તત્વમીમાંસા (metaphysics) : સત્ (being) એટલે કે હોવાપણાના સર્વસામાન્ય (general) સ્વરૂપનો અભ્યાસ. ઍરિસ્ટોટલે આવા અભ્યાસને ‘પ્રથમ ફિલસૂફી’ (first philosophy) તરીકે ઓળખાવ્યો હતો. સતનો સત્ તરીકેનો અભ્યાસ એટલે પ્રથમ ફિલસૂફી. ઍરિસ્ટોટલની કૃતિઓનું એન્ડ્રૉનિક્સે સંપાદન કર્યું હતું. તેમણે ફિલસૂફીને લગતી ઍરિસ્ટોટલની કૃતિઓને ઍરિસ્ટોટલના ‘ફિઝિક્સ’ પછી મૂકી હતી. તેને લીધે તે ફિલસૂફીને ‘ફિઝિક્સ’ પછી આવતા અભ્યાસ તરીકે, ‘metaphysics’ (meta=after) તરીકે ઓળખાવવામાં આવી. સતવિષયક વિચારણાને એટલે કે પ્રથમ ફિલસૂફીને એન્ડ્રોનિક્સની વિશિષ્ટ સંપાદકીય ગોઠવણીને લીધે ‘મેટાફિઝિક્સ’ તરીકે ઓળખવાની પ્રથા પડી ગઈ. ઍરિસ્ટોટલે પોતે તે શબ્દ પ્રયોજ્યો ન હતો.

તત્વમીમાંસા કરતાં ‘તત્વચિંતન’ (philosophy) શબ્દ વિશાળ અર્થમાં પ્રયોજાય છે; કારણ કે તેમાં તત્વમીમાંસા ઉપરાંત નીતિવિચાર, સૌંદર્યવિચાર, જ્ઞાનવિચાર વગેરે વિવિધ વિષયોનો સમાવેશ થાય છે.

પ્રાચીન પાશ્ચાત્ય તત્વચિંતન ઈ. સ. પૂ. 585થી ઈ. સ. 529 સુધીના ગાળામાં પ્રવર્ત્યું હતું. તેમાં ઈ. સ. પૂ. 585થી ઈ. પૂ. 400નો ગાળો સૉક્રેટિસ પૂર્વેના ચિંતનનો સમયગાળો હતો. પ્રાચીન ગ્રીક ચિંતનમાં તત્ત્વમીમાંસાના કેટલાક પ્રશ્નો અને તેને લગતાં કેટલાંક વિધાનો કરવામાં આવ્યાં હતાં. તેમાં પરસ્પર વિરુદ્ધ એવી તાત્વિક રજૂઆતોનાં કેટલાંક ર્દષ્ટાંતો નીચે પ્રમાણે છે :

(1) (ક) તમામ વસ્તુઓના મૂળમાં એક અને માત્ર એક જ સતત્વ કે દ્રવ્ય (substance) રહેલું છે. (થેઇલ્સ, ઍનેક્ઝીમેન્ડર, ઍનેક્રિઝીમીનિસ).

(ખ) સત્-તત્વો અનેક છે અને એકમાત્ર મૂળ તત્વનો ખ્યાલ જ સ્વીકાર્ય નથી. (એમ્પિડોક્લિસ; ડેમાક્રિટસ).

(2) (ક) અસત્માંથી કોઈ સત્ ઉદભવી શકે નહીં અને સતમાંથી અસત્ થઈ શકે નહીં. તેથી પરિવર્તન શક્ય જ નથી અને ઇન્દ્રિયાનુભવથી આપણને જે પરિવર્તન દેખાય છે તેના અનુભવો વિશ્વસનીય નથી. (પાર મિનિડીસ.)

(ખ) જગત સતત પરિવર્તનશીલ છે અને તે અંગેનું આપણું ઇન્દ્રિયગમ્ય જ્ઞાન અવિશ્વસનીય નથી. (હેરેક્લાયરસ).

(3) (ક) સર્વદેશીય નિરપેક્ષ જ્ઞાન શક્ય જ નથી. (સૉફિસ્ટો, જેમ કે, પ્રોટોગોરાસ),

(ખ) નૈતિક ક્ષેત્રે ન્યાય, સદગુણ વગેરે અંગેની સર્વદેશીય વસ્તુલક્ષી વિભાવનાઓ (concepts) શક્ય છે. (સૉક્રેટિસ).

(ગ) પરિવર્તનશીલ અને અનિત્ય એવા ઇન્દ્રિયગમ્ય વિષયોનું જ્ઞાન સાચા અર્થમાં જ્ઞાન જ નથી. સાચું જ્ઞાન તર્કબુદ્ધિગમ્ય (rational) વસ્તુલક્ષી નિત્ય અને સર્વદેશીય હોય છે. તેના વિષયો કેવળ બુદ્ધિગમ્ય એવાં સામાન્યો (universals) કે સત્વો (essence) કે રૂપતત્વો (forms) હોય છે (પ્લેટો).

(4) (ક) જુદી જુદી ગાયોમાં ગોત્વ (ગાય હોવાપણું), જુદા જુદા અશ્વોમાં અશ્વત્વ, જુદા જુદા માણસોમાં મનુષ્યત્વ એમ એક જ વર્ગની જુદી જુદી વસ્તુઓમાં જે સમાન  છે તેને ‘સામાન્ય’ કહેવાય છે. તેવાં સામાન્યો રૂપતત્વો છે. એક જ વર્ગની જુદી જુદી વસ્તુઓને વિશેષો (particulars) કહેવાય છે. સામાન્યો કેવળ બુદ્ધિગમ્ય છે, વિશેષો ઇન્દ્રિયગમ્ય છે. સામાન્ય વિશેષોથી અલગ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તે વિશેષોના સત્વ તરીકે અપરિણામી (unchanging) નિત્ય અને સર્વદેશીય છે (પ્લેટો).

