તમાકુ
વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે :
(1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને
(2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ ઉષ્ણથી સમશીતોષ્ણ આબોહવામાં ઉગાડાય છે. તે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં ખૂબ જ પ્રમાણમાં થાય છે.
બાહ્ય લક્ષણો અને જાતો : તમાકુની ‘રસ્ટિકા’ જાતિ મજબૂત, એકવર્ષાયુ અને 50–150 સેમી ઊંચી હોય છે અને પ્રકાંડ રોમિલ (pubescent) તથા જાડું હોય છે. તેની શાખાઓ પાતળી હોય છે. પર્ણો સાદાં, મોટાં, 30 સેમી. × 20 સેમી. સુધીનું કદ ધરાવતાં, સદંડી, જાડાં, ઘેરા લીલા રંગનાં, અસમ (uneven) સપાટીવાળાં સામાન્યત: અંડાકાર, ઉપવલયથી (elliptic) કે હૃદયાકાર અને તલસ્થ ભાગ અસમાન હોય છે. તેનો પુષ્પવિન્યાસ ટૂંકો સઘન અને દ્રાક્ષશાખી (thyrsoid) હોય છે. પુષ્પો લીલાશ પડતાં પીળાં અને 1.2–1.5 સેમી લાંબાં હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, ઉપવલયી અંડાકારથી માંડી ઉપગોળાકાર (subglobose), 7–16 મિમી. લાંબું હોય છે. બીજ 0.7–1.1 સેમી. લાંબાં મિખાંચોવાળાં ઘેરાં બદામી અને ટેબેકમ જાતિનાં બીજ કરતાં વધારે મોટાં તથા લગભગ ત્રણગણાં ભારે હોય છે.
રસ્ટિકા જાતિ મધ્યોદભિદ વનસ્પતિ છે. તે ચોક્કસ તાપમાન અને ભેજવાળા પર્યાવરણમાં થાય છે; જ્યારે ટેબેકમ જાતિ સહિષ્ણુ (tolerant) હોય છે. તે પ્રમાણમાં કઠોર (rigorous) પર્યાવરણ પણ સહન કરી શકે છે. રસ્ટિકાનું વાવેતર રશિયા, ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં થાય છે.
ભારતમાં રસ્ટિકા જાતિ વિલાયતી કે કલકત્તી તમાકુ તરીકે જાણીતી છે. તેને ઠંડી આબોહવા માફક આવતી હોઈ તે પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં ઉગાડવામાં આવે છે. તે ભારતમાં થતા તમાકુના કુલ વાવેતર પૈકી 10 % જેટલો વિસ્તાર રોકે છે.
રસ્ટિકાની જાતોમાં નિકોટીન દ્રવ્ય વધારે પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ હૂકામાં, ચર્વણ (chewing) અને છીંકણીમાં થાય છે. સિગારેટ, બીડી કે સિગાર માટે યોગ્ય નથી.

આકૃતિ 1 : Nicotiana rustica(હૂકાપ્રકાર)નો પુષ્પો સહિતનો છોડ
ટૅબેકમ જાતિનો છોડ મજબૂત, ચીકણો, એકવર્ષાયુ, 1–3મી. ઊંચો, જાડા અને ઉન્નત પ્રકાંડવાળો અને થોડીક શાખાઓ ધરાવે છે. પર્ણો સાદાં, અંડાકાર, ઉપવલયી કે ભાલાકાર, 100 સેમી. સુધીની કે તેથી વધારે લંબાઈવાળાં સામાન્યત: અદંડી (sessile) કે કેટલીક વાર પર્ણદંડ ધરાવે છે. પુષ્પવિન્યાસ લાંબા દંડલાળો (દંડ કેટલીક સંયુક્ત શાખાઓ ધરાવે છે.); જેના પર લઘુપુષ્પ-ગુચ્છ(pinacle)-સ્વરૂપે પુષ્પો ગોઠવાયેલાં હોય છે. પુષ્પો અડધાં લાલ કે ગુલાબી અથવા સફેદ રંગનાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, સાંકડું અંડાકાર કે ગોળાકાર અને 15-20 મિમી. લાંબું હોય છે. બીજ ગોળાકાર કે પહોળાં વલયાકાર, 0.5 મિમી. લાંબા ખાંચોવાળા અને બદામી રંગના હોય છે.

આકૃતિ 2 : Nicotiana tabacum – પુષ્પ સહિતના છોડ
ટૅબેકમ જાતિ રસ્ટિકા કરતાં ઘણી વધારે બહુસ્વરૂપી (polymorphic) છે અને તે અનેક જાતોનો વિશાળ સમૂહ ધરાવે છે. ભારતમાં તેની 69 કરતાં વધારે જાતો છે. તેમને બે સમૂહ હેઠળ વહેંચવામાં આવે છે. પ્રથમ સમૂહમાં સાત જાતો છે અને તેઓ પર્ણદંડ ધરાવે છે. બીજો સમૂહ અદંડી પર્ણો દ્વારા ઓળખી શકાય છે. બીજા સમૂહને પર્ણોના આકાર, છોડના સ્વરૂપ અને પુષ્પવિન્યાસના લક્ષણોના આધારે વર્ગો અને ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
ભારતમાં ટૅબેકમનું વાવેતર આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તમિળનાડુમાં થાય છે.
ભારતમાં Nicotiana tabacum અને N. rustica ઉપરાંત આ પ્રજાતિની બીજી બે જાતિઓ ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે : (i) N. alata Link & Otto syn. N. persica Lindl., N. affinis Hort. લગભગ 60 સેમી ઊંચો, ગ્રંથિમય રોમિલ છોડ છે અને અગ્રસ્થ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં આનંદદાયક સુગંધવાળાં સફેદ પુષ્પો ધરાવે છે. તેઓ સાંજે ખીલે છે અને સવારે બિડાઈ જાય છે. આ જાતિ બ્રાઝિલની મૂલનિવાસી છે. (1) N. plumbaginifolia Viv., દેશના ઘણા ભાગોમાં અપતૃણ (weed) તરીકે ઊગે છે. તે રોમિલ અને આશરે 60 સેમી. ઊંચો છોડ છે. ફેલાતાં મૂળપર્ણો (radical leaves) અને કુમળાં પર્ણોવાળું પ્રકાંડ ધરાવે છે. તે ખાસ કરીને રસ્તાની બંને બાજુ ભેજવાળી જમીનમાં થાય છે. તે મૅક્સિકો અને વેસ્ટ ઇન્ડિઝની મૂલનિવાસી છે.
રસ્ટિકા અને ટૅબેકમની વન્ય (wild) જાતો જોવા મળતી નથી. નિકોશિયાનાની બાકીની બધી જાતિઓ વન્ય છે. કેટલીક જાતિઓનું વિતરણ, મહત્વના આલ્કેલૉઇડો અને આર્થિક અગત્ય સારણી-1માં આપવામાં આવી છે.
સારણી 1 : Nicotianaની કેટલીક જાતિઓનું, એકગુણિત (haploid) રંગસૂત્રોની સંખ્યા, વિતરણ, આલ્કેલૉઇડો અને આર્થિક અગત્ય
જાતિનું નામ | રંગસૂત્રોની
એકગુણિત (haploid) સંખ્યા |
વિતરણ | મહત્વના
આલ્કેલૉઇડો |
આર્થિક અગત્ય |
N. glauca | 12 | આર્જેન્ટિના | એનાબેસિન
અને નિકોટીન |
ઢોરો, ઘોડા અને ઘેટાંઓ માટે ઝેરી, તમાકુની રોગ-અવરોધક
જાતોના સંવર્ધનમાં ઉપયોગી |
N. rustica | 24 | સંવર્ધિત (cultivated) | નિકોટીન | તમાકુના ઉત્પાદન માટે મહત્વની જાતિ |
N. tabacum | 24 | સંવર્ધિત | નિકોટીન અને
નૉરનિકોટીન |
તમાકુના ઉત્પાદન માટે મહત્વની જાતિ |
N. longiflora | 10 | આર્જેન્ટિના પેરેગ્વે,
ઉરુગ્વે, બ્રાઝિલ, બોલિવિયા |
– | શ્યામ વ્રણ (anthracnose), બ્લૅક ફાયર (Pseudomonas
syringae pv. tabaci), વાઇલ્ડ ફાયર (p. s. t.) અને કાળપગો (બ્લૅક શૅંક : phytophthara nicotianae var. micotianae) અવરોધક |
N. plumbaginifolia | 10 | દક્ષિણ અને મધ્ય
અમેરિકામાં વિસ્તૃત વિતરણ થયેલું છે. ભારતમાં તેનું પ્રાકૃતીકરણ થયું છે. |
નૉરનિકોટીન
અને નિકોટીન |
વાંકડિયા પર્ણના રોગ માટે અને કાળપગા માટે અવરોધક |
N. attenuate | 12 | મેક્સિકો, અમેરિકા,
દક્ષિણ કૅનેડા |
નિકોટીન | સંવર્ધિત અને અમેરિકન ઇન્ડિયન દ્વારા તમાકુ તરીકે
ઉપયોગ |
N. gossei | 18 | મધ્ય ઑસ્ટ્રેલિયા | નિકોટીન | શક્તિશાળી માદક ગણાય છે. સ્થાનિક લોકો ચર્વણ
(chawing) તરીકે અને ધૂમ્રપાનમાં ઉપયોગ કરે છે. ઢોરો અને મોલોમસી (aphids) માટે વિષાળુ |
N. megalosiphon | 20 | પૂર્વ ઑસ્ટ્રેલિયા | સૂત્રકૃમિઓ (nematodes) માટે અત્યંત અવરોધક | |
N. debneyi | 24 | ઑસ્ટ્રેલિયાનો પૂર્વીય દરિયા-
કિનારાનો પ્રદેશ અને ન્યૂ કેલેડોનિયાના ટાપુઓ |
એનાબેસિન
અને નિકોટીન |
શ્યામ વ્રણ અને મૂળના કાળા સડા માટે અત્યંત અવરોધક |
સારણી-2માં તમાકુના વ્યાપારિક વર્ગો અને ભારતમાં વવાતી તેમની મહત્વની જાતો દર્શાવવામાં આવી છે.
