તનાકા, કોઇચી (Tanaka, Koichi) (જ. 3 ઑગસ્ટ 1959, ટોયામા શહેર, જાપાન) : જાપાની રસાયણવિદ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1983માં ટોહોકુ યુનિવર્સિટીમાંથી ઇજનેરી પદવી મેળવ્યા બાદ તનાકા ક્યોટોની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉપકરણો બનાવતી કંપની શિમાડ્ઝુ કૉર્પોરેશનમાં જોડાયા અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય કર્યું. તેમણે વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોથી વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં વપરાતી આવેલી દળ સ્પેક્ટ્રમમિતિ (mass spectrometry) નામની તકનીકનો વ્યાપ વધાર્યો. આ પદ્ધતિ દ્રવ્યના અત્યંત નાના નમૂનામાં રહેલા સંયોજનને પારખવાનું અને તેમાંના જ્ઞાત-સંયોજનનો જથ્થો નક્કી કરવાનું કાર્ય કરવા ઉપરાંત સંયોજનનાં અણુસૂત્રો ઉપજાવવામાં પણ મદદરૂપ થાય છે. વર્ષો થયાં વૈજ્ઞાનિકો દ્વારા આ પદ્ધતિ નાના તથા મધ્યમ કદના અણુઓ માટે વપરાતી આવી છે; પણ પ્રોટીન જેવા મોટા જૈવિક અણુઓના અભિનિર્ધારણ માટે આ પદ્ધતિ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેમાં વૈજ્ઞાનિકોને વધુ રસ હતો. ખાસ કરીને જનીનિક સંકેત(genetic code)ના ઉકેલ તથા જનીન-અનુક્રમ(gene sequences)ના અન્વેષણ બાદ પ્રોટીન જેવા અણુઓના અભ્યાસ અને કોષમાં તેઓ કેવી રીતે અન્યોન્ય ક્રિયા કરે છે તે જાણવાનું ખૂબ અગત્યનું બની ગયું હતું.
દળ સ્પેક્ટ્રમમિતિ પદ્ધતિમાં એ જરૂરી છે કે નમૂનો વાયુરૂપ આયનોના સ્વરૂપમાં અથવા વીજભારિત અણુઓના રૂપમાં હોય. પ્રોટીન જેવા અણુઓ માટે આયનીકરણની ચીલાચાલુ રીતો વાપરવા જતાં તેની ત્રિપરિમાણી સંરચના તૂટી જતી હતી. આવા મોટા અણુઓને અવક્રમણ (degradation) વિના વાયુસ્વરૂપમાં ફેરવવાની અને એ રીતે દળ સ્પેક્ટ્રમમિતિ માટે યોગ્ય બનાવવાની રીત તનાકા ઉપરાંત અમેરિકન વૈજ્ઞાનિક ફેને અલગ અલગ રીતે વિકસાવી.
તનાકાની રીત હળવા-લેઝર-વિશોષણૌ(soft laser desorption)ની પદ્ધતિ તરીકે ઓળખાય છે. તેમાં ઘન અથવા સ્નિગ્ધ (viscous) સ્વરૂપ-નમૂનાનું લેઝર-સ્પંદ (pulse) વડે પ્રતાડન કરવામાં આવે છે. નમૂનામાંના અણુઓ આ લેઝર-ઊર્જા મેળવે ત્યારે તેઓ એકબીજાથી વિખૂટા પડે છે (વિશોષણ પામે છે) અને દળ સ્પેક્ટ્રમમિતિને યોગ્ય એવું આયનોનું વાદળ ઉત્પન્ન કરે છે, જેનું પૃથક્કરણ કરી શકાય છે.
પ્રોટીન અને અન્ય મોટા જૈવિક અણુઓની પરખ અને તેમના પૃથક્કરણ માટે સ્વિસ વૈજ્ઞાનિક કુર્ત વુથ્રિકે નાભિકીય ચુંબકીય સ્પંદન(nuclear magnetic resonance)પદ્ધતિનો વિકાસ કર્યો હતો. આ વૈજ્ઞાનિકોની સિદ્ધિ બદલ 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના 10 લાખ ડૉલરના નોબેલ પુરસ્કારનો અર્ધો હિસ્સો તનાકા અને ફેનને અને બાકીનો અર્ધો વુથ્રિકને એનાયત કરવામાં આવ્યો હતો.
જ. દા. તલાટી