(ખ) સામાન્ય અને વિશેષોનો ભેદ બરાબર છે પણ વિશેષોથી અલગ અને સ્વતંત્ર રીતે સામાન્યો અસ્તિત્વમાં હોતાં જ નથી. ગોત્વ ગાયોથી સ્વતંત્ર રહેતું નથી, અશ્વત્વ અશ્વોથી સ્વતંત્ર રીતે રહેતું નથી અને સફેદપણું સફેદ વસ્તુઓથી સ્વતંત્ર રીતે રહેતું નથી. ખરેખર તો વિશેષ ગાયોમાં ગોત્વ કે વિશેષ અશ્વોમાં અશ્વત્વ એના હાર્દ કે સત્વ તરીકે રહે છે. એટલે જ આ મકાન, આ ગાય કે સૉક્રેટિસ પ્રાથમિક દ્રવ્યો (substances) છે. આવાં પ્રાથમિક દ્રવ્યોમાં રૂપ અને ઉપાદાન (matter) અવિભાજ્ય રીતે સંયોજિત થયેલાં હોય છે (ઍરિસ્ટોટલ).

ઉપર દર્શાવેલી તત્વમીમાંસા અંગેની થેઇલ્સથી ઍરિસ્ટોટલ સુધીની ટૂંકી તાત્વિક રજૂઆતોથી સ્પષ્ટ થાય છે કે અનેક વિરુદ્ધ એક, પરિવર્તન વિરુદ્ધ નિત્યત્વ, સાપેક્ષ વિરુદ્ધ નિરપેક્ષ, ઇન્દ્રિયગમ્ય જ્ઞાન વિરુદ્ધ બુદ્ધિગમ્યજ્ઞાન વગેરે વિચારદ્વંદ્વોને અનુલક્ષીને તત્ત્વમીમાંસાના ક્ષેત્રમાં વિચારણા આગળ ચાલી હતી. આ ઉપરાંત ચેતન-જડ આત્મા-શરીર વગેરે ભેદોની પણ જુદા જુદા સંદર્ભમાં ચર્ચા શરૂ થઈ હતી.

મધ્યકાલીન ખ્રિસ્તી ચિંતનપરંપરામાં પણ પ્લેટોવાદી અથવા ઍરિસ્ટૉટલવાદી તત્વમીમાંસાની વિચારકોટિઓ પ્રયોજાતી હતી અને ખ્રિસ્તીપંથનાં ગૃહીતો સાથે ગ્રીક તત્વમીમાંસાની વિચારકોટિઓની સંગતિ બેસાડવામાં આવતી હતી. દા.ત; ઑગસ્ટીન પ્લેટોને અનુસર્યા હતા અને એકવીનાસ ઍરિસ્ટોટલને અનુસર્યા હતા. રૂપ-ઉપાદાન સામાન્ય-વિશેષ અને સત્વ-અસ્તિત્વ ઉપરાંત સર્જિત–અસર્જિત તત્વની વિચારણા આ સમયગાળામાં એટલે ઑગસ્ટીન (ઈ. સ. 354 – 430)થી વિલિયમ ઑવ્ ઓખામ (ઈ. સ. 1285–1349) સુધી મહત્વની બની રહી. મધ્યકાલીન યુરોપીય ખ્રિસ્તી તત્વમીમાંસામાં સામાન્ય-વિશેષના પશ્ને નીચેના ત્રણ અભિગમો મુખ્ય હતા :

(ક) સામાન્યવાચક શબ્દો કેવળ સર્વસામાન્ય શબ્દો જ છે. સામાન્યોનું ભાષાબાહ્ય અસ્તિત્વ નથી; દા. ત., ‘ગોત્વ’ એ માત્ર શબ્દ જ છે, ગાયો ઉપરાંત ગોત્વ નામનું વધારાનું તત્વ ભાષા બહારની દુનિયામાં અસ્તિત્વમાં નથી. આ અભિગમને ‘નામમાત્રવાદ’ (nominalism) કહેવાય છે. રૉસ્કેલીન, ડન્સ સ્કૉટસ અને ઓખામ નામમાત્રવાદીઓ હતા.

(ખ) સામાન્યવાચક શબ્દો માત્ર માનસિક વિભાવનાઓ (concepts) દર્શાવે છે. એટલે ગોત્વ, મનુષ્યત્વ વગેરેનું આ કે તે ગાયોથી ભિન્ન અસ્તિત્વ નથી. ફ્રેન્ચ ઈશ્વરમીમાંસક એબૅલાર્ડે આ અભિગમ રજૂ કર્યો હતો.

(ગ) સામાન્યવાચક શબ્દોથી નિર્દેશિત તત્વો મનોબાહ્ય અને ભાષાબાહ્ય અસ્તિત્વ ધરાવે છે. આવા અભિગમને ‘વાસ્તવવાદ’ (realism) કહે છે. પ્લેટોવાદી વાસ્તવવાદ પ્રમાણે સામાન્યો મનોબાહ્ય, ભાષાબાહ્ય અને વિશેષોથી અલગ એવું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ઍરિસ્ટોટલવાદી વાસ્તવવાદ પ્રમાણે સામાન્યો મનોબાહ્ય તેમજ ભાષાબાહ્ય તો છે જ પણ તે વિશેષોની અંદર જ તેના સત્વ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એકવીનાસે ઍરિસ્ટોટલવાદી વાસ્તવવાદ સ્વીકાર્યો હતો.