સારણી 2 : તમાકુના વ્યાપારિક વર્ગો અને ભારતમાં તેમની મહત્વની જાતોનું વાવેતર
વાવેતર : પોર્ચુગીઝો સત્તરમી સદીની શરૂઆતમાં તમાકુને ભારતમાં લાવ્યા હતા. ભારતમાં પહેલાં વ્યાપારિક હેતુઓ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેનું વાવેતર થતું હતું; પછી દેશના બીજા ભાગોમાં તેના વાવેતરનો ફેલાવો થયો હતો. હાલમાં ભારત તમાકુના ઉત્પાદન બાબતે સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે અને તેની નિકાસ બાબતે પાંચમા ક્રમે છે. ભારતના નિકાસ કરતાં વ્યાપારિક પાકોમાં તેનું છઠ્ઠું સ્થાન છે અને વ્યાપાર તથા વાર્ષિક આવકની ર્દષ્ટિએ ભારતની આર્થિકતા પર નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે.
ભારતમાં તમાકુનું વાવેતર કરતાં રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મૈસૂર, ચેન્નાઈ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ છે. તેઓ તમાકુના વાવેતરના કુલ વિસ્તારના 91.0 % વિસ્તાર રોકે છે. અને કુલ ઉત્પાદનના 93.0 % ઉત્પાદન આપે છે.
આબોહવા : તમાકુ ઉષ્ણ, ઉપોષ્ણ અને સમશીતોષ્ણ આબોહવામાં સારી રીતે થઈ શકે છે. પરિપક્વતા માટે તેને હિમરહિત 100 – 120 દિવસ અને સરેરાશ 27° સે. તાપમાન જરૂરી હોય છે. તે સમુદ્રતટના વિસ્તારોથી માંડી 900 મી.ની ઊંચાઈ સુધી વાવવામાં આવે છે. શુષ્કતાના સમયગાળા દરમિયાન 35° સે થી ઊંચું તાપમાન પર્ણ-દાહ (leafburn) માટે કારણભૂત બને છે; પરંતુ પિયત વિસ્તારોમાં તેની કેટલીક જાતો વધારે ઊંચા તાપમાને પણ ઉગાડાય છે. દક્ષિણ ભારતમાં આ પાકનો ઉછેર ઑક્ટોબરથી માર્ચ દરમિયાન અને દેશના પૂર્વીય અને પશ્ચિમી ભાગોમાં સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન કરવામાં આવે છે.
મૃદા (soil) : તમાકુ મૃદાના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે સંવેદી હોય છે. ખુલ્લી સારા જલનિકાસવાળી અને સારી વાયુમિશ્રિત (aerated) મૃદા સૌથી અનુકૂળ ગણાય છે. અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવ્યાં હોય તેવી હલકી મૃદામાં પાતળાં, પીળાં અને હલકાં પર્ણો ઉત્પન્ન થાય છે, જે પ્રમાણમાં ખૂબ ઓછી વાસવાળાં હોય છે; જ્યારે ભારે મૃદામાં જાડાં, ઘેરા રંગનાં, ભારે, વધારે ચીકણાં અને સ્પષ્ટ વાસવાળાં પર્ણો ઉત્પન્ન થાય છે. મૃદાનો pH 5.0 થી 6.0 ઇચ્છનીય છે; છતાં કેટલાક તમાકુના વિસ્તારોની મૃદાનો pH 8.0 કે તેથી વધારે હોય છે. તમાકુના વિવિધ પ્રકારોને અનુલક્ષીને ભારે કાળી માટીવાળી (કાળી કપાસ મૃદા), સારા જલનિકાસવાળી કાંપમય (alluvial) રેતાળ કે રેતાળ ગોરાડુ (loam) જમીન, લાલ રેતાળ ગોરાડુ અને કાંપવાળી ગોરાડુ જમીનમાં તમાકુનું વાવેતર થાય છે.
સિગારેટ તમાકુનું ભારતમાં શુષ્ક પાક તરીકે આંધ્રપ્રદેશની ભારે કાળી મૃદામાં થાય છે. આ મૃદામાં જલધારણક્ષમતા વધારે હોય છે. યુ.એસ.એ. કે દક્ષિણ રોડેશિયાની તુલનામાં ઉત્પાદન અને પાનની ગુણવત્તા નીચી હોય છે. મૈસૂરની હલકી મૃદામાં થતા તમાકુના વાવેતરથી ઉત્પન્ન થતી તમાકુ સારી ગુણવત્તા ધરાવે છે.
પ્રજનન : તમાકુમાં પ્રજનન બીજ દ્વારા થાય છે. પાકની ગુણવત્તા અને એક સમાનતાનો આધાર બીજની શુદ્ધતા પર રહેલો છે. જૈવ-પ્રરૂપો (biotypes) અને બાહ્યપ્રરૂપો (offtypes – પ્રરૂપ બહારની જાત)ની હાજરી કૃષિની વિધિ, પરિપક્વતા, જીવાત અને રોગોમાં પાકનો અવરોધ અને લણણી કરાયેલ પર્ણની સંસાધન(caring) વર્તણૂક પર વિક્ષોભિત (disturbing) અસર કરે છે. બીજનું સંદૂષણ બાહ્યપ્રરૂપોનાં બીજના આકસ્મિક મિશ્રણ દ્વારા અથવા ખેતરમાં કુદરતી પરપરાગનયન (cross-pollination) દ્વારા થાય છે. એક જ બાહ્યપ્રરૂપનું બીજધારી વનસ્પતિઓમાં થતા મિશ્રણથી પાકમાં સારા એવા પ્રમાણમાં અશુદ્ધિ ઉત્પન્ન થાય છે.
તમાકુમાં કુદરતી પરપરાગનયનનું પ્રમાણ 4–20 % જેટલું હોય છે. બીજા પ્રકારો સાથેનું બહિર્સંકરણ (outcrossing) અનિચ્છનીય ગણાય છે. કુદરતી પરપરાગનયનને કારણે સંકરતા (hybridity)ની કક્ષા સૌથી સારી રીતે જળવાય છે. સતત સ્વફલન (selfing) દ્વારા શુદ્ધ બીજનું અતિ-ઉત્પાદન ભલામણને યોગ્ય નથી, કારણ કે આવી અતિ-શુદ્ધતાને લીધે ‘જનીનીય ક્ષરણ’ (geneticerosion) દ્વારા કેટલાંક અશ્યમાન ગુણવત્તાવાળાં લક્ષણોનો નાશ થાય છે. વળી તે કેટલાક પ્રમાણમાં ગુણહાસ (deterioration) અને અનુકૂલનશીલતા (adaptability)ના અભાવના વારસા માટે જવાબદાર બની શકે છે. પ્રમાણમાં અતિ-સમયુગ્મિતા (homozygosity) અને ઉત્પાદન તથા ગુણવત્તાનાં પરિબળોમાં સ્થાયિત્વ જણાય ત્યારે વિપુલ પ્રજનન (bulkbreeding) અને જાળવણીનો આધાર લેવો આવશ્યક છે.
સારી ગુણવત્તાવાળાં બીજ દ્વારા લગભગ 90 % જેટલું અંકુરણ મળે છે. તેનું ઇષ્ટતમ તાપમાન 24-30o સે. જેટલું હોય છે.
