તમરી કે બાઘડ (Mole Cricket) : કીટકની એક હાનિકારક જાત. તેનો સમાવેશ સરલપક્ષ (orthoptera) શ્રેણીના ગ્રાયલોટાલ્પિડી કુળમાં થાય છે. અંગ્રેજી નામ Mole Cricket, શાસ્ત્રીય નામ ગ્રાયલોટાલ્પા આફ્રિકાના. ગ્રાયલોટાલ્પા આફ્રિકાના બાઘડ કે મોલક્રિકેટ અંગેનું સંશોધન પ્રો. એન. એમ. દલાલે ભાવનગરની સામળદાસ કૉલેજમાં પ્રથમ કર્યું. Tridactylidae કુળની વામન તમરી(Pigmy mole Cricket)ની જાતિના Tridactylus variegatus અને Brachytypes portentosus એ બે કીટકો પણ તમરી તરીકે ઓળખાય છે. આ કીટકો બદામી અથવા કાળાશ પડતા બદામી રંગના અને 3થી 3.5 સેમી. લંબાઈના હોય છે. માથું ગોળ અને આગળની બાજુ ઝૂકેલું હોય છે. આગળના પગ નાના પરંતુ મજબૂત કાકરવાળા હોય છે, જેનાથી તે જમીન ખોદીને દર બનાવી શકે છે. માદા કીટક જમીનમાં દર બનાવી તેના તળિયે 100 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં રાખોડી રંગનાં અને લગભગ 3 મિમી.  લાંબાં હોય છે. ઈંડાં એકાદ મહિનામાં સેવાતાં તેમાંથી નીકળેલાં બચ્ચાં શરૂઆતમાં બરફના જેવાં સફેદ રંગનાં હોય છે, પરંતુ ધીમે ધીમે તે મખમલ જેવા બદામી રંગનાં બને છે. બચ્ચાં ધીમે ધીમે કદમાં વધવા માંડે છે અને એકાદ મહિનાના અંતરે 8 વખત નિર્મોચન કરી પુખ્ત બને છે.

આ કીટક ધરુવાડિયાની જમીનમાં સંતાઈ રહી જમીનમાં દર બનાવે છે. દર બનાવતાં માટીના નાના કણના ઉચેરા થાય છે, જે ઊગતા છોડને ઢાંકી દે છે, જેથી ઊગતા નાના છોડ નાશ પામે છે. ક્યારામાં પાણી આપતાં દરમાં પાણી ભરાતાં કીટક જમીનની સપાટી પર આવી જાય છે અને ફરી નવા દર બનાવી ઉચેરા બનાવે છે. આમ, દરેક પિયત કે વરસાદ થતાં ધરુની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળે છે. ગુજરાતમાં તમાકુના ધરુવાડિયામાં તમરી એક અગત્યની જીવાત નોંધાયેલ છે. પશ્ચિમ બંગાળમાં બટાટા, ગળી અને ચાના પાકમાં નુકસાન કરતી જોવા મળેલ છે. બટાટાના અથવા કેળના ખેતરમાં તે જમીનની સપાટીએથી 15 સેમી.થી 25 સેમી. જેટલી ઊંડાઈએ રહીને બટાટાના કંદને ખાઈ તેમાં કાણું પાડે છે. આ કીટક કેટલીક જીવાતોની ઇયળ અવસ્થા પર પરભક્ષી તરીકે પણ નોંધાયેલો છે. આ જીવાતનો ઉપદ્રવ જણાય તો ઉપદ્રવિત ખેતરમાં પિયત આપવાથી ફાયદો થાય છે. ક્લોરપાયરીફૉસ 20 ઈસી, 20 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી એક ચોરસ મીટરના ક્યારા દીઠ 3 લિટર પ્રમાણે બી વાવ્યાં પછી પરંતુ બીજ ઊગતાં પહેલાં આપવાથી સારું નિયંત્રણ મળે છે. બીએચસી 0.5 કિલો અને ડાંગરની કુશકી (bran) 12 કિલો મિશ્ર કરી બનાવવામાં આવેલ વિષ પ્રલોભિકા પણ તમરીનું અસરકારક રીતે નિયંત્રણ કરે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