તબીબી આચારસંહિતા (medical ethics) : તબીબોએ પાળવાના વ્યાવસાયિક નીતિ-નિયમોની સૂચિ. તબીબી વ્યવસાય ઉમદા, માનભર્યો અને પવિત્ર વ્યવસાય ગણાય છે. સમાજના બધા વર્ગો સાથે તે સીધો સંકળાયેલ છે. આ વ્યવસાયનો મુખ્ય ઉદ્દેશ માનવતા કે સમાજની સેવાનો છે. તેમાં નફો કે આર્થિક વળતર એ ગૌણ બાબત છે અને તેથી સમાજમાં તબીબનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. તબીબી વ્યવસાય સ્વીકારનારે વિવિધ ફરજો બજાવવાની હોય છે. તેમના વર્તનમાં કેટલાંક નૈતિક ધોરણોનું પાલન કરવાનું રહે છે જેનો સમાવેશ તબીબી આચારસંહિતામાં કરવામાં આવેલ છે. એ રીતે તબીબો ઉપર કાયદા ઉપરાંત તેના વર્તન અને નૈતિક ધોરણ માટે તબીબી આચારસંહિતાનું બંધન પણ લદાયેલું છે. તબીબી વ્યવસાયમાં રોકાયેલી વ્યક્તિઓની દર્દીઓ પ્રત્યેની, અન્ય તબીબો પ્રત્યેની, સમાજ પ્રત્યેની તેમજ રાજ્ય પ્રત્યેની ફરજો બાબતમાં વિશ્વનાં તબીબી વ્યવસાયી મંડળોએ સ્વૈચ્છિક સ્વીકૃતિથી તબીબોનાં કાર્ય, વર્તન અને ફરજો બાબતમાં સર્વસામાન્ય ધોરણોના નિયમો બનાવ્યા છે. તેને તબીબી આચારસંહિતા કહેવામાં આવે છે.
તબીબી વ્યવસાય કરતી દરેક વ્યક્તિએ ‘આચારસંહિતા’નું પાલન કરવું પડે છે. તબીબોની કઈ વર્તણૂક અયોગ્ય ગણાય તે પણ આચાર સંહિતા હેઠળ નક્કી કરવામાં આવેલું હોય છે. ‘આચારસંહિતા’ના આ નિયમો તબીબી વ્યવસાયમાં દાખલ થતા દરેક નવા તબીબને યોગ્ય વર્તનની બાબતમાં સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. વર્ષોથી અનુસરવામાં આવતી એ ‘આચારસંહિતા’માં સમય પ્રમાણે સુધારા થતા આવ્યા છે. તેમાંથી કેટલાક નિયમોનો કાયદામાં સમાવેશ થઈ ગયેલ છે. પરંતુ મૂળભૂત રીતે હજુ પણ ‘આચારસંહિતા’માં જનદર્શન અને આત્મનિરીક્ષણનું તત્ત્વ જળવાઈ રહેલ છે. જુદા જુદા દેશોમાં તબીબી કાયદાઓ અને વ્યાખ્યાઓમાં વિવિધતા અને ક્વચિત્ વિસંગતતા પ્રવર્તે છે; પરંતુ તબીબી આચારસંહિતાના મોટાભાગના સિદ્ધાંતો વિશ્વવ્યાપી છે, કારણ કે તે વિશ્વ તબીબી મંડળ (world medical association) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બનાવેલા છે.