સામાન્ય-વિશેષની જેમ સત્વ-અસ્તિત્વના પ્રશ્ને પણ મધ્યકાલીન ખ્રિસ્તી તત્વચિંતનમાં મહત્વની રજૂઆતો થઈ હતી. વસ્તુ શું છે તે જાણવું એટલે તેનું સત્વ જાણવું જ્યારે વસ્તુ છે તેમ જાણવું એટલે તેનું અસ્તિત્વ જાણવું. ઍરિસ્ટોટલને અનુસરીને એક્વીનાસે સ્પષ્ટ કર્યું કે સત્વ વસ્તુઓની અંતર્ગત જ હોય છે. સત્વ એટલે વસ્તુનાં અનિવાર્ય (necessary) અને પર્યાપ્ત લક્ષણોનો સમૂહ. આવાં લક્ષણોને લીધે જ કોઈ વસ્તુ ગાય, પર્વત, ટેબલ, વૃક્ષ કે મકાન તરીકે ઓળખાય છે. જો F Yનું સત્વ હોય તો F ના અભાવમાં Y Y હોઈ શકે નહીં. ઈશ્વર જ એવી હસ્તી છે કે જેનું અસ્તિત્વ તેના સત્વનો જ ભાગ છે. બાકીની કોઈ વસ્તુના સત્વમાં તેનું અસ્તિત્વ અનિવાર્ય રીતે સમાયેલું હોતું નથી. તેથી જ ઈશ્વર અનિવાર્ય રીતે અસ્તિત્વમાં હોય છે. બાકીની વસ્તુઓનું અસ્તિત્વ અન્યાધીન (contingent) છે. સત્વ અસ્તિત્વના ભેદને આધારે ઈશ્વરના અસ્તિત્વની તાર્કિક સાબિતી એન્સેલ્મે રજૂ કરી હતી. જેનો પ્રભાવ  ડેકાર્ટથી શરૂ થયેલા આધુનિક ચિંતનમાં પણ વ્યાપક રીતે પડ્યો છે. અઢારમી સદીમાં કાન્ટે ઈશ્વરની આવી સત્તાલક્ષી (ontological) સાબિતીની અસ્વીકાર્યતા દર્શાવી હતી.

સત્તરમી અને અઢારમી સદીમાં નવાં પ્રાકૃતિક વિજ્ઞાનોના સંદર્ભમાં વિકસેલી યુરોપીય તત્વમીમાંસામાં દ્રવ્યની વિભાવના વિશે ભારે ઊહાપોહ થયો છે. ઍરિસ્ટોટલે જગતને કુદરતી વર્ગો કે જાતિઓમાં વિભાજિત એવા જગત તરીકે ઘટાવ્યું હતું. તેથી દરેક વસ્તુ તે તે જાતિના સભ્ય તરીકે તે તે વર્ગ કે જાતિનું સત્વ મૂર્ત કરે છે તેવું ઍરિસ્ટોટલે દર્શાવ્યું હતું. અશ્વો, ફૂલો, પર્વતો, નદીઓ, મનુષ્યો વગેરે તે તે વર્ગના સભ્યો છે. આ વર્ગો મનુષ્યોએ બનાવ્યા નથી પણ તે સંશોધનથી ઓળખવામાં આવે છે. અને વસ્તુલક્ષી (objective) હોય છે. ડેકાર્ટે ઍરિસ્ટોટલનો સત્વવાદ (essentialism) સ્વીકાર્યો, પણ વસ્તુના અનેક કુદરતી વર્ગોને બદલે તેમણે બે જ પ્રકારનાં દ્રવ્યો સ્વીકાર્યાં—ભૌતિક દ્રવ્ય (material substance) અને માનસિક સચેતન દ્રવ્ય (mental substance). વિસ્તાર એ ભૌતિક દ્રવ્યનું સત્ત્વ છે. જ્યારે વિચાર એ માનસિક દ્રવ્યનું સત્ત્વ છે. જગતની તમામ વસ્તુઓના તમામ ગુણધર્મોને અંતે માત્ર બે જ વિકલ્પો વડે સમજાવી શકાય છે. એેટલે જ કાં તો વસ્તુ વિસ્તારયુક્ત જડપદાર્થનું કોઈ રૂપાંતર હોય અથવા તો વસ્તુ વિચારશીલ અભૌતિક ચિત્તદ્રવ્યનું રૂપાંતર હોય. આમ ઘણી બધી જાતિઓ (kinds) ધારવાને બદલે બે પ્રકારનાં દ્રવ્યોથી તમામનો ખુલાસો મેળવી શકાય છે અને આવો ખુલાસો બૌદ્ધિક જ્ઞાનથી જ આપી શકાય છે. જડદ્રવ્ય અને ચિત્તદ્રવ્ય એ સર્જિત દ્રવ્યો છે જ્યારે ઈશ્વર અસર્જિત દ્રવ્ય છે. ઈશ્વર અપરિમિત છે. તેના સત્ત્વમાં તેનું અસ્તિત્વ ફલિત થાય છે અને તેથી તે તાર્કિક અનિવાર્યતાથી અસ્તિત્વમાં છે.

