તનવીર હબીબ (જ. 1 સપ્ટેમ્બર 1923, રાયપુર; અ. 8 જૂન 2009, ભોપાલ, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય નાટ્યસર્જક. પિતાનું નામ મહંમદ હયાતખાન, માતાનું નામ નિઝિરુન્નિસા. બી.એ. પાસ થયા પછી રૉયલ અકાદમી ઑવ્ ડ્રૅમૅટિક આર્ટ્સ, લંડન; બ્રિટિશ ડ્રામા લીગ, લંડન તથા બ્રિસ્ટૉલ ઑલ્ડ વિક્ટોરિયા થિયેટર સ્કૂલ ખાતે નાટ્યક્ષેત્રની તાલીમ લીધી. 1945માં ઑલ ઇન્ડિયા રેડિયો, મુંબઈ ખાતે નિર્માતા તરીકે જોડાયા. 1946માં મુંબઈના ‘ફિલ્મ ઇન્ડિયા’ સામયિકના સહાયક તંત્રી બન્યા. 1946–53 દરમિયાન જાહેરખબરો તૈયાર કરવાની, ગીતો તથા સંવાદો લખવાની તથા કથાચિત્રોમાં અભિનય કરવાની પ્રવૃત્તિ કરી. 1948–51 દરમિયાન ‘ઇપ્ટા’(Indian peoples’ Theatre Association)ના સક્રિય સભ્ય રહ્યા. તેમણે મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લાની લોકમંચનકલા પ્રયોજી, ત્યાંના જ આદિવાસી કલાકારોની ‘નયા થિયેટર’ નામની નાટ્યમંડળી રચીને નવા ભારતીય નાટ્ય અને એના મંચનની વિભાવના વિકસાવી. ત્યાંથી એમની નાટકની પ્રયોગલક્ષી કારકિર્દી શરૂ થયેલી. શરૂમાં તેમણે થોડાંક એકાંકીઓ લખ્યાં અને ભજવ્યાં. ‘ઇપ્ટા’ની મરાઠી તથા હિંદી શાખા દ્વારા પારંપરિક નાટ્યોનો પ્રથમ પરિચય તેમને થયો; પરંતુ તેમનું ખરું નાટ્યજીવન દિલ્હીમાં શરૂ થયું, જ્યાં એમણે તથા બીજા કેટલાક મિત્રોએ ‘હિંદુસ્થાની થિયેટર’ નામની સંસ્થાઓ, બેગમ કુત્સિયા ઝૈદી, એમ. એસ. સથ્યુ વગેરેના સહકારથી સ્થાપી ઘણાં નાટકો  ભજવ્યા. આ સંસ્થામાં તેમણે 1954માં ‘આગ્રા બઝાર’ નામે નાટક લખ્યું અને પોતે જ તેનું દિગ્દર્શન કર્યું. એમની વિભાવનાના નાટકના સત્યની તલાશમાં હતા તે જાણે કે તેમને ‘આગ્રા બઝાર’માં લાધ્યું. એમાં લોકસંગીત, લોકભાષા, લોકકવિતા પ્રયોજીને બજારમાં ફરતા ફેરિયાઓ, બૂટપૉલિશવાળા, રેંકડીવાળા, પાનપટ્ટીવાળા, ફકીર વગેરે દ્વારા પારંપરિક નાટ્યનાં મુખ્ય તત્ત્વો લાવીને તેમણે ‘આગ્રા બઝાર’ને લોકજીવનથી ધબકતું કર્યું. આ પ્રયોગ દ્વારા તેમણે નાટકની નવી દિશા ખુલ્લી કરી. આ નાટકમાં તેમણે નઝીર અકબરાબાદી જેવા અલગારી(જેને કહેવાતા શિષ્ટ ઉર્દૂ સાહિત્યમાં ભાગ્યે જ બે ત્રણ લીટીથી વધુ સ્થાન મળ્યું છે.)