તબીબી પુરાવા : બનેલી હકીકતને ન્યાયાલયમાં સાબિત કે ના-સાબિત કરવામાં ઉપયોગી તબીબી બાબત.

ન્યાયાલય સમક્ષ આપવામાં આવતા તબીબી પુરાવા બે પ્રકારના હોય છે : (1) મૌખિક પુરાવા અને (2) દસ્તાવેજી પુરાવા. તબીબ તરફથી ન્યાયાલયમાં રજૂ કરવામાં આવતા દસ્તાવેજી પુરાવામાં મુખ્ય આ પ્રમાણે છે : (1) તબીબી પ્રમાણપત્ર (medical certificate), (2) તબીબી કાનૂની અહેવાલ (medicolegal reports) અને (3) મરણોન્મુખ-નિવેદન (dying declaration). તબીબ ન્યાયાલયમાં હાજર રહીને સાક્ષી તરીકે જે નિવેદન કરે અને  તેની ઊલટતપાસ થાય તેને તબીબનો મૌખિક પુરાવો કહેવાય છે.

તબીબીપ્રમાણપત્ર : આ એક સરળ પ્રકારનો દસ્તાવેજી પુરાવો છે. તેમાં વ્યક્તિની માંદગી, માનસિક અસ્વસ્થતા કે ગાંડપણ, વ્યક્તિને થયેલ ઈજા અંગેની વિગત, મૃત્યુ વગેરે જેવી હકીકતોનો સમાવેશ થાય છે. પંજીકૃત (registered) તબીબ દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રને જ ન્યાયાલય સ્વીકારે છે. પ્રમાણપત્ર આપનાર તબીબ ન્યાયાલયમાં ઉપસ્થિત થઈ શપથ લઈ પ્રમાણપત્રમાં આપેલ વિગતોને પુષ્ટિ આપે અને તેની ‘ઊલટતપાસ’ થઈ શકે તે માટે ન્યાયાલય તબીબને અદાલતમાં બોલાવે છે. તબીબી પ્રમાણપત્ર આપતી વખતે આ મુદ્દાઓ ધ્યાન પર લેવામાં આવે છે : (1) પ્રમાણપત્રમાં સત્ય માહિતી જ અપાય. (2) વ્યક્તિની ઓળખ માટે તેમાં તે વ્યક્તિનાં બે ઓળખચિહનો, સહી અથવા ડાબા હાથના અંગૂઠાની છાપ લેવાનું સૂચવાય છે. (3) માંદગી અંગેના પ્રમાણપત્રમાં માંદગીનો ચોક્કસ પ્રકાર દર્શાવવામાં આવે છે. (4) ઈજા માટેના પ્રમાણપત્રમાં તે શાથી થયેલ છે તે અને ઈજાનો પ્રકાર જણાવાય છે. (5) ઔદ્યોગિક કે અન્ય કારણથી થતા અકસ્માતમાં અપંગતા આવી હોય તો તેનું પ્રમાણ તથા તે કામચલાઉ છે કે કાયમી વગેરેનો ઉલ્લેખ કરાય છે. (6) રસી મૂકવાના પ્રમાણપત્રમાં કઈ તારીખે રસી મૂકી તે દર્શાવાય છે તથા (7) મૃત્યુના પ્રમાણપત્રમાં કેટલીક વિશિષ્ટ માહિતી આપવાની હોય છે. જન્મ-મરણ નોંધણી અધિનિયમ 1979 અન્વયે ભારતમાં જન્મ અને મરણની નોંધણી ફરજિયાત છે. આથી કાયદા અન્વયે દર્દીને છેલ્લે જે તબીબે સારવાર આપી હોય તેમણે મૃત્યુ-પ્રમાણપત્ર આપવું ફરજિયાત હોય છે. ચકાસણીમાં તબીબને ખાતરી થાય કે મૃત્યુ કુદરતી કારણોથી થયું છે તો તેમણે કોઈ શુલ્ક વિના, વિલંબ વગર મૃત્યુ-પ્રમાણપત્ર આપવું જરૂરી બને છે. પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ જણાવાય છે. તબીબ મૃતદેહનું નિરીક્ષણ કરીને વ્યક્તિ ખરેખર મૃત્યુ પામેલ છે અને તે વિલંબિત જીવિત અવસ્થા(suspended animation)માં નથી તેની ખાતરી કરે છે. જો મૃત્યુમાં કોઈ સંદેહ જણાય, તેમાં દગાબાજી, હિંસાખોરી કે શંકાસ્પદ ઝેર આપવાનો બનાવ જણાય તો એવા અકુદરતી મૃત્યુમાં પ્રમાણપત્ર આપવાને બદલે તે મૃત્યુ અંગેની જાણ, તે મૃતદેહનો નિકાલ કરવામાં આવે તે પહેલાં, સંબંધિત પોલીસ-અધિકારીને કરવી જરૂરી બને છે. અકુદરતી મૃત્યુના બનાવમાં ભૂલથી પ્રમાણપત્ર આપી ન દેવાય તે માટે તબીબે મૃતદેહની પાંપણો, રસ્સીની ગાંઠની નિશાની, ગળાની ચામડી, શરીર પર પ્રહારથી થયેલ સોજા, ઢીમચાં, ચીરા, ઘાવ કે ઈજા માટે છાતીના આગળ પાછળના ભાગનું નિરીક્ષણ, ઉપરનીચેના અવયવોનું નિરીક્ષણ, ઝેરના કિસ્સા માટે અસામાન્ય રંગ પરિવર્તન, સંબંધીઓએ જણાવેલ મૃત્યુના સમય સાથે સુસંગત શરીરનું તાપમાન, મૃત્યુજનિલાભ (postmortem lividity) અને મૃત્યુજકાઠિન્ય (riger mortis) અંગેનું નિરીક્ષણ કરવું જરૂરી ગણાય છે. આમ, તબીબે પ્રમાણપત્રના તબીબી પુરાવા તૈયાર કરવામાં જરૂરી કાળજી લેવી જરૂરી ગણાય છે.

