તનાવ અને અનુકૂલન

January, 2014

તનાવ અને અનુકૂલન : પરિસ્થિતિમાં થતા ફેરફારથી મનની તનાવભરી સ્થિતિ અને તે સતત રહેતી પરિસ્થિતિ સાથે ગોઠવવાની પ્રક્રિયા. માનસિકતણાવ–તનાવ (stress) અને મનોવેદના (distress) એ આધુનિક ઝડપી યુગનો માનસિક વિકાર છે. આધુનિક જીવન જીવવાની શૈલી જ એવી છે કે જીવનમાંથી સુખસંતોષ, શાંતિ, ધીરજ, હળવાશ, ફુરસદ જેવા અનુભવોની બાદબાકી થતી જાય છે અને ગમે તેવી સિદ્ધિ, સંપત્તિ તથા પ્રતિષ્ઠા મેળવવા છતાં પણ મનુષ્ય મોટેભાગે રઘવાટ, ઉચાટ, અશાંતિ અને અસંતોષથી પીડાતો જોવા મળે છે.

માનસિક તનાવ આબાલવૃદ્ધ સૌ કોઈને થાય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓમાં માનસિક તનાવ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

તનાવથી શરીરમાં કેટલાક ફેરફારો થાય છે. સામાન્ય સંજોગોમાં પ્રત્યેક મિનિટ 70 થી 80ની ઝડપે ધબકતું હૃદય 180થી 200ની ઝડપે ધબકવા માંડે છે. લોહીનું દબાણ 120/130થી વધીને 200ની સપાટીને આંબી જાય છે. હૃદયની ધમનીઓમાં તાવ આવવાને કારણે હૃદયરોગના હુમલાની શક્યતાઓ વધી જાય છે. પેટ અને આંતરડામાં તાવ આવવાથી પાચનક્રિયા ખોરવાઈ  જાય છે. તનાવને કારણે અકાળ સફેદ થતા વાળ, નાની ઉંમરે ચામડી પર દેખાતી કરચલી, ઊંડી ઊતરી ગયેલી આંખો વ્યક્તિના દેખાવ પર પણ વિપરીત અસર કરે છે.

કારણો : બાળક જન્મતાંની સાથે જ માનસિક તનાવ અનુભવવો શરૂ કરી દે છે. નવજાત શિશુને માતાનું દૂધ ન મળે તો તે તનાવ અનુભવવો શરૂ કરી દે છે. નોકરી તથા વ્યવસાયમાં વ્યસ્ત માતા બાળકથી દૂર રહેતી હોય અને ઘણા કલાકો પછી બાળકની નજીક આવી તેને પ્રેમથી નવડાવી દેતી હોય તો પ્રેમની આવી અનિશ્ચિતતામાં  પણ બાળક સતત તનાવગ્રસ્ત રહે છે.

બાલ્યાવસ્થામાં શાળાએ જવાનો બોજ, ભણવાના વિવિધ વિષયો, ઢગલાબંધ હોમવર્ક, વારંવાર લેવાતા ટેસ્ટ માટેની તૈયારી, શાળાનું સ્પર્ધાત્મક વાતાવરણ વગેરે તનાવ પેદા કરવા માટે સક્ષમ છે.

તરુણાવસ્થા અને યુવાવસ્થામાં અભ્યાસ અને કારકિર્દીની ચિંતા તથા વિજાતીય પ્રેમ અને મૈત્રી સંબંધો પણ તનાવ પેદા કરે છે. દાંપત્ય-જીવન રોજ-બ-રોજના તનાવથી ભરપૂર હોય છે. ઘર ચલાવવાની સમસ્યા, બાળકોના અભ્યાસ અને ઘડતરની ચિંતા, કૌટુંબિક જવાબદારી, સામાજિક જવાબદારી, ધંધારોજગારની લીલીસૂકી, આરોગ્યને લગતી સમસ્યાઓ, ઉપરાંત મોટી ઉંમરે સ્ત્રીઓમાં થતી રજોનિવૃત્તિની પ્રક્રિયા, મોટાં થતાં જતાં સંતાનોની સમસ્યા વગેરે અસંખ્ય તનાવોનો સામનો પ્રત્યેક વ્યક્તિએ કરવો પડે છે.

મન અને શરીર વચ્ચેનો સંબંધ કોઈ પણ વ્યક્તિ જ્યારે તનાવનો અનુભવ કરે ત્યારે તેનું  મન અને શરીર તનાવગ્રસ્ત પરિસ્થિતિ સામે અનુકૂલન સાધવા ત્રણ તબક્કાઓમાં પ્રતિભાવ આપે છે:

પ્રથમ તબક્કાને સતર્કતા અને સચેતતા(alarm)નો તબક્કો કહે છે. આ તબક્કામાં હૃદયના ધબકારા, લોહીનું દબાણ અને  શ્વાસોચ્છવાસ  વધી જાય છે. શરીરના સ્નાયુઓમાં ખેંચાણ ઊભું થાય છે. આંખની કીકીઓ પહોળી થઈ જાય છે. શરીરમાં પરસેવો છૂટે છે. ચામડીનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. પાચનક્રિયા મંદ પડે છે અને તનાવની પરિસ્થિતિ સામે લડવું કે એમાંથી છટકવું એ નક્કી કરાય છે.