રોપણી : તમાકુના રોપ ધરુવાડિયામાં ઉછેરવામાં આવે છે. ધરુવાડિયું સપાટ કે 5.0–7.5 સેમી. જમીનના સમતલથી ઉપસેલું હોય છે, જેથી પાણીનો ભરાવો અટકાવી શકાય. અપતૃણના બીજનો અને મૃદા દ્વારા ફેલાતા રોગો તથા જીવાતનો નાશ કરવા કયારીની મૃદાને રોગાણુહીન (sterilized) કરવામાં આવે છે. સપાટી પરના કચરાને બાળી નાખી ફૂગનાશકોનો છંટકાવ કરવામાં આવે છે. ખાતર આપતાં પહેલાં કાર્બનિક દ્રવ્યો બાળવામાં આવે છે. આ ક્રિયાને ‘રૅબિંગ’ (rabbing) કહે છે. તેથી મૃદાનાં બંધારણ અને ફળદ્રૂપતામાં સુધારણા થાય છે.
તમાકુના બીજમાં સંચિત ખોરાક ઘણો ઓછો હોય છે ધરુવાડિયાને સારી રીતે ખાતર આપવું જરૂરી છે. ફાર્મયાર્ડ ખાતર 25–125 ટન/હે. અને મગફળી કે એરંડીનું જૈવખાતર પણ 45–130 કિગ્રા. N/હે. ના દરે આપવામાં આવે છે. બીજ અત્યંત નાનાં (12,500–14,500 બીજ/ગ્રા.) હોય છે. તેમની યોગ્ય પ્રમાણમાં રોપણી થાય તે માટે ખાતર, મૃદા કે રેતી સાથે મિશ્ર કરવામાં આવે છે; અથવા બીજને પાણીમાં હલાવી ક્યારીમાં છંટકાવ કરવામાં આવે છે. કીડીઓ તમાકુના બીજને તાણી ન જાય તે માટે કેટલીક વાર તેમને કેરોસીન સાથે ઘસવામાં આવે છે.
વાવણીની ઋતુ અને તમાકુની જાત પર આધાર રાખીને મોટા ભાગના પ્રદેશોમાં તેનો વાવણીનો સમય જુલાઈના પ્રથમ અઠવાડિયાથી સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીનો છે. બીજને વાવણી પહેલાં 10 દિવસ સુધી નીચા તાપમાને (10-12o સે.) રાખવામાં આવે છે. પછી જમીનના 31-41o સે. જેટલા ઊંચા તાપમાને વાવવામાં આવે છે. રેફ્રિજરેટરમાં બહાર કાઢ્યા પછી 2-3 કલાકમાં તેની વાવણી થઈ જવી જરૂરી છે. પૂર્વચિકિત્સિત (pretreated) બીજ દ્વારા અંકુરણ વહેલું, એકસરખું અને મોટી સંખ્યામાં રોપ પ્રાપ્ત થાય છે. ધરુવાડિયામાં વાવણીનો ઇષ્ટતમ દર 2.75-3.5 કિગ્રા./હે.નો છે. લગભગ 25-40 ચોમી.ના ધરુવાડિયા દ્વારા 0.5-1.0 હે. જમીનમાં વાવી શકાય તેટલા રોપ ઉત્પન્ન થાય છે.
ખાતર : ખાતરની જરૂરિયાત મૃદામાં પોષક તત્વોની સ્થિતિ અને સિંચાઈની સુવિધાની સુલભતા પર આધારિત છે. સામાન્ય રીતે વર્જિનિયા તમાકુ માટે પ્રતિ હૅક્ટર 17-22 કિગ્રા. નાઇટ્રોજન, 67-90 કિગ્રા. ફૉસ્ફોરિક ઍસિડ અને 67-90 કિગ્રા. પોટાશ જરૂરી હોય છે. તમાકુની અન્ય જાતો માટે 45-57 કિગ્રા. નાઇટ્રોજન, 35-45 કિગ્રા. ફૉસ્ફોરિક ઍસિડ અને 35-45 કિગ્રા પોટાશ મ્યુરીએટ ટાળવામાં આવે છે. ઍમોનિયમ ક્લોરાઇડ અને પોટાશ પ્રતિ હેકટરે આપવામાં આવે છે. કારણ કે તેમની તમાકુની દહનની ક્રિયા પર અનિચ્છનીય અસર પડે છે. રોપની વાવણી પૂર્વે ખાતર પૂર્ણ માત્રામાં આપવામાં આવે છે.
પ્રતિરોપણ (transplantation) : તમાકુના રોપોનું પ્રતિરોપણ હાથ દ્વારા કરવામાં આવે છે. તેની વાવણી વરસાદી દિવસે કે ખેતરમાં પિયત આપ્યા પછી કરવામાં આવે છે. પિયતવાળી જમીનમાં પાળારોપણ (ridge-planting) ઇચ્છનીય છે; કારણ કે તેથી પાણીનો વ્યય ઓછો થાય છે અને જમીનમાં વાયુમિશ્રણ (aeration) જળવાય છે. શુષ્ક અને રેતાળ વિસ્તારોમાં સપાટ ક્યારીઓમાં વાવણી વધારે સારી ગણાય છે.
રોપાઓ વચ્ચેનું અંતર તમાકુની જાત અને મૃદાના પ્રકાર પર આધાર રાખે છે. સિગારેટ તમાકુ અને પહોળા પાનવાળી ચાવવાની તમાકુ માટે પ્રતિ હેક્ટર રોપની સંખ્યા 12,500 અને હૂકાની તમાકુ માટે એક લાખ રોપાની જરૂર પડે છે. ચાવવાની તથા સિગાર હૂકાની તમાકુ માટે છોડ વચ્ચેનું અંતર વધારે રાખવાથી પાનનાં કદ અને જાડાઈમાં તથા લીલા વજન અને સંસાધિત પાનના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. મોડું પ્રતિરોપણ થતું હોય ત્યારે સામાન્ય રીતે ગાઢ વાવેતર ઇચ્છનીય છે. સિગારેટ તમાકુ, બીડી તમાકુ, સિગાર અને ચાવવાની તમાકુ માટે બે રોપા વચ્ચે 75 થી 100 સેમી. અંતર અને હૂકા તમાકુ માટે 15 × 30 સેમીથી માંડી 23 × 37 સેમી અંતર રાખવામાં આવે છે. રસ્ટિકાની જાતો માટે મધ્યમ અંતર 50 × 60 સેમી. રાખવામાં આવે છે.
પાકનું અંત:સંવર્ધન (interculture) સામાન્યત: 3થી 4 વાર લગભગ પખવાડિયાના ગાળામાં કરવામાં આવે છે; પરંતુ જ્યાં જમીનમાં પાણીનું સ્તર ઊંચું હોય ત્યાં પહેલા મહિને 3-4 દિવસનાં અંતરે અને પછી અઠવાડિયાના ગાળામાં અંત:સંવર્ધન કરવામાં આવે છે. તેથી જમીનમાં રહેલો વધારાનો ભેજ દૂર થાય છે અને સારું વાયુમિશ્રણ થાય છે. બધાં જ અંત:સંવર્ધનો 2થી 2.5 માસમાં પૂરાં કરવામાં આવે છે; કારણ કે તે પછી વિકસેલા છોડનાં મૂળ અને પાનને નુકસાન થવાની સંભાવના રહે છે.
તમાકુના રોગો : તમાકુના પાકને ફૂગજીવાણુ, વિષાણુ અને કૃમિ જેવા પરોપજીવી સૂક્ષ્મજીવોથી રોગો થાય છે; જે તમાકુનાં ઉત્પાદન અને ગુણવત્તા પર ખૂબ જ માઠી અસર કરે છે. તેને લીધે કેટલીક વાર 50થી 60 % જેટલું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. તમાકુમાં ઘણા રોગો જોવા મળે છે; પરંતુ નીચે જણાવેલ રોગો દર વર્ષે વધતા-ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે :
1. ધરુનો કોહવારો (damping off) : આ રોગ ધરુવાડિયામાં નુકસાન કરે છે, જે એક પ્રકારની જમીનજન્ય ફૂગ (Pythium aphanidermatum અને debaryanumથી થાય છે. ફૂગને અનુકૂળ સંજોગો મળતાં આખું ધરુવાડિયું સાફ થઈ જાય છે અને પરિણામે ખેડૂતોને રોપણીના સમયે પૂરતા પ્રમાણમાં તંદુરસ્ત છોડ મળી શકતા નથી.
રોગની શરૂઆત થતા છોડ પાણીપોચા આછા લીલા રંગના દેખાય છે. જેમ જેમ ઉપદ્રવ વધે છે તેમ તેમ ધરુના થડનો ભાગ કોહવાઈ જતાં છોડ નમી પડે છે અને છેવટે આખો છોડ કોહવાઈ જઈ નાશ પામે છે. આવા રોગિષ્ઠ છોડની પાસેના છોડને પણ ચેપ લાગે છે અને તે પણ કોહવાવા માંડે છે. અનુકૂળ વાતાવરણ મળતાં આ રોગ ઝડપથી ચારેય દિશામાં કૂંડાળાના રૂપમાં ફેલાય છે. આ કૂંડાળું દિવસે દિવસે મોટું થતું જાય છે.