સ્પિનોઝાએ ઈશ્વરનું અસ્તિત્વ ડેકાર્ટની જેમ તાર્કિક રીતે અનિવાર્ય ગણ્યું. તેમણે ઈશ્વર અને દ્રવ્યને એક ગણ્યાં તેમજ ડેકાર્ટનાં બે સર્જિત દ્રવ્યોને સ્થાને એક અને એકમાત્ર દ્રવ્યને સ્વીકાર્યું. વિશ્વની સમગ્રતા (totality) એટલે ઈશ્વર. સત્ની કે જ્ઞાનની ર્દષ્ટિએ કોઈ વસ્તુ ઈશ્વર ઉપર આધારિત ન હોય તેવું નથી. જે પોતે પોતાનું કારણ છે, જે પોતે પોતાનું જ સ્પષ્ટીકરણ છે જેની વિભાવના અન્ય કોઈ વિભાવના ઉપર આધારિત નથી તે જ દ્રવ્ય છે. આવું દ્રવ્ય એક, અપરિમિત અને અનિવાર્ય સત્ છે. વિચાર અને વિસ્તાર તેના ગુણધર્મો (attributes) દુનિયાની તમામ વસ્તુઓ કાં તો વિસ્તારના ગુણધર્મ હેઠળ સમાવેશ પામતી વિશેષ વસ્તુઓ છે. અથવા તો વિચારના ગુણધર્મ હેઠળ સમાવેશ પામતી વિશેષ વસ્તુઓ છે. સ્પિનોઝા દ્રવ્યને ઈશ્વર અથવા પ્રકૃતિ તરીકે ઘટાવે છે. ઈશ્વરને અપરિમિત (infinite) ગુણધર્મો છે અને તે દરેક ગુણધર્મ અપરિમિત છે.

દ્રાવ્યના અસ્તિત્વનો આધાર દ્રવ્ય પોતે જ છે તેવો સ્પિનોઝાનો ખ્યાલ લાયબ્નિઝને માન્ય નથી. લાયબ્નિઝ પ્રમાણે જે પોતાના અસ્તિત્વનો નહીં પણ પોતાના સ્વરૂપનો પર્યાપ્ત આધાર હોય તે તત્વને દ્રવ્ય કહેવાય. આવા  દ્રવ્યની તમામ અવસ્થાઓ તેના પોતાના સ્વરૂપમાંથી જ ફલિત થતી હોય છે. આ ર્દષ્ટિએ લાયબ્નિઝ અનેક  દ્રવ્યો સ્વીકારે છે. આવાં દ્રવ્યો સ્વતંત્ર, સ્વાયત્ત, અનન્ય નિરંશ અને અવિભાજ્ય તેવા ચૈતન્યમય એકમો (ચિદણુઓ–monads) છે. આવાં તત્વો વિસ્તારવિહીન છે અને તેનું અસ્તિત્વ ઈશ્વરાધીન છે પણ તે સિવાય તે સ્વાયત્ત અને અનન્ય છે. આપણા પ્રતિભાસમાન જગતના મૂળમાં સદવસ્તુ તરીકે આવાં ચૈતન્યમય એકમો પ્રવર્તે છે.

લૉકે દ્રવ્યને ગુણોના અજ્ઞાત આધાર તરીકે ગણ્યું તો બર્કલીએ પ્રત્યક્ષાનુભવથી સ્વતંત્ર એવા ભૌતિક દ્રવ્યની વિભાવનાને જ અસ્વીકાર્ય ગણી હતી. તેથી બર્કલી પ્રમાણે ભૌતિકવાદ અસમર્થિત, અનાવશ્યક, અર્થવિહીન, વ્યાઘાતી અને અસત્ય ગણાયો છે. હ્યૂમે તો પ્રત્યક્ષ કરનાર તરીકે ચિત્ત દ્રવ્યો અને પ્રત્યક્ષ થનાર તરીકે અ-દ્રવ્યો(non-substance)ના બર્કલીના ભેદને જ પડકાર્યો. સતત રીતે ટકી રહેતા જ્ઞાતાથી સ્વતંત્ર એવા ભૌતિક દ્રવ્યને કે માનસિક અવસ્થાઓના અધિષ્ઠાન રૂપે ચિત્તદ્રવ્યને કે સ્વતત્વ(self)ને તાર્કિક રીતે અને અનુભવને આધારે સ્થાપી શકાય તેમ નથી તેવું હ્યૂમે જણાવ્યું. કાન્ટે કાર્યકારણત્વ (causality) અને અન્ય મૌલિક વિચારકોટિઓની જેમ દ્રવ્યની કોટિને બાહ્ય પદાર્થોના જગતને બુદ્ધિગમ્ય બનાવવા માટે અનિવાર્ય ગણી. જોકે કાન્ટ પ્રમાણે પણ સ્વતત્વનું અધિષ્ઠાન કે દ્રવ્ય તરીકેનું જ્ઞાન શક્ય જ નથી. અને સદવસ્તુને દ્રવ્યની કોટિ લાગુ પડતી નથી.