પૂર્વભિમિકા : અત્રે ઉલ્લેખેલ આચારસંહિતા વસ્તુત: ‘પશ્ચિમની ચિકિત્સા પદ્ધતિ’ માટે જ છે. ચિકિત્સાની બીજી પદ્ધતિઓ જેવી કે ચીનની પરંપરાગત વ્યાવસાયિક પદ્ધતિ, ભારતની આયુર્વેદિક ચિકિત્સા, આફ્રિકા અને એશિયામાંની ઘણી પ્રાકૃતિક ચિકિત્સા વગેરે છે તે પદ્ધતિઓની પરંપરા અને રિવાજ અનુસાર જે તે પદ્ધતિ પોતાની આચારસંહિતા ધરાવે છે. પશ્ચિમની ચિકિત્સાપદ્ધતિનું મૂળ ગ્રીસ, એશિયા ઉત્તર આફ્રિકા અને યુરોપની ચિકિત્સાપદ્ધતિમાં મળે છે. ગ્રીક સિદ્ધાંત પર આધારિત તબીબી ચિકિત્સાનો ઉલ્લેખ ઈ. સ. પૂ. 400માં કોસ આઇલૅન્ડ (Island of Cos) પર યુનાની ચિકિત્સક હિપોક્રેટ્સના અનુયાયીઓના સંક્ષપ્તિ સંગ્રહોમાં મળે છે. તેનો ફેલાવો પૂર્વભૂમધ્યના ભૌગોલિક વિસ્તારમાં થયેલ હતો. રોમન સામ્રાજ્યે યુનાની પદ્ધતિ સ્વીકારેલી હતી અને રોમની પડતીના સમયમાં ઉત્તર આફ્રિકાના અરબી ચિકિત્સકોએ અંધકારભર્યા એ સમયમાં સ્પેન અને બીજે મધ્યકાળમાં યુરોપનો ફરી (નવો) જન્મ થયો ત્યાં સુધી ગ્રીક આધારિત ચિકિત્સાપદ્ધતિની મશાલને પ્રજ્જ્વલિત રાખેલી હતી. એ ચિકિત્સાપદ્ધતિના ચાલુ રહેવા સાથે ત્યારે ગ્રીક આચારસંહિતા અસ્તિત્વ ધરાવતી હતી જેને આજે તબીબો સૈદ્ધાંતિક રીતે સ્વીકારે છે, અને સર્વત્ર જાણીતી ‘હિપોક્રેટિક ઓથ’ (હિપોક્રેટિક-પ્રતિજ્ઞા) જેની મોટાભાગની વિગતો પુરાણી થઈ ગયેલી હોવા છતાં તે તબીબી વર્તનની આજની આચારસંહિતાનો મૂળ પાયો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની અને જાપાનના તબીબોએ યુદ્ધકેદીઓના કૅમ્પોમાં થીજવી દેવાના, ઝેર, કમળો, ટાઇફૉઇડ વગેરે જેવા ભયંકર રોગોના પ્રયોગો કરી હિપોક્રેટિક પ્રતિજ્ઞાનું ગંભીર ઉલ્લંઘન કરેલું હતું. આથી 1948માં આંતરરાષ્ટ્રીય તબીબી સમાજે હિપોક્રેટિક પ્રતિજ્ઞાનું ‘જિનીવા ઘોષણા’(declaration of Geneva)ના આધુનિક સ્વરૂપમાં પુનર્નિરૂપણ કર્યું હતુ.
પુરાણકાળમાં ભારતમાં વૈદ્યોએ ગુરુઓ પાસે શિક્ષણ અને તાલીમ લેવી પડતી અને ત્યારબાદ વ્યવસાય શરૂ કરવા રાજાની પરવાનગી ફરજિયાત લેવાની રહેતી હતી. વ્યવસાય શરૂ કરતી વખતે એ કાળમાં ગુરુઓ તેમના તૈયાર થયેલા શિષ્યોને પવિત્ર અગ્નિની સાક્ષીમાં અને બ્રાહ્મણો તથા બીજા વૈદ્યોની હાજરીમાં તેમના નૈતિક કર્તવ્ય અંગે ઉપદેશ આપતા, જે ‘ચરક શપથ’ તરીકે ઓળખાતો. વિશ્વ તબીબી મંડળે 1983માં ‘જિનીવા ઘોષણા’માં સુધારો કર્યો છે, જે અત્યારે અમલમાં છે.
