તત્વમસિ (1984) : ડૉ. સુકુમાર કોઝીકોડનું મલયાળમ ભાષામાં ભારતીય દર્શનવિષયક પુસ્તક. તેને 1984માં શ્રેષ્ઠ મલયાળમ પુસ્તક માટેના સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. એ પુસ્તકને એ પુરસ્કાર ઉપરાંત બીજી આઠ સંસ્થાઓ તરફથી પણ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. વળી એક જ વર્ષમાં એની આઠ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી.

એમાં ભારતીય દર્શન ઉપનિષદો તથા વેદોની સર્વાંગીણ ચર્ચા કરવામાં આવી છે. બધાં જ દર્શનને લગતાં પુસ્તકોનો સંક્ષેપમાં સાર આપીને તેને વિશે લખાયેલી જુદી જુદી ટીકાઓ, મંતવ્યો વગેરેની ચકાસણી કરવામાં આવી છે. એમનું મૌલિક પ્રદાન એ છે કે આજના સંદર્ભમાં એ દર્શન સૌને ઉપયોગી થઈ પડે, અને એ કેવી રીતે કાલજયી છે, તે તેમણે તાર્કિક ર્દષ્ટિએ દર્શાવ્યું છે. ષડ્દર્શનો ઉપરાંત, વેદો અને ભગવદગીતાને પણ એમણે પુસ્તકમાં આવરી લીધાં છે. ચાર્વાકદર્શનની પણ ચર્ચા કરી છે. અને એમાં રહેલા તર્કદોષ પણ સમર્થ રીતે દર્શાવ્યા છે. છેલ્લા પ્રકરણમાં એમણે આત્મા-પરમાત્માની એકતાની વિવિધ ર્દષ્ટિથી ચર્ચા કરી છે. એ પ્રકરણના નામ પરથી પુસ્તકનું નામ રાખવામાં આવ્યું છે – ‘તત્ ત્વમસિ’, એટલે પરમતત્વ તું એટલે જીવાત્મા છે; એ સપ્રમાણ પ્રતિપાદિત કર્યું છે. એમણે આધુનિક વિજ્ઞાનના સંશોધનમાંથી ર્દષ્ટાન્તો લઈ ભારતીય દર્શનના સિદ્ધાંતોનું સમર્થન કર્યું છે. આ મૌલિકતા પુસ્તકની વિશેષતા છે.

ચન્દ્રકાન્ત મહેતા