આકાશ વાદળછાયું હોય, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને પાણી ભરાઈ રહે તેવી જગ્યા હોય તો આ રોગની તીવ્રતા વધુ પ્રમાણમાં જણાય છે.
નિયંત્રણ : (1) ધરુવાડિયું હંમેશાં સારી નિતારવાળી ઊંચી જગ્યાએ કરવાથી વરસાદના વધારાના પાણીનો સહેલાઈથી નિકાલ થઈ શકે છે. (2) ધરુવાડિયું ઉછેરતાં પહેલાં જમીન ઉપર જડિયા, ઘાસ, પાન વગેરે બાળવાથી ઉપરના ભાગમાં રહેલ રોગપ્રેરક ફૂગનો નાશ કરી શકાય છે. (3) એક હેક્ટર વિસ્તારમાં ધરુવાડિયા માટે ચાર કિલોથી વધારે બી વાવવું નહિ. (4) રોગનાં ચિહનો દેખાય કે તુરત જ 6:3:100ના પ્રમાણમાં બોર્ડો મિશ્રણ પ્રત્યેક ચોરસ મીટર ક્યારાદીઠ 3 લિટર પ્રમાણે અપાય છે. ફરીથી જરૂર જણાય તો પ્રથમ કોહવાયેલું ધરુ વીણી લઈ અને પછી ઉપર પ્રમાણે મિશ્રણ બનાવી અપાય છે. (5) (અ) રીડોમીલ 25 % વેર્ટબલ પાઉડર દવા 2 કિલો પ્રતિ હેક્ટરે એટલે કે 10 ગ્રામ દવા 100 લિટર પાણીમાં ઓગાળી પ્રતિ ચોરસ મીટરની ક્યારીદીઠ 3 લિટર છંટાય છે. (આ) એમ-9834 25 % વે.પા. દવા પ્રતિ હેક્ટરે 2 કિલો પ્રમાણે પાણીમાં ઓગાળી ઉપર પ્રમાણે છંટકાવ કરાય છે.
2. બદામી ટપકાંનો રોગ (લાલ અને સફેદ ચાંચડી) : ખાસ કરીને સફેદ ટપકાંનો રોગ કાળપગાના રોગની માફક બીડી-તમાકુમાં ઘણો જ ઓછો જોવા મળે છે, પણ સિગારેટતમાકુમાં આ રોગના ઉપદ્રવથી પુષ્કળ નુકસાન થાય છે. તમાકુના ઉત્પાદનમાં ગુણવત્તાની ર્દષ્ટિએ ઘટાડો થાય છે. આ રીતે ખેડૂતોને આર્થિક રીતે સારું એવું નુકસાન થાય છે. લાલ ટપકાં તેમજ સફેદ ટપકાંનો રોગ અનુક્રમે Alternaria alternata અને Cercospora nicotianae નામની ફૂગથી થાય છે. સફેદ ટપકાંનો રોગ ધરુવાડિયામાં વિશેષ જોવા મળે છે. જ્યારે લાલ ટપકાંનો રોગ ધરુવાડિયામાં ભાગ્યે જ જોવા મળે છે.
લાલ ચાંચડીના રોગમાં શરૂઆતમાં પાન પર નાનાં લાલાશ પડતા રંગનાં ટપકાં થાય છે. રોગનો ઉપદ્રવ વધતાં આ ટપકાં મોટાં થતાં જાય છે અને તેમાં ગોળ-ગોળ કૂંડાળાં દેખાય છે. આવાં ટપકાંવાળા પાનનો ભાગ એકદમ પાતળો પડી ગયેલ જણાય છે. આ પ્રમાણે પાન પર અસંખ્ય ટપકાં થવાથી આખું પાન ખરાબ થઈ જાય છે. આ રોગથી તમાકુનો ભૂકો રતાશ પકડે છે જેથી પાકેલો માલ હલકી કક્ષાનો ગણાય છે.
સફેદ ચાંચડીના રોગમાં પાન ઉપર દેડકાની આંખ જેવાં સફેદ ટપકાં જોવા મળે છે. આવાં ટપકાંમાં ખાસ કરીને ગોળ ગોળ કૂંડાળાં જોવા મળતાં નથી. આ પ્રકારનાં ટપકાંમાં પણ પાન પાતળું પડી ગયેલું જણાય છે. આમ, પાન પર અસંખ્ય ટપકાં થવાથી પાન ચીમળાઈ જઈ સુકાઈ જાય છે. આવાં પાનમાંથી છેવટે તૈયાર થયેલો માલ ગુણવત્તાની ર્દષ્ટિએ ઊતરતી કક્ષાનો ગણાય છે.
અનુકૂળ હવામાં ભેજનું અને ગરમીનું પ્રમાણ વધવાથી આ રોગ દેખાય છે. આવા સમયે પાણી ખેંચાય તેટલું ખેંચાવા દેવાય છે. પાણી આપવાથી રોગનું પ્રમાણ વધે છે. ફૂગ જમીનમાં રોગિષ્ઠ પાન પર રહે છે. એક છોડને રોગ લાગ્યા પછી તેનો પવનથી ફેલાવો થાય છે, જેથી રોગનો ઉપદ્રવ વધે છે. ઝાડના છાંયાવાળી જગ્યાએ પણ આ રોગનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
નિયંત્રણ : (1) કાર્બનડાઝીમ 50 % વે.પા. ફૂગનાશક દવા પ્રતિ હેક્ટરે 250 ગ્રામ 500થી 750 લિટર પાણીમાં ઓગાળી ખેતરમાં રોગ દેખાય કે તુરત જ છાંટવામાં આવે છે. ત્યારબાદ જરૂર જણાય તો આ દવા 10 દિવસના અંતરે બેથી ત્રણ વખત છંટાય છે. બીજી ફૂગનાશક દવાઓ જેવી કે ડાયથેન એમ-45 અથવા ડાયથેન ઝેડ-78 પ્રતિ હેક્ટરે 2.5 કિલો દવા 500થી 750 લિટર પાણીમાં ઓગાળી છાંટવાથી રોગ અટકાવવામાં મદદરૂપ થાય છે. (2) રોગની શરૂઆત થાય ત્યારે શક્ય હોય તેટલું પાણી ખેંચવું વધારે હિતાવહ ગણાય છે. (3) રોગિષ્ઠ છોડને ખોદી કાઢી નાશ કરાય છે. (4) ઓતરાચીતરા વખતે જમીનનું તાપમાન ઘટાડવાથી રોગનું પ્રમાણ કાબૂમાં રાખી શકાય છે. તે સમય દરમિયાન તમાકુને એકાદ બે વખત આછું પાણી આપવાથી તે રોગ આગળ વધતો નથી. (5) જે ખેતરમાં કૃમિનો ઉપદ્રવ વધુ હોય તેવા ખેતરમાં કૃમિનાશક દવાનો ઉપયોગ કરાય છે.
3. કાળપગો (black shark) : આ રોગ ધરુવાડિયામાં તેમજ ખેતરમાં રોપાયેલ તમાકુમાં જોવા મળે છે. તે પણ જમીનજન્ય ફૂગ(phytophthora parasitica)થી થાય છે.
રોગ લાગેલાં છોડનાં પાન પીળાં પડી ચીમળાઈ ગયેલાં જોવા મળે છે. રોગિષ્ઠ છોડનાં પાન વહેલી બપોરે લબડી પડેલાં જણાય છે. રોગિષ્ઠ છોડને સાવચેતીથી ઉપાડી જોતાં થડનો જમીન સાથેનો ભાગ કાળો પડી ગયેલો દેખાય છે. આવા કાળા પડેલા ભાગને ચીરતાં મધ્યભાગ સુધીના વનસ્પતિ કોષો કાળા પડી ખવાઈ ગયેલા જોવા મળે છે. આવો કાળો પડેલો થડનો ભાગ સમય જતાં છોડની ટોચ તરફ આગળ વધે છે અને છેવટે આખા છોડનો નાશ કરે છે.
ખેતરના નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ રહેતું હોય, જમીનમાંનો ભેજ અને જમીનનું તાપમાન સામાન્ય રીતે 25–30° સે. આસપાસ હોય તો આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. ખાસ કરીને તમાકુ રોપ્યા પછી વરસાદ વધુ પડે અને પછી કેટલાક દિવસ ઉઘાડ નીકળી તાપમાન વધે તો આ રોગની તીવ્રતા વધે છે.
નિયંત્રણ : (1) રોગની શરૂઆત થાય ત્યારે ખેતરમાં આડીઊભી કરબડી કાઢી તેમજ શક્ય હોય તેટલું પાણી ખેંચી જમીનમાંનો ભેજ ઓછો કરવો પડે છે. (2) રોગવાળા છોડ કાઢી નાંખી નાશ કરાય છે. (3) કૃમિના ઉપદ્રવવાળા ખેતરમાં કૃમિનાશક દવાનો ઉપયોગ થાય છે. (4) રોગપ્રતિકારક જાતોની રોપણી કરે છે.