તબીબીકાનૂની અહેવાલ : સામાન્ય કે ગંભીર ઈજા, હુમલો, ખૂન, બળાત્કાર, ઝેર આપવાના કિસ્સા વગેરે ફોજદારી ગુનાઓમાં મૅજિસ્ટ્રેટ અથવા પોલીસ-અધિકારી દ્વારા કરવામાં આવતી માગણીના અનુસંધાને તબીબી અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવતા અહેવાલોને તબીબી કાનૂની અહેવાલ કહેવામાં આવે છે. આ અહેવાલમાં આ બાબતોનો સમાવેશ થાય છે : (1) ઈજા અંગેનો અહેવાલ, (2) મરણોત્તર પરીક્ષણ અહેવાલ, (3) ઉંમર અંગેનું પ્રમાણપત્ર, (4) ગાંડપણ કે માનસિક અસમતુલા અંગેનું પ્રમાણપત્ર તથા (5) જાતીયગુના સંબંધમાં પરીક્ષણ-અહેવાલ.

આ અહેવાલો અદાલતમાં તબીબી પુરાવા તરીકે રજૂ થાય છે. આ અહેવાલો સામાન્ય રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલ હોય છે. પહેલા ભાગમાં પ્રાથમિક માહિતી જેવી કે વ્યક્તિનું પૂરું નામ, ઉંમર, જાતિ, સરનામું, તારીખ, સ્થળ, વ્યક્તિને ઓળખી બતાવનારની માહિતી અને પરીક્ષણનો સમય અને વ્યક્તિની ઓળખ માટેનાં ચિહ્નોની વિગત વગેરે લખવામાં આવે છે. બીજા ભાગમાં તબીબને પરીક્ષણ દરમિયાન જે કંઈ હકીકત જણાય તેનું વિસ્તૃત વિવરણ લખવામાં આવે છે અને ત્રીજા ભાગમાં પરીક્ષણમાંની વિગતો ઉપરથી કાઢવામાં આવેલ તારણો કે અભિપ્રાય આપવામાં આવે છે.

પોલીસ-અધિકારી તબીબી-કાનૂની અહેવાલને ન્યાયાલયમાં રજૂ કરે છે. સામા પક્ષને ઊલટતપાસની તક મળે તે માટે ન્યાયાલય તબીબને અદાલતમાં બોલાવે છે. તબીબે અહેવાલ તૈયાર કરવામાં બહુ જ કાળજી લેવાની હોય છે. પરીક્ષણમાં મળી આવતાં તથ્યોના આધારે જ તબીબ પોતાનો અભિપ્રાય આપે તે જરૂરી ગણાય છે. તબીબી-કાનૂની અહેવાલ મુદ્દા અનુસાર, સંક્ષિપ્ત સ્પષ્ટ અને તેમાં અતિશયોક્તિભર્યાં લાગણીસૂચક વિશેષણો અને પારિભાષિક કે તાંત્રિક (પ્રાવૈધિક) શબ્દોનો ઉપયોગ ટાળીને લખવો જોઈએ એમ મનાય છે. અન્ય કોઈ સ્રોત દ્વારા મળતી માહિતી કે કોઈના વક્તવ્યથી તબીબ દોરવાઈ ન જાય તેવું જોવાય છે. પરીક્ષણ પૂરું થયે તુરત જ અભિપ્રાય તૈયાર કરીને તેની એક પ્રત તબીબ પોતાના સંદર્ભ માટે રાખે છે, ઈજા વગેરે કિસ્સામાં વ્યક્તિને સંભાળ હેઠળ રાખવી જરૂરી હોય અને તુરત જ અભિપ્રાય આપી શકાય તેમ ન હોય તો તે અંગેની સંબંધિત પોલીસ-અધિકારીને લેખિત જાણ કરવામાં આવે છે.