મેડિકલ કાઉન્સિલ ઑવ ઇન્ડિયાએ ‘જિનીવા ઘોષણા’ને વ્યાવસાયિક આચારસંહિતા તરીકે સ્વીકારેલી છે અને તેથી દરેક નવા તબીબે કાઉન્સિલમાં સભ્ય તરીકેની (વ્યવસાય માટે) નોંધણી વખતે નીચે પ્રમાણેનું લેખિત અને સહી કરેલું તેમજ નોંધણી-અધિકારી અથવા નોંધાયેલ અન્ય તબીબ દ્વારા અધિકૃત કરેલ ‘ઘોષણાપત્ર’ નોંધણી-અધિકારી સમક્ષ રજૂ કરવું પડે છે.
‘‘જિનીવા ઘોષણા
(1) હું મારું જીવન માનવતાની સેવામાં સમર્પિત કરવા ગંભીરપણે પ્રતિજ્ઞા કરું છું.
(2) હું મારા શિક્ષકોનો ઋણી છું. હું તેમને સદાય માન આપીશ અને તેમને કૃતજ્ઞ રહીશ.
(3) હું મારો વ્યવસાય સદાચારની ભાવના સાથે ગૌરવપૂર્વક ચલાવીશ.
(4) મારા દર્દીનું સ્વાસ્થ્ય એ મારું પ્રથમ કર્તવ્ય હશે.
(5) દર્દીએ વિશ્વાસથી મને જણાવેલ ગુપ્ત બાબતોને દર્દીના મૃત્યુ બાદ પણ હું આદરપૂર્વક જાળવી રાખીશ.
(6) હું મારા અધિકારક્ષેત્રમાં તબીબી વ્યવસાયનું ગૌરવ અને તેની ઉમદા પરંપરાને જાળવી રાખીશ.
(7) હું મારા સહકાર્યકર તબીબો સાથે ભાઈઓ જેવો વ્યવહાર કરીશ.
(8) હું મારી ફરજ અને મારા દર્દીની વચ્ચે ધર્મ, રાષ્ટ્રીયતા, જાતિ, પક્ષીય રાજકારણ કે સામાજિક પ્રતિષ્ઠાને વચ્ચે આવવા નહિ દઉં.
(9) હું માનવજીવન પ્રત્યે તેની શરૂઆતથી જ (ગર્ભધારણથી જ) અતિ આદર રાખીશ.
(10) ભયના ઓથાર હેઠળ પણ હું મારા તબીબી જ્ઞાનનો માનવતાના નિયમો વિરુદ્ધ ઉપયોગ નહિ કરું.
હું આ પ્રતિજ્ઞા સોગંદપૂર્વક, સ્વતંત્રપણે અને તેની પ્રત્યેના આદર સહિત કરું છું.’’
‘જિનીવા ઘોષણા’ ઉપરથી આંતરરાષ્ટ્રીય તબીબી આચારસંહિતા તૈયાર કરવામાં આવેલ હતી. તેમાં તબીબની સામાન્ય ફરજો, બીમાર વ્યક્તિઓ પ્રત્યે તબીબની ફરજો અને તબીબોની પરસ્પર ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ફરજો નીચે પ્રમાણે છે :
તબીબની સામાન્ય ફરજો
(1) તબીબે હંમેશાં વ્યાવસાયિક આચરણનું ઉચ્ચધોરણ જાળવી રાખવું જોઈએ.
(2) તબીબે નફાના હેતુને વચ્ચે લાવ્યા વગર પોતાનો વ્યવસાય કરવો જોઈએ.
(3) બધા પ્રકારની તબીબી ચિકિત્સામાં તબીબ દર્દીની સારવાર નિપુણતાથી, પૂરી તાંત્રિક ક્ષમતાથી, નૈતિકતાથી સ્વતંત્રપણે અને માનવીના ગૌરવ માટે માન અને સહાનુભૂતિ દાખવીને કરશે અને તેને પોતાનું જીવન સમર્પિત કરશે.