4. પંચરંગિયો (mosaic) : આ એક વિષાણુજન્ય રોગ છે. આ રોગ બીડીતમાકુમાં ઓછા અંશે જોવા મળે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તરોત્તર તેનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. સિગારેટતમાકુમાં આ રોગ વધુ નુકસાન કરે છે. રોગવાળાં સિગારેટતમાકુનાં પાન ભઠ્ઠામાં પકાવવા માટે નકામાં ગણાય છે. રોગને લીધે ઉત્પાદનમાં ઘટાડો થાય છે તેટલું જ નહિ, ફૂટ હલકી પડી જાય છે. રોગિષ્ઠ તમાકુનો દળ ખેતરમાં નાંખવાથી પણ રોગ આવે છે.
રોગિષ્ઠ છોડનાં પાન ઝાંખાં પડી જાય છે અને પાન પર આછા અને ઘેરા લીલા રંગના ચટાપટા અથવા ડાઘા દેખાય છે. રોગવાળું પાન સૂર્યના પ્રકાશમાં જોવાથી લીલા પાનમાં પીળાં ધાબાં પડેલાં જણાય છે. લીલો ભાગ આડો ઊપસેલો અને પીળો ભાગ આરપાર જોઈ શકાય તેવો પાતળો થઈ ગયેલો દેખાય છે. નવા નીકળતા પીલામાં આ રોગનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. રોગિષ્ઠ પાન વજનમાં હલકાં તેમજ ગુણવત્તામાં ઊતરતી કક્ષાનાં હોય છે.
નિયંત્રણ : (1) રાસાયણિક દવાઓથી આ રોગ અટકાવી શકાતો નથી. (2) રોગવાળા ધરુનો કે છોડનો તરત જ ઉખાડીને નાશ કરવો પડે છે. (3) આ રોગનો ફેલાવો ચેપ લાગવાથી થતો હોવાથી પીલાં કાઢતી વખતે રોગવાળા છોડને બને ત્યાં સુધી આવતો નથી. આંતરખેડ કરતી વખતે આંતરખેડનાં ઓજારોની ખાસ કાળજી રાખવી પડે છે. (4) પાક પૂરો થયા બાદ પીલાં ખેતરમાં રહેવા દેવાતાં નથી. (5) તમાકુના દળનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી.
5. કલકત્તી (રસ્ટિકા) તમાકુનો પંચરંગિયો : આ રોગ એક પ્રકારના વિષાણુ (રસ્ટિકા ટી.એમ.વી)થી થાય છે. આ રોગપ્રેરક વિષાણુ અને બીડીતમાકુમાં પંચરંગિયો રોગ કરતાં વિષાણુ (ટી. એમ. વી.) બેને જુદા પ્રકારના વિષાણુ હોય છે. કલકત્તી તમાકુમાં પંચરંગિયો રોગ સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચમાં એટલે કે તમાકુ રોપ્યા પછી 75થી 80 દિવસે જોવા મળે છે. કલકત્તી તમાકુના પંચરંગિયા રોગનો ફેલાવો બે રીતે થાય છે : (1) ચેપ લાગવાથી અને (2) મોલો નામની જીવાતથી. મોલોની વૃદ્ધિ માટેના અનુકૂળ સંજોગો રોગની તીવ્રતા માટે પણ અગત્યના બને છે. આ રોગ ચેપી હોવાથી રોગવાળા છોડનાં પીલાં કાઢવાથી આ ઉપદ્રવ ઓછો થાય છે.
બીડીતમાકુના પંચરંગિયાની જેમ રોગિષ્ઠ પાન રંગે ઝાંખાં પડી જાય છે અને પાન પર આછા અને ઘેરા લીલા રંગના ડાઘા દેખાય છે. રોગવાળું પાન સૂર્યના પ્રકાશમાં જોવાથી લીલા પાનમાં આછાં પીળાં ધાબાં જણાય છે. લીલો ભાગ ઊપસેલો અને પીળો ભાગ પાતળો થઈ ગયેલો દેખાય છે. રોગિષ્ઠ છોડ ઊંચાઈમાં ઠીંગણા રહે છે અને પાનનું કદ ઘટી જાય છે. આવાં પાન વજનમાં હલકાં અને ગુણવત્તામાં ઊતરતી કક્ષાનાં હોય છે. કલકત્તી તમાકુમાં પંચરંગિયા રોગથી પુષ્પગુચ્છ મોડો નીકળે છે અને રોગિષ્ઠ છોડમાં બીજનું પ્રમાણ ઘટી જાય છે.
નિયંત્રણ : (1) રોગવાળા ધરુ કે ખેતરમાં રોગવાળા છોડ દેખાય તો તુરત જ તેને ઉખાડી નાશ કરવામાં આવે છે. (2) શોષક પ્રકારની દવાઓ જેવી કે રોગર 30 % ઈ. સી., ઈ. સી. 0.1 % મેટાસીસ્ટોથી, 25 % ઈ.સી., 0.1 %, ડેમેક્રોન 100 % ઈ.સી. 075 % પ્રમાણમાં છાંટવાથી મોલોનો ઉપદ્રવ થતો નથી. (3) આ રોગનો ફેલાવો ચેપ લાગવાથી થતો હોવાથી પીલાં કાઢતી વખતે રોગવાળા છોડથી બને ત્યાં સુધી દૂર રહેવું પડે છે.
6. કોકડવો (leaf curl) : આ રોગ પણ એક પ્રકારના વિષાણુથી થાય છે. બીડી, સિગારેટ તથા કલકત્તી (રસ્ટિકા) તમાકુના પાકમાં આ રોગ બહુ જ નુકસાન કરતો જોવા મળ્યો છે. તેનો ફેલાવો સફેદ માખી કરે છે. આ માખીની વૃદ્ધિ માટેના અનુકૂળ સંજોગો રોગની તીવ્રતા માટે પણ અગત્યના બને છે. આ માખીને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે. ઉપરાંત છાંયાવાળી જગ્યાએ રોગનું પ્રમાણ વધુ રહે છે. પાછોતર તમાકુમાં આ રોગ વધુ થવાની શક્યતા હોય છે.
આ રોગ લાગેલા છોડનાં પાન કોકડાઈ જાય છે, જેના લીધે પાન નાનાં, ટૂંકાં, ખરબચડાં અને જાડાં બની જાય છે. પાનની નસો પણ જાડી અને વાંકી-ચૂકી થઈ કોકડાઈ જાય છે. છોડની ટોચનાં પાન પર આ રોગ વધુ જોવા મળે છે. આ રોગ પારખવાનું મુખ્ય લક્ષણ રોગવાળાં પાનની નીચેની બાજુએ કાનપટ્ટી આકારની વૃદ્ધિ થાય છે.
નિયંત્રણ : (1) રોગવાળા ધરુનો કે રોગવાળા છોડને ઉખાડી તેનો નાશ કરવામાં આવે છે. (2) આ રોગનો ફેલાવો સફેદ માખી નામની જીવાતથી થતો હોવાથી કીટનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.
7. વાકુંબા : આ એક સંપૂર્ણ મૂળ પરોપજીવી વનસ્પતિ છે કે જેને ડાળ, પાન અને મૂળ હોતાં નથી; પણ થડ, ફૂલ અને બીજ થાય છે. આ વનસ્પતિ વાકુંબા, આંજિયા, આગિયા, મકરવા વગેરે નામથી ઓળખાય છે. વાકુંબાની જુદી જુદી 90 જાતો થાય છે, પણ તે પૈકી મુખ્યત્વે ભારતમાં બે જાતો Orobanche agyptiaca અને cernuaથી પુષ્કળ નુકસાન થાય છે. આ વનસ્પતિનાં બીજ કાળા રંગનાં ઘણાં જ સૂક્ષ્મ હોય છે. એક છોડ ઉપર અસંખ્ય બીજ થાય છે.
વાકુંબાનાં બીજ જમીનમાં લગભગ 20 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. આવાં બીજ યજમાન છોડના મૂળના સંસર્ગમાં આવતાં ઊગે છે. અને પોતાનાં તંતુ મૂળ યજમાન છોડના મૂળમાં ઘુસાડી પોતાની વૃદ્ધિ માટે ખોરાક ચૂસે છે. સામાન્ય રીતે વાકુંબા છોડના મૂળના ઘેરાવામાં જોવા મળે છે. વાકુંબાના છોડની ઊંચાઈ 25થી 40 સેમી. જેટલી હોય છે. વાકુંબા છૂટાછવાયા અથવા તો ગુચ્છમાં પણ ઊગે છે. સામાન્ય રીતે વાકુંબાના છોડ નીચેથી જાડા અને ઉપર જતાં પાતળા થાય છે. ઘણા વાકુંબા એક છોડ પર લાગે છે ત્યારે છોડ ચીમળાઈ જઈ લબડી પડેલો દેખાય છે. શરૂઆતમાં કુમળા છોડને વાકુંબા લાગ્યા હોય તો યજમાન છોડ વૃદ્ધિ કરી શકતો નથી અને ધીરે ધીરે તેનો નાશ થાય છે.