આધુનિક પાશ્ચાત્ય તત્વવિચારમાં દ્રવ્યવિચારની જેમ મન-શરીર સંબંધ અંગેના વિચારમાં પણ પરસ્પરવિરોધી સ્થાપનાઓ જોવા મળે છે. તેમાં મુખ્ય બે અભિગમો છે : એકતત્વવાદ (monism) અને દ્વૈતવાદ (dualism). એકતત્વવાદમાં ત્રણ મત છે : કેવળ જડવાદ, કેવળ ચૈતન્યવાદ અને તટસ્થવાદ. કેવળ જડવાદ કે ભૌતિકવાદ પ્રમાણે જે કંઈ છે તે સદવસ્તુ તરીકે તો માત્ર ભૌતિક સતતત્વ છે; કેવળ ચૈતન્યવાદ પ્રમાણે જે કંઈ છે તે સદવસ્તુ તરીકે ચૈતન્યતત્વ જ છે અને તટસ્થવાદ પ્રમાણે જે કંઈ છે તે મૂળ જડ કે ચેતન નથી પણ તટસ્થ (neutral) છે. દ્વૈતવાદ પ્રમાણે મન અને શરીર બે ભિન્ન સદવસ્તુઓ (realities) છે. તેમાં ત્રણ મત છે. દ્વૈતવાદી આંતરક્રિયાવાદ પ્રમાણે મન-શરીર વચ્ચે પરસ્પરની આંતરક્રિયા છે જ્યારે સમાન્તરવાદ પ્રમાણે બંને વચ્ચે કોઈ આંતરક્રિયા નથી, પરંતુ બંને એકબીજાને સમાન્તર છે. પરંતુ ઉપઘટનાવાદ પ્રમાણે માનસિક બાબતો શારીરિક બાબતોનું હંમેશાં પરિણામ જ હોઈ શકે અને તે કદી માનસિક બાબતો શારીરિક ઘટનાઓનું કારણ હોઈ શકે નહીં.

મન-શરીર સંબંધની સમસ્યા સાથે સંકળાયેલી મનુષ્યના સંકલ્પ-સ્વાતંત્ર્યની સમસ્યા પણ પાશ્ચાત્ય આધુનિક તત્વમીમાંસામાં વિવિધ રીતે વિચારવામાં આવી છે. આ સમસ્યાનું મૂળ નીચેની આપત્તિમાં રહેલું છે :

જો મનુષ્યનાં કાર્યોને કારણો ન હોય તો તે કાર્યો માત્ર યાર્દચ્છિક રીતે ઉદભવ્યાં ગણાય; પરંતુ જો તેમ હોય તો મનુષ્ય પોતાના મુક્ત સંકલ્પ(free will)થી વર્ત્યો ન ગણાય.

પરંતુ બીજી બાજુ, જો મનુષ્યનાં તમામ કાર્યો પુરોગામી નિયત કારણોનાં જ પરિણામો હોય તો તે તેવાં કારણોને અધીન હોવાથી તે કાર્યોને મુક્ત રીતે પસંદ થયેલાં કાર્યો ન ગણાય.

ઉપરના બંને વિકલ્પો મનુષ્યને માટે પોતાનાં કાર્યોની પસંદગી માટેનું સ્વાતંત્ર્ય અશક્ય બનાવે છે.

આપણે જેને ઇચ્છીએ તેની પસંદગી કરવામાં આપણે સ્વતંત્ર હોઈએ તોપણ આપણે જેની ઇચ્છા કરીએ છીએ તેની ઇચ્છા કરવામાં આપણે મુક્ત છીએ કે કેમ તે પ્રશ્ન તો રહે જ છે. કાન્ટની ર્દષ્ટિએ નૈતિક ક્ષેત્ર માટે ઈશ્વર આત્માની અમરતા અને મુક્ત સંકલ્પ સ્વાતંત્ર્યની ધારણાઓને અનિવાર્ય ગૃહીતો (postulates) તરીકે સ્વીકારવી પડે છે પણ સૈદ્ધાંતિક તર્કના ક્ષેત્રે નિયતિવાદ (determinism) વિરુદ્ધ સંકલ્પસ્વાતંત્ર્યનો પ્રશ્ન અનિશ્ર્ચયક્ષમ (undecidable) છે.

પાશ્ચાત્ય તત્વમીમાંસામાં અત્યંત આત્મસભાનતાથી ખુદ તત્વમીમાંસા શક્ય છે કે કેમ તે અંગે ઊહાપોહ થયો છે. તર્કબુદ્ધિવાદ (rationalism) પ્રમાણે તો અનુભવથી સ્વતંત્ર રીતે મનુષ્યની તર્કબુદ્ધિ સતતત્વના સ્વરૂપ અંગેનાં તાર્કિક રીતે અનિવાર્ય સત્વો સ્થાપી શકે છે. આવા અભિગમ પ્રમાણે ઇન્દ્રિયાનુભવથી મળતું જ્ઞાન બુદ્ધિગમ્ય જ્ઞાન કરતાં ઊતરતી કોટિનું છે. જગતની મૂળભૂત સંરચના તર્કબુદ્ધિને સુલભ છે. તેની સામે અનુભવવાદ(empiricism)નો દાવો એ છે કે તાર્કિક રીતે અનિવાર્ય સત્યો તર્કબુદ્ધિથી જાણી શકાય છે તે સાચું છે, પણ અનુભવથી નિરપેક્ષ રીતે જાણેલાં આવાં સત્યો જગતની વાસ્તવિકતા અંગે કોઈ જ્ઞાન આપી શકે તેમ નથી. જગતનાં તથ્યો(facts)ને લગતું આપણું તમામ જ્ઞાન કેવળ અનુભવગમ્ય હોય છે. તે ક્યારેય શુદ્ધ તર્કબુદ્ધિથી પ્રાપ્ય હોતું નથી. સદવસ્તુના સ્વરૂપ અંગે કે વાસ્તવિક જગત અંગેનું કોઈ પણ જ્ઞાન અનુભવનિરપેક્ષ (પ્રાગાનુભવિક; a–priori) હોઈ શકે નહીં. તાર્કિક રીતે જે અનિવાર્ય છે, તાર્કિક રીતે જે અશક્ય છે અને તાર્કિક રીતે જે શક્ય છે તેનું જ્ઞાન અવશ્ય તર્કબુદ્ધિ આપે છે પણ જે શક્ય છે તેમાંથી ખરેખર શું અસ્તિત્વ ધરાવે છે તેનું જ્ઞાન ઇન્દ્રિયાનુભવ સિવાય મળી જ શકે નહીં. હ્યૂમના મતે તત્ત્વમીમાંસાની મૂળભૂત વિભાવનાઓ જ અસમર્થિત છે.

