તત્યાના યાકોવ્લેવના યેલિજારેન્કોવા (ડૉ.) (શ્રીમતી) (જ. 17 સપ્ટેમ્બર 1929, સેંટ પીટ્સબર્ગ; અ. 5 સપ્ટેમ્બર 2007, મૉસ્કો, રશિયા) : પ્રાચીન ભારતીય ઇતિહાસનાં વિદ્વાન.
એમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીના ભાષા-વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ લીધો. ઋગ્વેદનો રુસી ભાષામાં અનુવાદ કરવા માટે એમણે લગભગ 35 વર્ષ સમર્પિત કર્યાં. આ અનુવાદકાર્ય 1989, 1995 અને 1999માં ત્રણ ખંડોમાં પ્રકાશિત થયું. વ્યાકરણ અને મૉનોગ્રાફ્સ વિષયમાં તેમનાં 15 પુસ્તકો પ્રકાશિત થયાં છે. ભારતીય-આર્ય ભાષાઓના વિભિન્ન વિષયોના વિકાસ પર 200થી વધુ લેખો લખ્યા છે. વૈદિક વ્યાકરણ, વૈદિક ઋષિઓ પર પણ પુસ્તકો લખ્યાં છે. સોવિયેત સંઘમાં ભારતીય સંસ્કૃતિ અને દર્શનના વિકાસ માટે પ્રશંસનીય યોગદાન આપ્યું છે. તેમને 1990માં લિંગ્વિસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. તેમજ ‘ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ સંસ્કૃત સ્ટડીઝ’નાં ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં. આ પદ 2003 સુધી શોભાવ્યું હતું. ભારત સરકારે 2004માં પદ્મશ્રીથી તેમને સન્માનિત કર્યાં હતાં.
કનુભાઈ શાહ