(4) તબીબ દર્દી અને સહકાર્યકરો સાથે વિશ્વાસથી વર્તશે. ચારિત્ર્ય કે નિપુણતામાં ખામી જણાય અથવા કોઈ તબીબે છેતરપિંડી કે બનાવટ કરી હોય તેવા તબીબને તે ખુલ્લા પાડવા પ્રયત્ન કરશે.
(5) તબીબી સારવાર આપતી વખતે સારવારની અસર દર્દીની શારીરિક અને માનસિક સ્થિતિને નબળી પાડે તેવી હોય તેવી પરિસ્થિતિમાં તબીબ દર્દીના હિતમાં જ કાર્યવાહી કરશે.
(6) નવી સારવારની પદ્ધતિઓ, નવી શોધો, નવાં સાધનો અપનાવતી વખતે તબીબ બહુ સાવચેતી રાખશે.
(7) તબીબ પોતે વ્યક્તિગત રીતે જે ચકાસે તેનું જ પ્રમાણપત્ર આપશે.
તબીબની નીચેની બાબતો અનૈતિક આચાર ગણાય છે :
(1) તબીબ દ્વારા પોતાની (સ્વ) જાહેરાત, સિવાય કે તેની સ્પષ્ટ રીતે કાયદામાં અથવા દેશની મેડિકલ કાઉન્સિલની આચારસંહિતામાં છૂટ આપવામાં આવેલી હોય.
(2) તબીબને વ્યાવસાયિક સ્વતંત્રતા ન હોય તેવી આરોગ્યસેવામાં કોઈ પણ પ્રકારની સહયોગી કામગીરી સ્વીકારવી તે.
(3) દર્દીને આપેલ સારવાર અંગે, દર્દીની જાણ હેઠળ, પ્રમાણસર વ્યાવસાયિક શુલ્ક સિવાય અન્ય કોઈ આર્થિક વળતર મેળવ્યું હોય તે.
બીમાર વ્યક્તિઓ પ્રત્યે તબીબની ફરજો
(1) તબીબે વ્યક્તિના જીવનને જાળવી રાખવાનું કર્તવ્ય હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ.
(2) તબીબ તેના દર્દી પ્રત્યે પૂર્ણ વફાદારી ધરાવવા ઉપરાંત વિજ્ઞાનના બધા ઉપાયોની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
(3) જ્યારે કોઈ પરીક્ષણ કે સારવાર તબીબની ક્ષમતા બહારની હોય ત્યારે તેમણે પૂરતી ક્ષમતા ધરાવતા બીજા તબીબને બોલાવવા જોઈએ.
(4) દર્દીમાં ઉત્પન્ન કરેલ વિશ્વાસને કારણે દર્દી અંગે પોતે જે બધું જાણતા હોય તે હકીકતની તબીબે દર્દીના મૃત્યુ પછી પણ સંપૂર્ણ ગુપ્તતા જાળવવી જોઈએ.
(5) માનવીય ફરજ રૂપે તબીબે તાત્કાલિક જરૂરિયાતની સેવાઓ આપવી જોઈએ; સિવાય કે તેને ખાતરી થાય કે બીજા તબીબ એવી સેવા (સારવાર) આપવા ઇચ્છા ધરાવે છે અને તે માટે તેઓ સક્ષમ પણ છે.
તબીબોની એકબીજા પ્રત્યેની ફરજો
(1) તબીબે બીજા તબીબ સાથે એવી રીતે વર્તવું જોઈએ કે જેમ તે તબીબ પોતા પ્રત્યે વર્ત્યા હોત.
(2) કોઈ તબીબે બીજા તબીબ પાસેના દર્દીને લલચાવવો જોઈએ નહિ.
(3) તબીબે વિશ્વ તબીબી મંડળે માન્ય રાખેલ ‘જિનીવા ઘોષણા’ના સિદ્ધાંતોને અનુસરવું જોઈએ.