નાં કાવ્યોનો ઉપયોગ કર્યો હતો. આ પછી એમને પોતાના આગવા નાટકની દિશા પ્રાપ્ત થઈ અને પછી તો છત્તીસગઢના આદિવાસી કલાકારોનું ‘નયા થિયેટર’ સ્થાપી લઈ તેમની જ બોલીમાં, તેમના જ જીવનના કથાપ્રસંગો વણી  લઈ ઘણાં નાટકો લખ્યાં અને તેમના દ્વારા ભજવ્યાં. એમને પશ્ચિમમુખી ભારતીય નાટકો તરફ કંઈક નફરત છે. તેમાં તેમને વિદેશની ગંધ આવે છે. તે ધરતીના નાટકના હિમાયતી છે. તો તેમણે મોલિયેર, ગોલ્ડોની, ગોર્કી, ગોગોલ, લોરકા, શેક્સ્પિયર વગેરેનાં નાટકો પણ ‘ર્દશ્યાંતર’ કરીને ભજવ્યાં છે. સંસ્કૃત નાટકોનાં હિંદી રૂપાંતરો કરીને તેમણે ભજવ્યાં છે. અને તેમાંય ‘મિટ્ટી કી ગાડી’(મૃચ્છકટિકમ્)નું છત્તીસગઢી બોલીમાં તેમણે કરેલું રૂપાંતર અદભુત છે; એમ જ લાગે કે કોઈ આદિવાસી કવિએ આ ‘મિટ્ટી કી ગાડી’નું સર્જન કર્યું છે ! બોલી, અંગમરોડ, હલનચલન, ગીત, નૃત્ય, વાદ્ય, વેશભૂષા – એ સર્વેમાં જાણે છત્તીસગઢી આદિવાસી કલાકારોની જ કલા નીતરતી દેખાય અને શુદ્રકના મૂળ નાટકનો કથાતંતુ જ માત્ર નજરે પડે. નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા હોવા ઉપરાંત તન્વીર હબીબ વિદ્વાન પણ હતા, પોતાનાં નાટકોનું ઝીણવટથી વિશ્લેષણ કર્યું છે. પોતે ભારતીય નાટકની ખોજની જે દિશા નિશ્ચિત કરી છે તે ધરતીના નાટકમાં આખુંય જીવન વ્યતીત કર્યું. છત્તીસગઢીમાં લખેલાં એમનાં નાટકો છે : ‘ચરણદાસ ચોર’, ‘ચંદૈની’, ‘જમાદારીન’, ‘મિટ્ટી કી ગાડી’, ‘બહાદૂર કલરીન’, (‘ગુડ વુમન ઑવ્ સેટ્ઝુવાન’) (બ્રેખ્ટ)નું છત્તીસગઢીમાં રૂપાંતર, ‘દેવીકા વરદાન’, ‘શાહ બાદશાહ’ ગોગોલના નાટક ‘ઇન્સ્પેક્ટર જનરલ’નું છત્તીસગઢી રૂપાંતર વગેરે. ઉપરાંત વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’, બોધાયનનું ‘ભગવદજજુકીયમ્’, ભવભૂતિનું ‘ઉત્તરરામચરિતમ્’, ભાસનાં ત્રણ નાટકો ‘દુર્યોધન’ વગેરે સંસ્કૃત નાટકોનાં હિન્દી રૂપાંતરો’ પણ તેમણે ભજવ્યાં છે. એમનું ‘હિરમા કી અમર કહાની’ સંપૂર્ણ નાટક મનાય છે. આપણને ધરતીના નાટકનું ભાન કરાવનારાઓમાં તેમનું સ્થાન પ્રથમ તથા આગવું છે. 1969માં તેમને કેન્દ્રીય સંગીત નાટક અકાદમીનો ઍવોર્ડ એનાયત થયો. 1972–78 દરમિયાન રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. 1983માં ઇન્દિરા કલાવિદ્યાલયની ડી.લિટ્.ની ઉપાધિ, 1984માં મધ્યપ્રદેશ સરકાર તરફથી ‘શિખર સન્માન’, 1990માં કાલિદાસ સન્માન ઍવૉર્ડ વગેરે, 1996માં સંગીત નાટક અકાદમી ફેલોશિપ 2002માં ‘પદ્મભૂષણ’ એનાયત થયાં છે. ભોપાલના ભારત ભુવન ટ્રસ્ટમાં, ‘રંગમંડળ’ નાટ્ય શાખાના નિયામક તરીકે તેમણે સેવા આપી હતી. એમનાં પત્ની મોનિકા મિશ્ર પણ નોંધપાત્ર અભિનેત્રી છે; એમની પુત્રી નઝીને વડોદરાની મ્યુઝિક કૉલેજમાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે.

ગોવર્ધન પંચાલ