માટેનો ખંડ.

છેલ્લે આવેલ ખુલ્લો ભાગ આગલા ભાગ સાથે એક નાની પગથીથી જોડાયેલો હોય છે. ઘરની અંદરના ભોંયતળિયાના ભાગો ખાસ કરીને દિવસ દરમિયાન રહેવા તથા ખાવાપીવા માટે અને ઉપરના ભાગો ખાસ કરીને સૂવા માટે વપરાય છે.

તમિળનાડુના ઘરનો એક પ્રકાર
ડાબે : ભોંયતળિયાનો નકશો : (1) ઓસરી, (2) પુરુષોનો વિભાગ, (3) સ્ત્રીઓ માટેનો ખંડ, (4) સીડી, (5) રસોડું, (6) કોઠાર, (7) બાગ, વાડી. (8) કૂવો, (9) સંડાસ વગેરે. જમણે : પહેલા માળનો નકશો.

રવીન્દ્ર વસાવડા