અન્ય ઘોષણા
જિનીવા ઘોષણા ઉપરાંત વિશ્વ તબીબી મંડળે મૃત્યુની વ્યાખ્યા, ગર્ભપાતની ચિકિત્સા સારવારમાં મૂળવંશ, રાજકીય ભેદભાવ કે દારુણ વેદનાના કિસ્સામાં તબીબની સ્થિતિ, માનવ ઉપરના પ્રયોગ અને સારવાર દરમિયાન સંશોધનકાર્ય, દર્દીના હક્કો, બીમારીનો અંત વગેરે વિષયોને લગતી ઘોષણાઓ પણ દાખલ કરેલ છે. આમાંથી માનવ ઉપરના પ્રયોગ અને સારવાર દરમિયાન સંશોધનકાર્ય માટે 1975ની હેલસિન્કી ઘોષણા છે જેમાં પણ માનવ ઉપરના પ્રયોગોમાં તબીબે પાળવાની આચારસંહિતા નક્કી થયેલ છે તે જોઈએ.
જીવ–ચિકિત્સા (biomedical) સંશોધન
આ સંશોધન પ્રથમ પ્રાણીઓ ઉપર અને આશાસ્પદ પરિણામો મળ્યાં બાદ માનવી ઉપર કરવામાં આવે છે. તેનો હેતુ રોગનિદાન, અને સારવાર, રોગરક્ષક દવાઓ શોધવી, રોગનાં કારણો શોધવાં અને માંદગીના રોગવિજ્ઞાનનો અભ્યાસ વગેરે છે. માનવ ઉપર આ પ્રયોગો બે રીતે થાય છે : એકમાં પ્રયોગ સારવાર હેઠળના દર્દી ઉપર કરાય છે. તે દર્દીના રોગનિદાન અને સારવાર પૂરતો મર્યાદિત હોય છે અને બીજી રીતમાં તંદુરસ્ત વ્યક્તિ ઉપર પ્રયોગ ફક્ત વૈજ્ઞાનિક સંશોધન માટે કરવામાં આવે છે, જેમાં સંબંધિત વ્યક્તિને રોગ કે સારવાર અંગે કોઈ સંબંધ હોતો નથી.
માનવ ઉપર કરવામાં આવતા આ પ્રયોગોમાં તબીબોએ ધ્યાનમાં લેવાની જણાવેલ બાબતો ટૂંકમાં નીચે પ્રમાણે છે :
સામાન્ય બાબતો
(1) વ્યક્તિએ પ્રયોગ માટે સ્વૈચ્છિક મંજૂરી આપી હોવી જોઈએ.
(2) પ્રયોગમાં સમાવિષ્ટ થતી કાર્યવાહી પ્રાયોગિક લખાણમાં નક્કી થયેલી હોવી જોઈએ અને ખાસ નિમાયેલ સ્વતંત્ર સમિતિએ નૈતિકતાના મુદ્દે તેની સમીક્ષા કરવી જોઈએ.
(3) પ્રયોગો વૈજ્ઞાનિક સિદ્ધાંત અનુસાર હોવા ઉપરાંત પહેલાં પ્રાણીઓ ઉપર થયેલ સફળ પરિણામો ધરાવતા હોવા જોઈએ. પ્રયોગ કરતાં પહેલાં તે અંગેની બધી જ તૈયારી સંપૂર્ણ થઈ હોવી જોઈએ.
(4) પ્રયોગમાં સમાવિષ્ટ વ્યક્તિની ગુપ્તતા જાળવવી જોઈએ. પ્રાયોગિક અભ્યાસથી વ્યક્તિના શારીરિક કે માનસિક સંકલનને તેમજ વ્યક્તિના વ્યક્તિત્વને નહિવત્ અસર થવી જોઈએ.