ઈજાના કોઈ પણ બનાવમાં વ્યક્તિને થયેલ ઈજા અહેવાલમાં ચોકસાઈથી વર્ણવાય છે. ઈજા સાદી છે કે ગંભીર પ્રકારની અને કેવા પ્રકારના હથિયારથી તે થઈ શકે તે અંગે અભિપ્રાય અપાય છે.

શબપરીક્ષણના અહેવાલમાં તબીબે મૃત્યુ નીપજવાનું કારણ અને મૃત્યુ પછી પસાર થયેલો સમય જણાવવો જરૂરી હોય છે. તબીબી પરીક્ષણ માટેની વસ્તુઓ (જેવી કે હથિયારો, વસ્ત્રો વગેરે) આવી હોય તેનું વર્ણન કરીને તેના પર લેપપત્ર (lables) લગાવે છે. જેથી આગળ ઉપર ન્યાયાલયમાં તેને ઓળખી બતાવવામાં કોઈ મુશ્કેલી ન પડે. પરીક્ષણ પૂરું થયે તે બધી વસ્તુઓને પડીકામાં બાંધી સીલ કરી તેમાં તબીબ પોતાનું ખાનગી સીલ લગાડી તે વસ્તુઓ પોલીસને પરત કરે છે. અને તે લઈ જનાર અધિકૃત કૉન્સ્ટેબલની તે મળ્યા અંગે સહી લે છે. મૅજિસ્ટ્રેટ તરફથી તે વસ્તુઓ રાસાયણિક પરીક્ષકને મોકલી આપવા આદેશ ન મળે ત્યાં સુધી તે વસ્તુઓ તાળાકૂંચીમાં સુરક્ષિત રખાય છે.

મરણોન્મુખ નિવેદન : મરણોન્મુખ નિવેદન એટલે મૃત્યુ પથારીએથી કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું મૌખિક કે લેખિત નિવેદન, જેમાં વ્યક્તિ પોતાની એવી સ્થિતિ થવાનાં કારણો અથવા વ્યક્તિને મૃત્યુ તરફ દોરી જનાર ઉપસ્થિત સંજોગો વિશે સંપૂર્ણ નિવેદન આપે છે. બયાન આપનાર વ્યક્તિ તે સમયે મૃત્યુ સમીપ અવસ્થામાં હોય કે ન હોય તોપણ  જેમાં વ્યક્તિનું મૃત્યુ નીપજે અને તેનું કારણ તપાસપાત્ર હોય તેવા બધા દીવાની અને ફોજદારી કોર્ટ-કિસ્સાઓમાં  મરણોન્મુખ નિવેદન લેવામાં આવે છે. જો સમય હોય તો ફરજ પરના તબીબ મૅજિસ્ટ્રેટને બોલાવે છે જેથી તે વ્યક્તિનું નિવેદન શપથ ઉપર લઈ શકાય. જો ઈજાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ એટલી ગંભીર હોય કે તે વ્યક્તિ મૅજિસ્ટ્રેટ આવે તે પહેલાં મૃત્યુ પામશે કે બેભાન બની જશે તેમ જણાતું હોય તો તબીબ મૅજિસ્ટ્રેટની રાહ જોયા વગર, પોતે તે વ્યક્તિનું મૃત્યુનિવેદન લઈ શકે છે. તબીબી અધિકારી એ વખતે આ મુદ્દા ધ્યાનમાં રાખે છે : (1) નિવેદન લેતાં પહેલાં તબીબી અધિકારીએ ખાતરી કરી લેવી જોઈએ કે તે વ્યક્તિ નિવેદન કરવા માનસિક રીતે સ્વસ્થતા ધરાવે છે અને તે વ્યક્તિનું નિવેદન પૂરું થયે, તબીબે એ પ્રમાણિત કરવાનું રહે છે કે નિવેદન કરતી વખતે તે વ્યક્તિ સંપૂર્ણ માનસિક સ્વસ્થતા ધરાવતી હતી તેમજ તે વ્યક્તિને તેનું નિવેદન વાંચી સંભળાવવામાં આવ્યું હતું અને નિવેદન સત્ય રીતે જ લખવામાં આવ્યું છે તેમ તે વ્યક્તિએ સ્વીકાર્યું હતું.