કાન્ટે તર્કબુદ્ધિવાદ અને અનુભવવાદ બંનેના સત્યાંશોને પોતાની સમીક્ષાલક્ષી મૂળગામી (transcendental) ચિંતનમાં સમાવી લીધા. કાન્ટની ર્દષ્ટિએ સદ્વસ્તુનું જ્ઞાન આપનાર પારગામી, ઇન્દ્રિયાતીત (transcendent) તત્વમીમાંસા શક્ય જ નથી; એટલે કે સ્વતત્વ, ઈશ્વર કે સમગ્ર સૃષ્ટિનું જ્ઞાન ક્યારેય શક્ય નથી. કાન્ટ પ્રમાણે જે અનુભવમાંથી તારવ્યું ન હોય, જેનું સમર્થન કે ખંડન અનુભવને આધારે થઈ શકતું ન હોય અને છતાં અનુભવને સમજવા માટે જે અનિવાર્ય હોય તેવી બાબતોનું જ્ઞાન એટલે કે મૂળગામી જ્ઞાન શક્ય છે તેથી અનુભવના સ્વરૂપની તત્ત્વમીમાંસા (metaphysics of experience) શક્ય છે; પરંતુ સદવસ્તુની તત્વમીમાંસા, (metaphysics of reality) શક્ય નથી, કારણ કે તમામ વૈજ્ઞાનિક જ્ઞાન કેવળ ભાસમાન વિશ્વ(phenomenal world)નું જ હોય છે અને વસ્તુ સ્વયં (thing-in-itself) તત્ત્વત: અજ્ઞેય છે.

પાશ્ચાત્ય તત્વમીમાંસામાં રસપ્રદ બાબત એ છે કે તત્વમીમાંસા શક્ય છે અને તે શક્ય જ નથી તેવી સ્વાપનાઓ છેલ્લી ત્રણ સદીમાં જુદે જુદે રૂપે રજૂ થયા જ કરી છે; દા.ત., અઢારમી સદીમાં કાન્ટે પરંપરાગત તત્વમીમાંસાને અશક્ય ગણીને દર્શાવ્યું કે આપણી કેટલીક મૂળભૂત વિભાવનાઓ પણ સદવસ્તુને લાગુ પડી શકે નહીં. તેની સામે ઓગણીસમી સદીના પ્રારંભે જ કાન્ટના મતને પડકારીને સતતત્વને તર્કબુદ્ધિની વિભાવનાઓ અવશ્ય લાગુ પડે છે અને તેથી તત્વમીમાંસા શક્ય છે તેવું હૅગલે સ્પષ્ટ કર્યું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં  પરંપરાગત તત્વમીમાંસા કે કાન્ટે દર્શાવેલી અનુભવ અંગેની તત્વમીમાંસા શક્ય જ નથી તેવો અભિગમ નિત્શેએ રજૂ કર્યો.

વીસમી સદીમાં ઇંગ્લૅન્ડના બર્ટ્રાન્ડ રસેલે પહેલાં હૅગલવાદી ચૈતન્યવાદી તત્વમીમાંસા રજૂ કરી. વધુ વિચારતાં તેમણે તેનો અસ્વીકાર કરીને તેમના ચિંતનના વચલા તબક્કે અનેકતત્વવાદી વાસ્તવવાદ (pluralistic realism) રજૂ કર્યો જેમાં વાસ્તવિક તથ્યો ઉપરાંત ગાણિતિક સામાન્યોનું પણ તેમણે પ્લેટોની જેમ મનોબાહ્ય અને ભાષાબાહ્ય વાસ્તવિક અસ્તિત્વ સ્વીકાર્યું. રસેલે તેમના ચિંતનના છેલ્લા તબક્કામાં ઓછાંમાં ઓછાં તત્વો ધારવાં પડે તેવો અનેકતત્વવાદી વાસ્તવવાદ સ્વીકાર્યો. આ મત પ્રમાણે જટિલ તત્વોના અંગભૂત ઘટકો તરીકે સાદાં તત્વો મૂળતત્વો તરીકે પ્રવર્તે છે, જે અનેક છે અને એકબીજાંથી સ્વતંત્ર છે. (તાર્કિક અણુવાદ) તથ્યો અંગેના અનુભવસાપેક્ષ સત્યોથી તાર્કિક-ગાણિતિક અનિવાર્ય અને અનુભવનિરપેક્ષ સત્યોને રસેલે ભિન્ન દર્શાવ્યાં છે. આ રીતે ભાષાના તાર્કિક સ્વરૂપને સમજવાની આવશ્યકતા રસેલે દર્શાવી છે. ભાષાનું તાર્કિક વિશ્લેષણ અને તેની તાર્કિક સંરચના સમજવાથી સાચી તત્વમીમાંસા સ્થાપી શકાય છે અને ભાષાના ઉપર ઉપરના વ્યાકરણીય સ્વરૂપથી ગેરમાર્ગે દોરવાઈ જવાથી ઉદભવતી મિથ્યા તાત્વિક સમસ્યાઓથી ઊગરી જવાય છે. રસેલે તેથી જ તાર્કિક વિશ્લેષણાત્મક અભિગમથી તત્વમીમાંસાનો વિચાર કર્યો.