(5) પ્રયોગનો હેતુ, તેની રીત, તેનાથી થનાર ફાયદા અને પ્રયોગનાં સંભવિત જોખમો અને વ્યક્તિને થનાર તકલીફોની જાણ વ્યક્તિને કરવી જોઈએ. વ્યક્તિ ગમે ત્યારે ઇચ્છા થયે પ્રયોગમાં ભાગ લેવાનું છોડી દઈ શકે છે તેવું તેને સમજાવવું જોઈએ. તબીબે વ્યક્તિની લેખિત સંમતિ મેળવવી જોઈએ. દેશના કાયદા પ્રમાણે કાનૂની સમર્થતા ધરાવતી વ્યક્તિની જ સંમતિ મેળવવી જોઈએ.
(6) પ્રયોગ અવળી દિશામાં જતો જણાય કે તુરત જ તે બંધ કરી દેવો જોઈએ.
સારવાર દરમિયાન સંશોધન
(1) જો તબીબને જણાય કે દર્દીની જિંદગી બચાવવા, ફરી સ્વાસ્થ્ય સ્થાપવા અને તેની શારીરિક તકલીફો દૂર કરવામાં પ્રયોગ મદદ કરશે તો તબીબ પોતે પ્રયોગની કાર્યવાહી હાથ ધરવા સક્ષમ છે.
(2) વ્યક્તિની સંમતિ લેવાનું તબીબને જરૂરી ન જણાય તો તે અંગેની વિગત લખીને તબીબે તે સમીક્ષા-સમિતિને મોકલવી જોઈએ.
(3) નિદાન અને ચાલુ સારવારમાં થનાર ફાયદાની સાથે તબીબે પ્રયોગનાં ભયસ્થાન તેમજ વ્યક્તિને પડનાર તકલીફો ચકાસવાં જોઈએ.
(4) જો સંશોધનનો હેતુ દર્દીના નિદાન અને સારવારના મૂલ્ય અંગેનું નવું તબીબી જ્ઞાન મેળવવાનો હોય તો તબીબ વ્યવસાયની સાથે સાથે સંશોધન કરી શકે છે.
(5) યોગ્ય વૈજ્ઞાનિક લાયકાત ધરાવતા તબીબે સારવાર દરમિયાન દર્દી ઉપર સંશોધન સક્ષમ તબીબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવું જોઈએ. પ્રયોગમાં સમાવિષ્ટ વ્યક્તિની સઘળી જવાબદારી સંશોધનકર્તાની રહે છે.
વૈજ્ઞાનિક હેતુ માટેનું સંશોધન
(1) જે વ્યક્તિ ઉપર પ્રયોગ કરવામાં આવે તેના જીવન અને સ્વાસ્થ્યના રક્ષણની જવાબદારી તબીબની રહે છે.
(2) જોખમવાળા પ્રયોગના હેતુની અગત્ય વધારે પ્રમાણમાં ન હોય તો વ્યક્તિ ઉપર સંશોધન હાથ ધરી શકાય નહિ.
(3) હાથ ધરવામાં આવેલું સંશોધન ચાલુ રાખવાથી વ્યક્તિને નુકસાનકારક થાય તેવું લાગે તો સંશોધન તુરત જ બંધ કરી દેવું જોઈએ.
(4) સંશોધનમાં વિજ્ઞાન કે સમાજના હિતને વ્યક્તિના સ્વાસ્થ્યના હેતુની ઉપરવટ જઈ શકે નહિ.
ઉપસંહાર : વિશ્વ તબીબી મંડળની સ્થાપના માટે જવાબદાર બ્રિટિશ મેડિકલ ઍસોસિયેશન તબીબી આચારસંહિતા અંગે બહુ સક્રિય છે અને નૈતિક બાબતો વિગતથી ચર્ચતાં અનેક પ્રકાશનો તેણે બહાર પાડેલ છે. અત્યારે આ વિષયમાં ‘ધ પ્રિન્સિપલ્સ ઑવ્ મેડિકલ એથિક્સ’ એ શક્યત: સારામાં સારું સંક્ષિપ્ત પ્રકાશન ઉપલબ્ધ છે. તબીબી આચારસંહિતાનાં ઘણાં પાસાં છે. તે વિષય એટલો વિસ્તર્યો છે કે હવે તબીબી આચારસંહિતાની સંસ્થાઓ પણ અસ્તિત્વમાં આવી છે. ‘તબીબી આચારસંહિતજ્ઞ’ કહેવાય તેવા પૂરા સમયના નિષ્ણાત પણ ઉપલબ્ધ છે.
