તત્વમસિ : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મેળવનારી ધ્રુવભટ્ટ કૃત ગુજરાતી નવલકથા (1998). પ્રકૃતિ તથા માણસોને અનહદ ચાહતા લેખક આ ભ્રમણકથામાં ભારતીય સંસ્કૃતિનું ‘દર્શન’ ઝંખે છે. પ્રવાસ થકી, યાત્રા થકી માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો પામવા મથે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એમનો અભિગમ હંમેશાં વિધેયાત્મક આસ્થા-શ્રદ્ધાભર્યો રહે છે. કથાનો નાયક નોંધે છે –

‘‘અહં બ્રહ્માસ્મિ સમજાવા સાથે જ સમજાય છે કે ખરેખર તો ‘અહં’ જેવું કંઈ જ અસ્તિત્વમાં જ નથી. જે છે તે બધું જ તત્વમસિ છે.’’ (પૃ. 206)

વાર્તાનાયકને લેખકે કોઈ નામ નથી આપ્યું. પ્રકૃતિને, જીવનને, મનુષ્યને, ઈશ્વરને, જ્ઞાનને, ત્યાગને, સંન્યાસને, ભારતની આદિ સંસ્કૃતિને – વૃક્ષને – મૂળને– બીજને સમજવા મથતો આ નાયક 25મા પ્રકરણમાં નર્મદાના જળમાંથી અંજલિ ભરીને બોલે છે – ‘હું મારા નામનો ત્યાગ કરું છું. મારા પરિચયનો ત્યાગ કરું છું. મારા જ્ઞાનનો ત્યાગ કરું છું. તમામ માન્યતાઓનો ત્યાગ કરું છું.’ (પૃ. 224)

લેખકે નિવેદનમાં નોંધ્યું છે – ‘અલગ ભાષા, જુદા રીતરિવાજો, જુદા ધર્મો અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભાતીગળ પ્રજામાં કંઈક એવું છે જે દરેક માણસમાં સરખું જ જડે છે. તે શું છે ? – આનો ઉત્તર મને કદીક, ક્યારેક તો મળશે… કદાચ મારી આ જિજ્ઞાસા આ લખાણનું નિમિત્ત બની હોય.’ (લેખકે આ કૃતિને ‘લખાણ’ તરીકે ઓળખાવી છે તથા ‘ભારતવર્ષના ઉત્તર અને દક્ષિણ ભાગને સાંધતી-બાંધતી, ઉભયાન્વયી, ભુવનમોહિની મહાનદ નર્મદાને અર્પણ કરી છે.) આ કૃતિમાં લેખકે કથન-વર્ણન ઉપરાંત ડાયરી તથા પત્રોનો પણ લેખનરીતિમાં ઉપયોગ કર્યો છે. લેખકનો નર્મદાકાંઠાના ભ્રમણનો સઘન અનુભવ આ કથાને જીવંત બનાવે છે. પરિક્રમાવાસીઓ, નર્મદાતટે રહેનારા ગ્રામજનો, આદિવાસીઓ, મંદિર-નિવાસીઓ તથા આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતોનો લેખકે કથામાં વિનિયોગ કર્યો છે. આથી ભ્રમણકથાની તથા પાત્રોની સચ્ચાઈ ભાવકને સ્પર્શી જાય છે.