(2) વ્યક્તિ દ્વારા મૌખિક રીતે કરવામાં આવતું એ નિવેદન, સાંભળનાર તબીબે તે સમયે જ લખી લેવું જરૂરી ગણાય છે.

(3) નિવેદન કરનાર વ્યક્તિની ભાષામાં જ અને બે નિ:સ્વાર્થી સાક્ષીઓની હાજરીમાં તે નિવેદન નોંધવું જરૂરી ગણાય છે. તેમાં વ્યક્તિને પૂછવામાં આવેલ પ્રશ્નો અને વ્યક્તિએ તેના આપેલા જવાબો એના એ જ શબ્દોમાં લખાય છે.

(4) નિવેદન કરનાર વ્યક્તિને કોઈ સૂચનો કરવાં જોઈએ નહિ. અને સૂચક પ્રશ્નો પૂછી કોઈ ખોટી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો ન જોઈએ એનું ખાસ ધ્યાન રખાય છે.

(5) અત્યંત શારીરિક રીતે નિર્બળ વ્યક્તિ અથવા ગળું કપાયાની ઈજા ધરાવતી વ્યક્તિ જો બોલી શકવા સમર્થ ન હોય, પરંતુ પ્રશ્નોના ઇશારાથી ઉત્તર આપી શકે તેમ હોય તો તેવા કિસ્સામાં તે વ્યક્તિને પૂછવામાં  આવેલા પ્રશ્નો અને ઇશારાની નિશાનીઓથી તે વ્યક્તિએ આપેલ જવાબો નિવેદન રૂપે લખી લેવામાં આવે છે.

(6) મરણોન્મુખ નિવેદન પૂરું થયે લખી લીધેલ નિવેદન નિવેદનકર્તાને વાંચી સંભળાવ્યા પછી તેમાં તેની સહી કે ડાબા અંગૂઠાની છાપ લેવાય છે અને તેમાં બે સાક્ષીઓ અને નિવેદન લેનારે સહી કરવી પડે છે. જો નિવેદન કરનારે પોતે જ પોતાનું નિવેદન  લખ્યું હોય તો તેના પર તે વ્યક્તિ, તબીબી અધિકારી અને સાક્ષીઓ સહી કરે છે.

(7) નિવેદન કરનાર વ્યક્તિ નિવેદન કરતાં કરતાં મૃત્યુ પામે કે બેભાન બની જાય તો જે માહિતી લખી હોય તેમાં જ તબીબ સહી કરે છે.

(8) તબીબી અધિકારીએ મરણોન્મુખનિવેદન, સીલબંધ પરબીડિયામાં મૅજિસ્ટ્રેટને મોકલી આપવાનું રહે છે.

(9) મરણોન્મુખનિવેદન દરમિયાન તપાસ કરનાર પોલીસ અધિકારીને ત્યાં હાજર રહેવા દેવામાં આવતા નથી.

ફોજદારી મુકદ્દમામાં મરણોન્મુખ નિવેદન કરનારનું મૃત્યુ થઈ જાય તો તે નિવેદન એક અગત્યનો પુરાવો બને છે. જો વ્યક્તિ જીવિત રહી જાય તો નિવેદનની કાનૂની કિંમત પૂરી થાય છે; કારણ કે ત્યારે તો તે વ્યક્તિ મૌખિક પુરાવો આપી શકે છે અને તેની ‘ઊલટતપાસ’ પણ થઈ શકે છે; તેમ છતાં, ભારતીય પુરાવા કાયદાની કલમ 157 અનુસાર તે નિવેદનને ફરિયાદીની મૌખિક-પરીક્ષા વખતના નિવેદનનું પૂરક ગણવામાં આવે છે.

