તબકાતે નાસિરી : ભારતમાં મુસ્લિમ શાસનના પ્રારંભકાળમાં લખાયેલ ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખકનું નામ મિન્હાજ સિરાજ તરીકે ઓળખાતા મિન્હાજુદ્દીન જુઝજાની (જ. 1193) હતું. દિલ્હીના સુલતાન નાસિરૂદ્દીન મહમુદના શાસનકાળ વખતે બલબને ઈ. સ. 1254માં દિલ્હીમાં પોતાનું રાજકીય સ્થાન મજબૂત બનાવ્યું. તે સમયે આ ગ્રંથના લેખકને મુખ્ય કાઝી તરીકે નીમવામાં આવ્યા હતા. આ જ સમય દરમિયાન તેમણે ‘તબકાતે નાસિરી’ લખવાનો આરંભ કર્યો હતો. સુલતાન નાસિરૂદ્દીનના નામ ઉપરથી આ ગ્રંથનું નામ ‘તબકાતે નાસિરી’ રાખવામાં આવ્યું છે.
‘તબકાતે નાસિરી’ ભારતમાં શરૂઆતમાં લખાયેલ ફારસી ઇતિહાસગ્રંથોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તાજુલ મઆસિરને બાદ કરતાં ભારતમાં મુસ્લિમ શાસકોનો આ પ્રથમ ઇતિહાસગ્રંથ છે. લેખકે આ ગ્રંથનું છેલ્લું પ્રકરણ ઈ. સ. 1260માં પૂર્ણ કર્યું હતું. તે સમય પછીની ઘટનાઓનો ગ્રંથમાં ઉલ્લેખ નથી. કદાચ એ પછી તેમનું અવસાન થયું હોય.
લેખકે ઘણી દંતકથાઓને આધારભૂત ઐતિહાસિક ઘટનાઓ તરીકે પણ રજૂ કરી છે. તેમ છતાં, ‘તબકાતે નાસિરી’નાં કેટલાંક પ્રકરણો મહત્વનાં છે. તેમાં ખુરાસાન ઘોર અને ભારત વિશે કેટલીક માહિતી આપવામાં આવી છે જે અન્યત્ર જોવા મળતી નથી. આ ગ્રંથના જે ભાગનો સંબંધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારત સાથે હતો તે ભાગને બંગાળ એશિયાટિક સોસાયટીએ 1863માં પ્રકાશિત કર્યો હતો. તેનું સંપાદન કૅપ્ટન ફાસોલિસ, મૌલવી અબ્દુલ હૈય અને મૌલવી ગુલામહુસેને કર્યું હતું અને હબીબી કંથારીએ આ ગ્રંથનાં 34 પ્રકરણો ઉપર સંશોધનાત્મક નોંધ તૈયાર કરી હતી.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