જમીનમાં વધુ ભેજ અને યોગ્ય ઠંડી મળતાં ઉપદ્રવ વધે છે. વાકુંબાના બીજનો ફેલાવો પવન, પાણી, ખાતર અને ખેડથી થાય છે.
નિયંત્રણ : (1) વાકુંબા ખેતરમાં દેખાય કે તુરત જ સંપૂર્ણ ખોદી કાઢી, બાળી નાંખી તેનો નાશ કરવો. આ રીતે 3થી 4 વર્ષ સુધી કરવામાં આવે તો તેનો ઉપદ્રવ ઘણો જ ઓછો થઈ શકે છે. (2) વાકુંબા ઉખાડી કોઈ પણ સંજોગોમાં ઢોર ન ખાય તે જોવું કેમ કે તેનાં બીજ ઢોરના છાણ મારફતે ઉકરડામાં જઈ પાછાં ખેતરમાં આવે છે. (3) ઉખાડેલ વાકુંબા ખેતરમાં પડી રહેવા દેવા નહિ, કારણ કે તેના થડમાં રહેલો ખોરાક બીજને પરિપક્વ કરવા માટે પૂરતો હોય છે જેથી આવાં બીજ જમીનમાં ભેળવાઈ બીજે વર્ષે ઉપદ્રવ વધારે છે. (4) રાસાયણિક દવાઓથી વાકુંબાને કાબૂમાં લાવી શકાય છે. પરંતુ આવી દવાઓની પાક ઉપર વિપરીત અસર થતી હોવાથી દવાઓનો ઉપયોગ ઘણી જ કાળજીથી કરવો પડે છે. (5) વાકુંબાનાં બીજ તમાકુની રોપણી પછી લગભગ છ અઠવાડિયે ઊગવાની શરૂઆત કરે છે. આ સમયે ખેતરમાં ભેજનું પ્રમાણ ઘટાડી બીજને ઊગવામાં અવરોધ ઊભો કરી શકાય છે. સપ્ટેમ્બરના પાછળના દિવસો તેમજ ઑકટોબર-નવેમ્બર માસ દરમિયાન પિયત કરવું હિતાવહ નથી. આડીઊભી ખેડ કરી ભેજ ઘટાડવામાં આવે છે.
આ ઉપરાંત બીડી તમાકુમાં શ્યામવ્રણ (anthracnose) અને પશ્ચક્ષય (die back) તથા કલકત્તી તમાકુમાં જાલાશ્મ (selerotium) કરમાવો (wilt), ફ્યુઝેરીયમ વિલ્ટ, Fusariumનો કરમાવો અને હોલોસ્ટોક નામના રોગો પણ કોઈક વાર જોવા મળે છે. ઉપરાંત મોસમી વરસાદ અથવા કમોસમી વરસાદનું માવઠું થાય અને ખેતરમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ રહે તો છોડ ઊગી ગયા હોય તેવું પણ લાગે છે.
8. સૂત્રકૃમિ : આકારે આ કૃમિ નળાકાર હોય છે. જ્યારે મોંનો ભાગ તેમજ પૂંછડીનો ભાગ ચપટો અને પાતળો હોય છે. કૃમિ ઘણાં જ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતાં નથી. સામાન્ય રીતે પાકને નુકસાન કરનાર કૃમિ સરેરાશ 1.0 મિમી. લાંબા અને 0.10 મિમી. કરતાં પણ પાતળા હોય છે. તમાકુના પાકને ગંઠવાકૃમિ, સ્ટન્ટકૃમિ, લીઝનકૃમિ અને રેનીફૉર્મકૃમિથી નુકસાન થાય છે. પાકને નુકસાન કરતાં કૃમિના મોંના ભાગમાં એક સોય જેવી અણીદાર ચૂસિકા હોય છે; જેના વડે તે વનસ્પતિના મૂળને નુકસાન કરે છે.
કૃમિના રોગવાળો છોડ રોગિષ્ઠ છે તેવું તો લાગે જ છે. સામાન્ય રીતે કૃમિ લાગેલ છોડ સંપૂર્ણપણે જલદી મરી જતો નથી, પરંતુ આવા છોડને થોડુંક વધુ ખાતર આપવાથી થોડા સમય પૂરતો સુધારો બતાવે છે. અને ફરી પાછો એની એ જ દશામાં આવી જાય છે.
કૃમિથી અસરગ્રસ્ત છોડ ઠીંગણો રહે છે. પાન પીળાં પડે છે અને કેટલીક વખત પાન જાડાં થઈ જાય છે. છોડની આગળ વૃદ્ધિ થતી અટકી જાય છે. છોડને કોઈ તત્ત્વની ઊણપ હોય તેમ લાગે છે. વહેલી બપોર પછી રોગિષ્ઠ છોડ ચીમળાઈ ગયેલો દેખાય છે. આવા છોડને ખાતર-પાણી આપવાથી થોડો ફેર પડે છે. પણ લાંબા ગાળે તેની વૃદ્ધિ તંદુરસ્ત છોડ કરતાં ઘણી ઓછી રહે છે.
(1) જો ગંઠવાકૃમિની અસર હોય તો મૂળ ઉપર અસંખ્ય નાનીમોટી ગાંઠો જોવા મળશે અને મૂળ જેવો આકાર રહેશે નહિ. જો શરૂઆતથી જ આ કૃમિનો ઉપદ્રવ હોય તો છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ધીમે ધીમે છોડ સુકાઈ જાય છે. (2) મૂળ કાપી નાંખનાર કૃમિનો ઉપદ્રવ હોય તો તે મૂળ ગુચ્છામાં છેડેથી કપાઈ ગયેલાં જોવા મળે છે. એનો દેખાવ દાઢી જેવો હોય છે. (3) ચાંદાં પાડનાર કૃમિની અસરથી મૂળ પર કાળા ડાઘા અથવા ચાંદાં પડેલાં જોવા મળે છે. (4) રેનિફૉર્મકૃમિની અસરથી મૂળ પર કાળા ડાઘા પડેલા માલૂમ પડે છે. કૃમિની સંખ્યા વધારે હોય તો મૂળ બધાં સંપૂર્ણપણે કાળાં પડી જાય છે.
સારા નિતારવાળી હલકા પ્રકારની બેસર ગોરાડુ જમીન કૃમિને વધુ માફક આવે છે. જમીનમાં રહેલો ભેજ કૃમિની વૃદ્ધિ ઉપર સારી એવી અસર કરે છે. વધુ પડતો અગર તો એકદમ ઓછો ભેજ તેમજ સૂકી જમીન કૃમિને ફરવા માટે અવરોધક હોય છે. કૃમિને 25°થી 30° સે. તાપમાન વધુ અનુકૂળ આવે છે.