બીજો તબક્કો મનાવરોધ(resistance)નો છે. તેમાં વ્યક્તિનું શરીર તનાવનો મુકાબલો કરવા સજ્જ થાય છે; પરંતુ તનાવ પેદા કરનારાં કારણો જો દૂર ન થાય તો વ્યક્તિ તનાવ સામે પહોંચી વળવા માટે અનુકૂલન સાધી શકતી નથી.

ત્રીજા તબક્કામાં માનસિક થકાવટ (exhaution) અનુભવાય છે. આ સ્થિતિ જો લાંબો સમય ચાલુ રહે તો શરીરના કોષોમાં ઘસારાનાં ચિહ્નો જોવા મળે છે. આને કારણે મનોશારીરિક દર્દો શરૂ થાય છે. જેમાં હૃદયના રોગો, ડાયાબિટીસ, હાયપોથાયરોઇડિઝમ, માથાનો દુખાવો, માઇગ્રેઇન, અનિદ્રા, વ્યગ્રતા, ફોબિયા, હિસ્ટીરિયા, વિચારવાયુ, જાતીય તકલીફો, વાળ સફેદ થઈ જવા, ચામડીના રોગો, સાંધાનો દુખાવો વગેરે અનુભવાય છે.

ઉપચાર : તેને માટે કેટલાક સરળ ઉપચારો છે જેથી માનસિક હળવાશ અનુભવી શકાય છે. માનસિક હળવાશ અથવા શિથિલન(relaxation)નો અનુભવ કરાવે તેવી દવાઓ ઉપલબ્ધ હોય છે. તેને પ્રશાંતકો (tranquillizers) કહે છે. તેમનો ઉપયોગ તબીબી સલાહ અને અવલોકન હેઠળ કરવાનું સૂચવાય છે.

માનસિક હળવાશની વિવિધ પદ્ધતિઓ; જેવી કે, સ્વસૂચનો, સંમોહન, સ્વસંમોહન, યોગ, ધ્યાન વગેરે તનાવ ઘટાડે છે. કેટલાક કિસ્સામાં તનાવ-વ્યવસ્થાપન (stress management) માટે વર્તનચિકિત્સા (behaviour therapy) દ્વારા વર્તણૂક સુધારવાની સારવારની જરૂર પડે છે. તેવી જ રીતે જૈવિક પ્રતિપોષી (bio-feed back) દ્વારા થતી વર્તનચિકિત્સા અને વિચારચિકિત્સા ઉપયોગી રહે છે. ગુસ્સો આવે ત્યારે શારીરિક શ્રમ, વ્યાયામ, બાગકામ વગેરે અન્ય શારીરિક શ્રમ તનાવ ઘટાડે છે. સારું સંગીત સાંભળવું અને મનને બીજી પ્રવૃત્તિમાં પરોવી શકે તેવી ક્રિયા કરવાથી પણ તનાવ ઘટે છે. પોતાની સમસ્યાની વિશ્વાસુ વ્યક્તિ સાથે ચર્ચા કરવાથી મન હળવું થાય છે. એકસાથે ઘણાં બધાં કામો હાથમાં લેવાથી તનાવ વધે છે. અને તેને પૂરાં કરવાનો દુરાગ્રહ પણ તનાવ વધારે છે. અનિવાર્ય પરિસ્થિતિનો સ્વીકાર તનાવ ઘટાડે છે. વધારે પડતી મહત્વાકાંક્ષાઓ અને અપેક્ષાઓ તનાવ સર્જે છે. આપમેળે મનના તનાવ ઘટાડવાની દવા શરૂ કરવાનું ટાળવું જોઈએ. પૂરતી ઊંઘ અને આરામ મળે તથા કામકાજ અને મનોરંજનનો સમય જળવાઈ રહે, ક્યારેક નમતું જોખવાની તૈયારી, બીજાઓ માટે સુલભ બનવાની રીત, બધાને ખુશ ન રાખી શકાય તેનો સ્વીકાર, રોજબરોજની સમસ્યાઓને પહોંચી વળવાની ક્ષમતા કેળવવી અને જરૂર પડ્યે તે માટે યોગ્ય સારવાર લેવી વગેરે વિવિધ ઉપાયો અને વલણો વડે અનુકૂલન સાધવું મુશ્કેલ નથી હોતું.

મૃગેશ વૈષ્ણવ