વિટ્ગેન્સ્ટાઇને તેમના પ્રારંભિક અભિગમમાં ભાષાની તાર્કિક સંરચના અને જગતની સંરચના વચ્ચેના સંબંધ અંગેનું ચિંતન રૂપલક્ષી તર્કશાસ્ત્ર(formal logic)ને આધારે રજૂ કર્યું. તેમણે ભાષાની અર્થયુક્તતાની કાયમી અનિવાર્ય અને પર્યાપ્ત શરતો એટલે કે ભાષાનું  અસલ સત્વ નક્કી કર્યું અને એ સત્વ ઉપરથી ભાષાની આખરી સીમાઓ દોરી. તત્વમીમાંસાનાં વિધાનો આવી સીમાઓનું ઉલ્લંઘન કરતાં હોવાથી અર્થયુક્ત હોતાં નથી અને ભાષાના તાર્કિક સ્વરૂપ અંગેની ગેરસમજથી જ તાત્વિક સમસ્યાઓ ઉદભવે છે તેવું તેમણે સૂચવ્યું. ક્રિકેટની રમતમાં ખેલાડીઓએ કેટલા ‘ગોલ’ કર્યા ? આ પ્રકારના પ્રશ્નોની જેમ તાત્વિક પ્રશ્નો અર્થહીન છે.

પ્રારંભિક વિટ્ગેન્સ્ટાઇનના પ્રભાવ હેઠળ વિકસેલા તાર્કિક પ્રત્યક્ષવાદ(logical positivism)ના મુખ્ય પ્રવક્તા એ. જે. ઍયર પ્રમાણે ચકાસણીક્ષમ હોય તો અને તો જ કોઈ સંશ્લેષક-અનુભવાશ્રિત વિધાન અર્થયુક્ત (meaningful) હોય છે. તત્વમીમાંસાનાં કોઈ સંશ્લેષક વિધાનોની ઇન્દ્રિયાનુભવથી ચકાસણી થઈ શકે તેમ નથી તેથી જ તત્વમીમાંસાકીય (metaphysical) વિધાનો અર્થવિહીન (nonsensical) છે એમ ઍયરનું મંતવ્ય છે. તત્વમીમાંસાનો હ્યૂમ-પ્રેરિત વિરોધ આ રીતે વીસમી સદીમાં તાર્કિક પ્રત્યક્ષવાદ તરીકે પ્રવર્ત્યો.

ભાષાના કાયમી સ્વરૂપ અંગેનો તેમજ ભાષાની અંતિમ સીમાઓ અંગેનો પોતાનો સત્વવાદી (essentialist) અભિગમ વિટ્ગેન્સ્ટાઇને તેમની ઉત્તરકાલીન કૃતિઓમાં પડતો મૂક્યો. ભાષાના અર્થને તેના ઉપયોગોના સંદર્ભમાં તેમણે વિચાર્યો. જોકે તેમની આ નવી ભાષાનિષ્ઠ વિચારણામાં પણ તત્વમીમાંસાને સ્થાન મળી શકે તેમ ન હતું.

ઇંગ્લૅન્ડમાં રસેલે ભાષાના તાર્કિક વિશુદ્ધ સ્વરૂપના સંદર્ભમાં વિશુદ્ધ તત્વમીમાંસાની નવેસરથી વિચારણા કરી તો વીસમી સદીના તે જ અરસામાં જર્મન ફિલસૂફ હુસેર્લે પ્રતિભાસાત્યક (phenomenological) પદ્ધતિ ઉપર આધારિત ચેતનાનિષ્ઠ તત્વમીમાંસા સ્થાપી. વાસ્તવિક અસ્તિત્વના પ્રાકૃતિક ર્દષ્ટિકોણને મોકૂફ રાખીને ચેતના સમક્ષ ભાસતી બાબતોનાં સતતત્વોનો અભ્યાસ કરવાના હુસેર્લના અભિગમનો હાયડેગર અને સાર્ત્રે પોતપોતાની રીતે વિરોધ કર્યો. સાર્ત્રે મનુષ્યમાં અસ્તિત્વ સત્વની પહેલાં આવે છે તેવો  અસ્તિત્વવાદી ર્દષ્ટિકોણ રજૂ કર્યો; તો હાયડેગરે તો દ્રવ્યને કેન્દ્રમાં રાખનારી તેમજ સૈદ્ધાન્તિક (theoretical) અભિગમને અગ્રિમતા આપનારી સમગ્ર પાશ્ચાત્ય તત્વમીમાંસાનો જ વિરોધ કર્યો. હાયડેગરે જગતની વસ્તુઓને ઉપયોગમાં લેતા, તેની સાથે કામ પાડનારા અને તેમાં વ્યસ્ત હોય તેવા મનુષ્યના આ જગતમાં હોવાપણા(being in the world)નો જ તત્વવિચાર કરવાનો અનુરોધ કર્યો. સિદ્ધાંતનિષ્ઠ ચિંતન તો જગતમાં વ્યસ્ત એ વસ્તુઓનો સાધનરૂપ ઉપયોગ કરતા મનુષ્યની અનેકવિધ પ્રવૃત્તિઓમાંની એક જ છે. તેને સર્વોપરીતા આપવાથી જ્ઞાતા-જ્ઞેય, મન, શરીર વિષય વિષયી એવા કૃત્રિમ ભેદો સર્જાય છે અને તત્વચિંતનની નિરર્થક સમસ્યાઓ સર્જાય છે. સંદર્ભો, સાધ્ય-સાધન સંબંધો, ઉપયોગો અને પ્રવૃત્તિક્ષેત્રને આગળ કરીને પ્રારંભિક હાય્ડેગર અને ઉત્તરકાલીન વિટ્ગેન્સ્ટાઇને મનુષ્ય અને ભાષાનો વિચાર જીવનપરિસ્થિતિઓ સાથે જોડીને જ થઈ શકે તેવી સ્પષ્ટતા કરી.