નિયંત્રણ (1) રોગિષ્ઠ ધરુ રોપવાં જોઈએ નહીં. 100 % ગાંઠોવાળાં ધરુ ખેતરમાં રોપવાથી ફક્ત 15 %થી 20 % ધરુ ખેતરમાં ચોંટે છે. ધરુમાં કૃમિની તીવ્રતા 40થી 60 % હોય તો 60થી 70 % ધરુ ચોંટે છે, પરંતુ બિલકુલ ગાંઠો વગરનું તંદુરસ્ત ધરુ રોપવાથી 97 % કરતાં પણ વધારે ધરુ ચોંટે છે. (2) તમાકુ પછી ઉનાળામાં ટ્રેક્ટરથી ઊંડી ખેડ કરવી પડે છે જેથી જમીન ઉપર-નીચે થવાથી સૂર્યના તાપમાં તપે છે અને તમાકુમાં કૃમિનો ઉપદ્રવ બીજા વર્ષે ઘટાડી શકાય છે. (3) તમાકુનો પાક લીધા પછી ઉનાળામાં બાજરી કે જુવારનો પાક કરવો જોઈએ નહિ. તેમ કરવાથી ત્યાર પછીના તમાકુના પાકમાં કૃમિનો ઉપદ્રવ વધે છે અને તેના ઉત્પાદન તેમજ તેની ગુણવત્તા પર પણ વિપરીત અસર થાય છે. (4) પાક લીધા પછી ખેતરને ખેડી નાંખી તંતુમૂળ સાથે જડિયાં વીણી બાળીને નાશ કરવો પડે છે; જેથી બીજા વર્ષે તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. (5) પાકની ફેરબદલી ન કરવી જોઈએ. બીજા વર્ષે સંકર-4 કપાસ કરી, ઉનાળુ પડતર રાખવું હિતાવહ છે. ત્રીજા વર્ષે તમાકુ લેવાથી તમાકુમાં ગંઠવા કૃમિનો ઉપદ્રવ ઓછો થઈ ઉત્પાદનમાં વધારો થાય છે. ઉપરાંત જમીનની ફળદ્રુપતા પણ વધે છે. (6) ટેમિક 10 જી., નેમાકુર-5 જી., કાર્બોફ્યુરાન-3 જી. વગેરે કૃમિનાશકોનો ઉપયોગ કરવાથી પણ કૃમિનું નિયંત્રણ અસરકારક રીતે કરી શકાય છે. (7) તમાકુનું ધરુવાડિયું કરતાં પહેલાં જમીન ઉપર કચરા-પૂંજાનો અથવા બીજો કોઈ પણ પ્રકારનો સૂકો નકામો ઘાસચારો પાથરી તેને બાળવાથી કૃમિનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
તમાકુની જીવાત : તમાકુનો પાક અનેક પ્રકારની જીવાતોનો ભોગ બને છે. આવી જીવાતો તમાકુને ધરુવાડિયામાં, રોપેલી તમાકુમાં અને સંગૃહીત અવસ્થામાં નુકસાન કરે છે. રૉવ બીટલ, નાની કાળી કંસારી, તમરી, ઢાલપક્ષ કીટક, ઘરમાખીના કીડા અને અળસિયાંની હાજરીથી માટીના નાના કણના ઉચેરાથી ઊગતા નાના છોડ ઢંકાઈ જતાં નાશ પામે છે. તમાકુનાં પાન ખાનારી ઇયળ, ગાંઠિયા ઇયળ અને કાતરાનો ઉપદ્રવ ધરુવાડિયામાં તેમજ રોપેલી તમાકુમાં પણ જોવા મળે છે; જ્યારે ઘોડિયા ઇયળ, લીલી ઇયળ, તમાકુનાં થડ કાપી ખાનાર ઇયળ, તીતીઘોડો, સફેદ માખી, મોલો અને તમાકુનાં ચૂસિયાંનો ઉપદ્રવ પણ રોપેલ તમાકુમાં જોવા મળે છે. સંગ્રહેલી તમાકુમાં સિગારેટ બીટલથી મુખ્ય નુકસાન જોવા મળે છે. પરંતુ સંગ્રહ દરમિયાન તમાકુની ફૂદી, રાતાં સરસરિયાં અને સીડ બીટલનો પણ ઉપદ્રવ જોવા મળે છે.
એકના એક ખેતરમાં તમાકુનું વાવેતર વારંવાર કરવાથી જીવાતને સતત ખોરાક મળી રહે છે અને ઉપદ્રવ વધે છે. તેને ટાળવા તમાકુ પછી તરત જ બાજરીનું વાવેતર કરવાથી આ ઉપદ્રવ ટાળી શકાય છે. ‘પિંજર પાક’થી પણ તમાકુને જીવાતથી બચાવી શકાય. તમાકુનાં પાન ખાનારી ઇયળ સ્પોડોપ્ટેરાથી બચાવવા પિંજરાની જેમ ધરુવાડિયાની આસપાસ દિવેલાના છોડવા ઉગાડવામાં આવે છે. આ કીટકના પસંદગીના યજમાન દિવેલા હોવાથી, તે દિવેલાનાં પાન પર જથ્થામાં ઈંડાં મૂકે છે. આ રીતે મૂકેલાં ઈંડાંના સમૂહને કે નાની ઇયળોના સમૂહને પાન સહિત તોડીને તેમનો નાશ કરી શકાય છે. આમ કરવાથી કીટનાશક દવાનો વપરાશ ઘટાડી શકાય છે.
રાસાયણિક બંધારણ : તમાકુના રાસાયણિક બંધારણ પર જનીનીય અને પર્યાવરણીય પરિબળોની ખૂબ અસર હોય છે. તાજા પર્ણમાં પાણીનું પ્રમાણ 80–90 % જેટલું અને શુષ્ક પર્ણમાં 10–15 % જેટલુ હોય છે. શુષ્ક પર્ણમાં કાર્બનિક ઘટકો 75–90 % જેટલા હોય છે. જેમાં કાર્બોદિતો, આલ્કેલૉઇડો, ઑર્ગેનિક ઍસિડો, પૉલિફિનોલો, રંજકદ્રવ્યો, તૈલી પદાર્થો, રાળ અને ઉત્સેચકો મળીને 200થી વધારે રસાયણો ઓળખી શકાયાં છે. તેના ધુમાડામાં તેથી પણ ઘણી મોટી સંખ્યામાં સંયોજનો હોય છે.
તમાકુમાં કેટલાંક પીરીડીન આલ્કેલૉઇડો હોય છે; તે પૈકી નિકોટીન (β-પીરીડીલ – α – N – મિથાઇલ પાયરોલિડિન) સૌથી મહત્વનું છે. N. tabacumમાં કુલ આલ્કેલૉઇડનું પ્રમાણ 4–6 % જેટલું હોય છે. રસ્ટિકાની જાતો તેના કરતાં બે ગણું આલ્કેલૉઇડ દ્રવ્ય ધરાવે છે. વન્ય જાતિઓમાં N. tabacum કરતાં આલ્કેલૉઇડોનું પ્રમાણ ઓછું હોય છે. N. tabacum અને N. rusticaમાં નિકોટીન મુખ્ય આલ્કેલૉઇડ છે. નિકોશિયાનાની મોટા ભાગની વન્ય જાતિઓમાં નૉરનિકોટીન મુખ્ય આલ્કેલૉઇડ છે. N. glaucaમાં નિકોટીન સમધર્મી એનાબેસિન હોય છે.
તમાકુમાં ℓ– નિકોટીન, નિકોટાયરિન, નિકોટિમાઇન, ℓ – નૉરનિકોટીન, d – નૉરનિકોટીન, પાઇપરિડિન, પાયરોલિડિન, N-મિથાઇલપાયરોલિન, 2, 3-ડાઇપાયરિડીલ, ℓ – એનાબેસિન, N-મિથાઇલ – ℓ – એનાબેસિન, ℓ – એનાટેબિન, N- મિથાઇલ – ℓ – એનાટેબિન, નિકોટૉઇન, નિકોટેલિન, માયોસ્મિન વગેરે આલ્કેલૉઇડો હોય છે. ઉપરાંત તેમાં સુવાસિત પદાર્થ નિકોટિઆનાનિન (ટોબૅકો કૅમ્ફર) હોય છે. તમાકુના મૂળમાં નિકોટિન જીવસંશ્લેષણ ઑર્નિથિન અને નિકોટિનિક ઍસિડમાંથી થાય છે અને પછી પર્ણોમાં વહન થાય છે. તમાકુમાં નિકોટિનનું વિતરણ આ પ્રમાણે થયેલું હોય છે : પર્ણો 64 %, પ્રકાંડ 18 %, મૂળ 13 % અને પુષ્પો 5 %, પરિપક્વ બીજમાં આલ્કેલૉઇડો હોતાં નથી.
આ ઉપરાંત અપચાયક (reducing) શર્કરા, સ્ટાર્ચ, પ્રોટીન, સૅલ્યુલોઝ, લિગ્નિન વગેરે 25 % થી 30 % જેટલાં હોય છે.
પર્ણમાં ઍલેનિન, 1-એમિનોબ્યુટિરિક ઍસિડ, ઍસ્પર્જિન, ઍસ્પાર્ટિક ઍસિડ, ગ્લુટેમાઇન, લાયસિન, ફિનિલ ઍલેનિન, પ્રોલિન, સેરિન, ટ્રીપ્ટોફેન અને ટાયરોસિન જેવા ઍમિનોઍસિડ હોય છે.
તમાકુની લાક્ષણિક વાસ તેના પર્ણના ગ્રંથિલ ત્વચારોમમાં રહેલ બાષ્પશીલ તેલ અને રાળને આભારી છે.
ઉપયોગ : તમાકુ મૂળ રૂપે એના પ્રચલિત ઉપયોગમાં જ વાપરવી યોગ્ય છે. કારણ કે તેના ઊંચા ભાવ ઉપરાંત એની જકાતની આવક પણ ઘણી વધારે હોય છે. એટલે જંતુનાશક નિકોટીનનું ઉત્પાદન તમાકુના કચરા(waste)માંથી જ આર્થિક રીતે પોષાય તેમ હોય છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં બીડી-ઉદ્યોગ ખૂબ જ વિકસેલ હોવાથી જંતુનાશક નિકોટીનના ઉત્પાદન માટે જરૂરી તમાકુનો કચરો ખૂબ જ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
ચિકિત્સાર્થે ખાસ ન વપરાતું નિકોટીન મુખ્યત્વે જંતુનાશક તરીકે બહોળો વપરાશ ધરાવે છે.
મૃદુ શરીર ધરાવતાં કીટકો સામે અસરકારક રીતે વપરાતું નિકોટીન કેટલાંયે અન્ય પ્રકારનાં જંતુઓ અને કીટકોના ઉપદ્રવ સામે અસરકારક સાબિત થયેલું છે. સફેદ માખી, ફળઝાડ કીટક, ઊધઈ તથા કોબીજના પતંગિયાની ઇયળોના ઉપદ્રવ પર તે અસરકારક છે. ક્ષારયુક્ત નિકોટીન પશુઓ અને ઘોડામાં પડતી માખીઓના જૂના ઉપદ્રવ સામે ઉપયોગમાં લેવાય છે.