ભારતમાં જન્મેલો નાયક અઢાર વર્ષ પછી દેશમાં પાછો ફરે છે. પ્રોફેસર રુડોલ્ફ તેને આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે મોકલે છે ને સુપ્રિયાને મળવાનું કહે છે. સુપ્રિયા મધ્યપ્રદેશમાં આદિવાસી કલ્યાણકેન્દ્ર ચલાવે છે. ત્યાં નાયક પહોંચે છે. ત્યાં એ પ્રકૃતિને, સંસ્કૃતિને તથા મનુષ્યને સમજવા–પામવા મથે છે. ખાદીધારિણી સુપ્રિયા (સુપરિયા) ઉપરાંત ગણેશ શાસ્ત્રી, ગુપ્તાજી, પુરિયા, બિત્તુબંગા, ગંડુ ફકીર, વનિતા-કાલેવાલીમા, પાદરી થૉમસ, નારદી, વિષ્ણુ માસ્તર અને તેની પત્ની વગેરે વિવિધ પાત્રો–માનવોનો તેને નિકટથી પરિચય થાય છે. આ દરમિયાન તેને પ્રકૃતિના સૌંદર્યનો તેમજ તેના રૌદ્ર રૂપનો, અરણ્યનો, નર્મદાનાં વિવિધ રૂપોનો, નર્મદાકાંઠે ઊગેલી–વિકસેલી–ટકેલી સંસ્કૃતિનો, જિન્દા-સાગબાનનો, નાગા-ભૂખ્યા આદિવાસીઓનો, સાઠસાલીઓનો, માનવધર્મનો, શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો તેમજ સાચી-ખોટી માન્યતાઓનો અનુભવ થતો રહે છે. આ અનુભવો થકી તે નર્મદાને, જીવનને અને ભારતીય સંસ્કૃતિને સમજવા-પામવા મથે છે; નદી, અરણ્ય તથા માનવજીવન અલગ અલગ રૂપે ઊઘડતાં આવે છે અને આ ઉઘાડમાં નાયક જીવનના તત્વનું દર્શન કરવા મથતો રહે છે. ઈશ્વરમાં નહિ માનતો નાયક ગંદા, અભણ અને ગમાર આદિવાસીઓને ચાહવા ઇચ્છે છે અને ધીરે ધીરે ચાહવા લાગે છે. પરદેશથી નાયકની સખી લ્યુસી આવે છે. થોડા દિવસ રોકાઈને તે આ પરિવેશ, આદિવાસીઓ, સાઠસાલીઓ, રાણીગુફા વગેરેને જાણે-માણે છે. અંતે એ ઇચ્છે છે કે વાર્તાનાયક અહીંથી ઝટ કામ પતાવીને પાછો ફરે. સુપ્રિયા કશું સ્પષ્ટ કહેતી નથી, પણ એ ઇચ્છે છે કે નાયક અહીં રોકાય અને આદિવાસીઓના કલ્યાણનું કામ કરે. નાયક કશા સ્પષ્ટ નિર્ણય પર આવતો નથી. દરમિયાન અરણ્ય, નર્મદા તથા આદિવાસીઓના પરિવેશમાં નાની-મોટી ઘટનાઓ બનતી રહે છે – નાયકનું નાળામાં પડવું-ઊગરવું, પુરિયાનું ડાકણ બનવું, કાલેવાલીમા થકી પુરિયાના જીવનનું બચવું, વાઘણના હુમલામાં બંગાનું ઘાયલ થવું ને અંતે મરણ પામવું; આમ છતાં ફસાયેલી એ વાઘણને બિત્તુ જીવતી જવા દે, અરણ્યોમાં આગ લાગવી, ગામ ખાલી કરાવી આદિવાસીઓને ઉગારવા, લ્યુસીનું આવવું, લ્યુસી સાથે નાયકનું નર્મદાકાંઠે અમરકંટકથી શરૂ કરીને ભ્રમણ કરવું, કાલેવાલીમા જ સુપ્રિયાની માતા વનિતા છે – એ રહસ્યનું ખૂલવું વગેરે.

નાયક એક વાર લ્યુસીને કહે છે – ‘દરેક પરિક્રમાવાસી એક શ્રદ્ધા સાથે નીકળે છે કે સ્વયં નર્મદા તેની સંભાળ લેશે. પરિક્રમા દરમિયાન ક્યાંક ને ક્યાંક નર્મદા તેને સદેહે મળશે પણ ખરી.’ (પૃ. 188) લ્યુસીને ટ્રેનમાં મૂકવા ગયેલા નાયકની બૅગ કોઈ ઉઠાવી જાય એ પછી તે નર્મદાકાંઠે ચાલીને ઉપરવાસ જવાનું પસંદ કરે છે. શૂલપાણની ઝાડીમાં નાયક લૂંટાય છે… ભૂખ્યો-થાકેલો નાયક બેભાન થઈ જાય છે. ભાન આવે ત્યારે કોઈ નાનકડી કન્યા મકાઈડોડો ધરીને નાયકને કહે છે – ‘લે’. નાયક પૂછે છે – ‘તું કોણ છે, મા ?’ એ પછી દિશાઓને ભરી દેતા શબ્દો પડઘાય છે – ‘રે……વા !’ એ સાથે કથા પૂરી થાય છે. સવાલ થાય છે – આમ અંતે, ‘રે…..વા !’ એવું નામ પાડવાની જરૂર હતી ? તત્વજ્ઞાનના અભ્યાસીઓને કદાચ આ નવલકથામાંથી પ્રગટતું ‘દર્શન’ છીછરું તથા બોલકું લાગે તેવું બને. કેટલેક ઠેકાણે કશીક પીડા-સંવેદનાને તાશ કરાવવાનું લેખકે ટાળ્યું છે; આમ છતાં આ કથામાંનું સાદગીભર્યું સુરેખ નિરૂપણ એકંદરે ધ્યાનપાત્ર બની રહે છે. પ્રકૃતિ, સંસ્કૃતિ તથા માણસ પ્રત્યેની આસ્થા-નિષ્ઠા તેમજ હંમેશના વિધેયાત્મક અભિગમને કારણે આ કથા ભાવકોના મનમાં સ્થાન પામે એવી થઈ છે.

યોગેશ જોશી