લગભગ દરેક કાર્યવાહી જેવી કે સંશોધન-પ્રયોગથી શરૂ કરીને ચિકિત્સાની ગોપનીયતા વગેરેમાં આચારસંહિતાની ગણતરી રહે છે. અગાઉ નૈતિક કર્તવ્ય ગણાતી ઘણી બાબતોનો રાજ્યોના કાયદામાં સમાવેશ કરાયો છે; તેમ છતાં મૂળ આચારસંહિતાનો પ્રકાર હજુ પણ જળવાઈ રહેલ છે. તબીબી વિશ્વના કેન્દ્રમાં દર્દીની આસપાસ તબીબી વ્યવસાય ઘૂમતો રહે તેવા સિદ્ધાંત ઉપર તબીબી આચારસંહિતા આધાર રાખે છે. તબીબો દર્દી માટે અસ્તિત્વ ધરાવે છે તેથી તબીબે એવું કંઈ ન કરવું જોઈએ, જે દર્દીના હિતમાં ન હોય. પૈસા, રાજકારણ, વર્ગ, જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતાને તબીબ અને દર્દી વચ્ચેના સંબંધ પરત્વે તબીબે બિનમહત્વનાં ગણવાં જોઈએ.
આચારસંહિતાનું નિયંત્રણ : જે તે રાષ્ટ્ર કે રાજ્યની મેડિકલ કાઉન્સિલ તબીબી આચારસંહિતા અને શિસ્તનિયંત્રણની કામગીરી કરે છે. ‘જિનીવા ઘોષણા’ને મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાએ આચારસંહિતા તરીકે અપનાવેલ છે. કાઉન્સિલમાં નોંધાયેલ તબીબી વ્યવસાય કરનારે એ આચારસંહિતાનું પાલન કરવાનું રહે છે. તેનાથી વિપરીત આચરણ કે કામગીરી શિસ્તભંગ સામેના પગલાને પાત્ર બને છે. નોંધાયેલ કોઈ તબીબ સામે જ્યારે આચારસંહિતાના ભંગ અંગે લેખિત ફરિયાદ મળે ત્યારે કાઉન્સિલ તે તબીબ સામે શિસ્તભંગ અંગેની કાર્યવાહી કરે છે અને ફરિયાદી તથા તબીબને રૂબરૂ કે તેમના વકીલ દ્વારા સાંભળીને તબીબ વિરુદ્ધ શું પગલાં લેવાં તે નક્કી કરે છે. ગુનાની ગંભીરતા પ્રમાણે તબીબને ચેતવણી આપવી કે તેનું નામ નોંધણી-રજિસ્ટરમાંથી કામચલાઉ ધોરણે કે કાયમી ધોરણે કમી કરવું તે નક્કી કરે છે. આમ, કાર્યવાહી બાદ કામચલાઉ કે કાયમી ધોરણે તબીબ વ્યવસાયથી વંચિત થાય છે. શિક્ષા સામે તબીબ કેન્દ્રીય આરોગ્ય-ખાતાને અરજી કરી શકે છે. મેડિકલ કાઉન્સિલને કમી કરેલ નામ ફરી ચાલુ કરવાની પણ સત્તા છે. આમ મેડિકલ કાઉન્સિલ તબીબી આચારસંહિતાના પાલનનું નિયંત્રણ કરે છે.
લાલજી વિ. કરગથરા