સફરજન, પેર, દારૂ માટેની દ્રાક્ષ, તથા રાઈ અને સરસવ જેવાં તેલીબિયાંના પાક ઉપરના કીટકના ગંભીર હુમલા માટે સામાન્ય રીતે 0.01 %થી 0.05 %નું નિકોટીનનું દ્રાવણ ઉપયોગમાં લેવાય છે.
સિગારેટ, બીડી, ચિરૂટ, હોકો, ચલમ વગેરેમાં પીવામાં તેમજ ચાવવામાં અને છીંકણી તરીકે સૂંઘવામાં તે ખૂબ જ પ્રમાણમાં વપરાય છે.
નિકોટીનિક ઍસિડ અને નિકોટિનેમાઇડના સંશ્લેષણમાં પણ નિકોટીન વપરાય છે.
સમગ્ર વિશ્વમાં આશરે 56,700 કિગ્રા. નિકોટીન સલ્ફેટ અને 52,164 કિગ્રા. નિકોટીન આલ્કેલૉઇડનું વાર્ષિક ઉત્પાદન થાય છે.
નિકોટીનના ઉત્પાદન માટે હાલમાં વપરાતી તમાકુના કચરાને ચૂના સાથે મિશ્રિત કરી પાણી સાથે નિષ્કર્ષણ કરી કેરોસીન સાથે નિષ્કર્ષણ કરવાની પ્રક્રિયા ખૂબ જ નીચી ઉત્પાદનક્ષમતા ધરાવે છે. ઉપરાંત કેરોસીનની અછત અને તેની નિકોટીનમાં રહી જતી વાસ અણગમો પેદા કરે છે.
આ બધી મુશ્કેલીઓ નિવારવા ‘સેન્ટ્રલ ટોબૅકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ દ્વારા લોહ વિનિમય (iron exchange) પ્રક્રિયા વિકસાવવામાં આવી છે.
ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી દ્વારા વનસ્પતિ-આધારિત જંતુનાશક વિશે ઘનિષ્ઠ વિચારણા બાદ નિકોટીનની કીટનાશક તરીકે ભલામણ કરી છે અને તેની ઉત્પાદનપ્રક્રિયામાં સુધારા ઉપરાંત તેના જનીનીય અને કૃષિ-આર્થિક સુધારા દ્વારા તમાકુમાં નિકોટીનનું પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો છે.
એકલા નિકોટીન કરતાં નિકોટીન સાથે પાયરેથ્રમ, લીમડો અને બીજી વનસ્પતિ મિશ્ર કરીને વિકસાવેલ કીટકનાશક વધારે અસરકારક બની શકે તેમ છે.
તમાકુ સ્થાનિક ઉત્તેજક તરીકે વર્તે છે. છીંકણીનો ઉપયોગ કરતાં જોરદાર છીંકો આવે છે અને પુષ્કળ પ્રમાણમાં શ્લેષ્મ નીકળે છે. તેને ચૂસતાં શ્લેષ્મકલા ઉત્તેજિત થાય છે. અને લાળરસ વધારે પ્રમાણમાં સ્રવે છે. તમાકુ વધારે માત્રામાં આપતાં કે અથવા તમાકુનું સેવન નહિ કરતી વ્યક્તિઓને તમાકુ આપતાં ઊબકા આવે છે કે ઊલટી થાય છે; ખૂબ પરસેવો વળે અને સ્નાયુઓ અશક્તિ અનુભવે છે.
તમાકુમાં રહેલું નિકોટીન શક્તિશાળી અને ઝડપી ક્રિયાશીલતા દાખવતું વિષ છે. નિકોટીનની વિષાળુમાત્રા વમનકારી (nauseous) નીવડે છે, તેથી ઊલટીઓ થાય છે. મૂત્રાશય અને મળાશયનું નિર્વાતન (evacuation) થાય છે. સ્નાયુઓનું કંપન (tremors) અને સંવલન (convolusions) થાય છે. મનુષ્ય માટે 40 ગ્રામ.ની માત્રા વિનાશકારી છે. તેનું શ્લેષ્મી પટલો અને ત્વચા દ્વારા ઝડપી શોષણ થાય છે; પરંતુ ક્ષારો(દા.ત., સલ્ફેટ)નું શોષણ અત્યંત ધીમું થાય છે. તેની મુખ્ય દેહધાર્મિક અસર સ્વયંવર્તી ચેતાકંદો (autonomic ganglia) અને કેટલાંક મજ્જિત કેન્દ્રો – ખાસ કરીને વમનકારી (emetic) અને શ્વસનકેન્દ્રો પર થાય છે. ઓછી માત્રા આપતાં આ કેન્દ્રો ઉત્તેજાય છે અને વધારે માત્રામાં તે અવનમિત (depressed) બને છે. પ્રાથમિક ઉત્તેજનાથી રુધિરનું દબાણ વધે છે; હૃદય ધીમું પડે છે; શ્વસન વધારે ઊંડું થાય છે; લાળરસ અને બીજા સ્રાવો ઝડપી થાય છે. જ્યારે દ્વિતીયક અવનમનથી રુધિરનું દબાણ ઘટે; નાડી ઝડપી બને, શ્વસનમાં અનિયમિતતાઓ અને સ્રાવનો લકવો થાય છે. વિનાશકારી માત્રાથી મધ્યછદ (phrenic) ચેતાને લકવો લાગુ પડતાં શ્વસન અટકી જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે. નૉરનિકોટીન અને એનાબેસિન ક્રિયાવિધિની ર્દષ્ટિએ નિકોટિન સાથે સામ્ય દર્શાવે છે. પરંતુ તે વધારે વિષાળુ છે. માયોસ્મિન ઓછું વિષાળુ છતાં વધારે ક્રિયાશીલ હોય છે.
સામાન્ય ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થયું નથી. પરંતુ અતિધૂમ્રપાનથી હૃદ્-ધમની (coronary) હૃદયરોગ લાગુ પડે છે. નિકોટીનનું શરીરમાં ઝડપી નિરાવિષીકરણ (detoxification) થાય છે અને તેનો કોઈ સંચયી પ્રભાવ (cumulative effect) પડતો નથી. નિકોટીન અને તેના ચયાપચયિત પદાર્થો મૂત્ર દ્વારા નીકળી જાય છે. લગભગ 10 % નિકોટિન અપરિવર્તિત સ્થિતિમાં રહી જાય છે.
સિગારેટનું અતિશય અને દીર્ઘકાલીન સેવન ફેફસાંના કૅન્સરને પ્રેરે છે. ફેફસાંનું કૅન્સર સિગાર કે પાઇપ પીનારાઓ કરતાં સિગારેટ પીનારાઓમાં વધારે પ્રમાણમાં થાય છે. હોઠના કૅન્સરનું પ્રમાણ સિગાર પીનારાઓમાં વધારે છે. તમાકુના ધુમાડામાં રહેલા 3–4 બેન્ઝપાયરિન અને કેટલાંક પૉલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રૉકાર્બન જેવાં સંયોજનો શક્તિશાળી કૅન્સરજનક તરીકે પુરવાર થયાં છે. તેમાં જો 1 પી.પી. એમ. અથવા તેથી ઓછી સાંદ્રતામાં હોય તો નુકસાનકારક છે કે કેમ તે નક્કી થઈ શક્યું નથી. આધુનિક સંશોધનોએ દર્શાવ્યું છે કે સિગારેટના ધુમાડામાં ફિનોલ અને અન્ય લાંબી શૃંખલા ધરાવતાં સંયોજનો સહકૅન્સરજનક (cocarcinogen) કે અર્બુદવર્ધક (tumor promoter) તરીકે વર્તે છે; જે કૅન્સરજનક સાથે ક્રિયા કરી તેની ક્ષમતા વધારે છે.
આયુર્વેદ અનુસાર તમાકુ કડવી, તીખી, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, પિત્ત તથા રક્તપ્રકોપક, કફનિ:સારક, વેદનાસ્થાપક, છીંક પેદા કરનાર, મદકર્તા, ભમ્ર કરનાર, વમનકર્તા, ર્દષ્ટિમંદકર્તા, વાતાનુલોમક, મૂત્રલ તથા કફદોષજ શરદી-શ્વાસ, ઉદરવાત, કૃમિ, આદમાન વગેરમાં (ઔષધિ રૂપે) લાભ કરે છે. પણ તેના ખાવા-પીવાના વ્યસનને કારણે તે શરીરમાં ગરમી પેદા કરી ખાંસી, શ્વાસ, લોહીનું દબાણ, હૃદયરોગ તથા કૅન્સર જેવા રોગો પેદા કરે છે.
બકુલા શાહ
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
પરબતભાઈ ખી. બોરડ