અનુઆધુનિકતાવાદી (postmodernists) લ્યોતાર અને રૉરટીએ, તત્વમીમાંસાનો નિત્શે-પ્રેરિત વિરોધ નવી રીતે કરવાથી હૅગલના કે માર્કસનાં સર્ષ સમાવેશક મહાવૃત્તાન્તો (grand narratives) પડી ભાંગ્યાં છે તેવી રજૂઆત કરી છે. હવે કોઈ વિરાટ સર્વસમાવેશક વિચારતંત્રો શક્ય જ નથી. અનુસંરચનાવાદી (post-structuralist) દેરિદાએ સત્વકેન્દ્રી (logocentric). વાણીકેન્દ્રી (phonocentric) અને ઉપસ્થિતિકેન્દ્રી તત્વમીમાંસા-(metaphysics of presence)નો પોતાની આગવી વિગ્રથનાત્મક (deconsructive) શૈલીથી વિરોધ કર્યો છે. ઉચ્ચાવચતાવાળા દ્વિપદી વિરોધો; જેવા કે, કેન્દ્ર/સીમા, વાણી/લેખન, સત્વ/અસ્તિત્વ, અભેદ/ભેદ, પ્રકૃતિ/સંસ્કૃતિ વગેરે, દેરિદા પ્રમાણે, અંદરથી જ પડી ભાંગે છે. આમ, આ નવા અભિગમોમાં સત્વને, ભાષાને, જ્ઞાનને કે સ્વતત્વને ખંડિત, વેરવિખેર આધારહીન અને પારસ્પરિક ભેદોથી વણાયેલા સંબંધોની કેન્દ્રવિહીન ગૂંથણી તરીકે જ ઘટાવવામાં આવે છે. તત્વમીમાંસાના કે ઇતિહાસના અંતની ચર્ચાઓ હવે તત્વવિચારનાં સુગ્રથિત તંત્રોના વિક્લ્પ રૂપે થવા લાગી છે.

છેલ્લા ત્રણ દાયકાઓથી દેરિદા, કૂકો, લ્યોતાર, રૉરટી વગેરેએ પોતપોતાની નવતર લેખનશૈલી અને તત્વચિંતનના ઇતિહાસને નવેસરથી વાંચવા-સમજવાની પદ્ધતિઓથી પરંપરાગત અને આધુનિક એવી તમામ સત્ત્વવાદી અને આધારવાદી (foundationalist) તત્વમીમાંસાને નિત્શેની જેમ આક્રમક રીતે પડકારી છે. અઢારમી સદીના ફ્રેંચ જ્ઞાનપ્રકાશયુગના ચિંતકો(જેમ કે, વૉલ્તેર, રૂસો, મૉન્ટેસ્ક્યૂ)એ જ્ઞાનમાં અધિકારવાદનું વિસર્જન કરીને તર્કબુદ્ધિવાદ પ્રસ્થાપિત કર્યો હતો. તે યુગના ચિંતકો સાંસ્કૃતિક આશાવાદ દર્શાવતા હતા, કારણ કે તેમના મતે તર્કબુદ્ધિના પ્રકાશમાં અજ્ઞાન, વહેમ અને અંધશ્રદ્ધા દૂર થશે અને માનવજાત પ્રગતિ કરી શકશે. ઈશ્વરવાદને પણ તર્કબુદ્ધિથી પ્રસ્થાપિત કરવાનો તેમનો ઉપક્રમ હતો. જ્ઞાનપ્રકાશ-યુગ(enlightenment)નાં આવાં મૂલ્યોને પડકારનાર નિત્શે-પ્રેરિત અનુઆધુનિકતાવાદની સર્વાંગી સમીક્ષા કરીને વીસમી સદીના ઉત્તરાર્ધના અત્યંત પ્રભાવક જર્મન ચિંતક હાબેરમાસે તર્કસંગતતાના જ્ઞાનપ્રકાશયુગનાં આ મૂલ્યોનો નવેસરથી બચાવ કર્યો છે. આમ, પાશ્ચાત્ય ચિંતનમાં વીસમી સદીના અંતે નવા નવા તાત્વિક અભિગમો પ્રવર્તી રહ્યા છે. તત્વમીમાંસાની વ્યાખ્યા, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે અનેકવિધ પરસ્પરવિરોધી અભિગમો થેઇલ્સથી હાબેરમાસ સુધી જોવા મળે છે. પોતાને આખરી સત્ય મળી ગયું છે તેવું ન માનનાર દરેક અભ્યાસીને માટે આવી વિવિધતા ઘણી રસપ્રદ થઈ પડે.

મધુસૂદન બક્ષી