મરણોન્મુખ સોગંદ પરની જુબાની (dying deposition) : આરોપી અને તેના વકીલની હાજરીમાં, મૃત્યુ સમીપ જઈ રહેલ ફરિયાદીએ મૅજિસ્ટ્રેટ સમક્ષ સોગંદ પર કરેલ આ એક નિવેદનને મરણોન્મુખ જુબાની કહે છે. તેમાં આરોપીના વકીલને ઊલટતપાસની તક મળી શકે છે. નિવેદન પહેલાં તબીબે પ્રમાણિત કરવાનું  રહે છે કે તે વ્યક્તિ સારી માનસિક અવસ્થા ધરાવે છે. મરણોન્મુખ નિવેદન કરતાં મરણોન્મુખ સોગંદ પરની જુબાની વધારે મહત્વ ધરાવે છે. કારણ કે તે મૅજિસ્ટ્રેટ દ્વારા લેવાય છે અને તેમાં સામા પક્ષના વકીલને ઊલટતપાસની તક મળે છે. નિવેદન બાદ વ્યક્તિ જીવે તોપણ મરણોન્મુખ સોગંદ પરની જુબાનીની કાનૂની કિંમત પૂરેપૂરી જળવાઈ રહે છે.

મૌખિક પુરાવા : ન્યાયાલય જે બધાં નિવેદનોને મંજૂરી આપે તે અથવા તપાસ હેઠળની હકીકતોના સંદર્ભે ન્યાયાલય જે બધાં નિવેદનોને જરૂરી ગણે તે બધાં મૌખિક પુરાવા  કહેવાય છે. મૌખિક પુરાવો દસ્તાવેજી પુરાવા કરતાં વધારે મહત્વ ધરાવે છે, કારણ કે તેમાં વ્યક્તિએ ન્યાયાલયમાં હાજર રહી સોગંદ ઉપર પોતે દસ્તાવેજી પુરાવામાં જણાવેલી હકીકતોને પુષ્ટિ આપવાની રહે છે તેમજ સામા પક્ષના વકીલ તેમની ઊલટતપાસ કરી શકે છે.

તબીબે રજૂ કરેલ પરીક્ષણ અહેવાલ સબબ તેઓને પણ ન્યાયાલયોમાં બોલાવવામાં આવે ત્યારે તે ન્યાયાલયોમાં સોગંદ ઉપર જે નિવેદન કરે અને તેની ઊલટતપાસ થાય તે નિવેદન તબીબનો મૌખિક પુરાવો ગણાય છે. નીચલી અદાલતમાં તબીબે આપેલ નિવેદનમાં ન્યાયાધીશ તબીબે આપેલી સાક્ષીમાં ઊલટતપાસ થયેલ છે તેવું જણાવી સહી કરે ત્યારબાદ, તબીબને ફરીથી ઉપલી અદાલતમાં હાજર રહેવાની જરૂર રહેતી નથી અને તેનું નિવેદન મૌખિક પુરાવા તરીકે સ્વીકાર્ય થાય છે. તબીબ જ્યારે  સામાન્ય જ્ઞાન આધારિત સાક્ષી આપે તે સામાન્ય સાક્ષી ગણાય છે. જેમ કે ‘ઘા’ની લંબાઈ. પરંતુ પોતાના વિશિષ્ટ જ્ઞાન અને અનુભવના આધારે જ્યારે સાક્ષી આપે ત્યારે તે નિષ્ણાત સાક્ષી ગણાય છે; જેમ કે, જે ઘા તેમણે જોયેલ તેવી ઈજા મૃત્યુ નિપજાવવા માટે પૂરતી હતી એ તજ્જ્ઞ સાક્ષીનો અભિપ્રાય ગણાય. આમ ન્યાયાલયમાં હાજર રહી તબીબે મૌખિક પુરાવા પણ આપવાના રહે છે.

ભારતીય પુરાવા કાયદાની કલમ 45માં નિષ્ણાત સાક્ષીની વ્યાખ્યા આપેલ છે. તે પ્રમાણે તબીબી વ્યક્તિ ચિકિત્સાવિજ્ઞાનની કોઈ ખાસ શાખામાં પારંગત હોઈ તેઓને પણ નિષ્ણાત સાક્ષી ગણવામાં આવે છે. નિષ્ણાત સાક્ષી પોતાનાં અવલોકનો ઉપરથી તારણો કાઢી અભિપ્રાય આપી શકે છે. અન્ય વ્યક્તિઓએ લીધેલ અવલોકનો ઉપર પણ અભિપ્રાય આપી શકે છે. ન્યાયાલયમાં કોઈ અગત્યના મુદ્દા ઉપર પ્રકાશ ન પડવાથી કે સ્પષ્ટીકરણ વગર ન્યાયાલય દ્વારા ખોટો ન્યાય તોળાઈ જશે તેમ લાગે ત્યારે તબીબ સ્વેચ્છાએ ન્યાયાલયમાં નિવેદન આપી શકે છે. તબીબે સ્વેચ્છાએ આપેલ એ નિવેદન પણ મૌખિક પુરાવો ગણાય છે.

લાલજી વિ. કરગથરા