તણખા (મંડળ 1–2–3–4) : ચાર ગુજરાતી વાર્તાસંગ્રહો. લેખક ‘ધૂમકેતુ’. તે અનુક્રમે 1926-28-32-35માં પ્રગટ થયેલા, ટૂંકી વાર્તાઓના આ સંગ્રહો ગુજરાતીમાં ટૂંકી વાર્તાને ર્દઢમૂળ તથા લોકપ્રિય સ્વરૂપ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તણખા: મંડળ-1 એ 1926માં પ્રગટ થતાંની સાથે ગુજરાતભરમાં ધૂમકેતુને વાર્તાલેખક તરીકે ખ્યાતિ અપાવેલી. વાર્તાકાર ધૂમકેતુમાં અપાર વૈવિધ્ય છે : વિષયનું, પાત્રોનું અને રજૂઆતનું. ધૂમકેતુની વાર્તાઓ મુખ્યત્વે ઊર્મિપ્રધાન અને ભાવનાપ્રધાન હોવાથી રંગદર્શિતા એનું મુખ્ય લક્ષણવલણ બની રહેલી. એ રંગદર્શી અને ભાવનાપ્રધાન લેખક તરીકે આ ચારેય સંગ્રહોની વાર્તાઓમાં દેખાયા છે. એમની વાર્તાઓ વાસ્તવજીવનમાંથી કથાઓ, ઘટનાઓ કે લાગણીઓ લઈને લખાતી હોવા છતાં એમાં કલ્પનાનો વૈભવ પણ ઠીક ઠીક જગા રોકે છે. ધૂમકેતુએ ટૂંકી વાર્તાને ‘તણખો’ કહીને ઓળખાવેલી. ટૂંકી વાર્તા વાચકના ચિત્તમાં તણખો મૂકી જાય છે એ અહીં સિદ્ધ થયું છે. ‘પોસ્ટ ઑફિસ’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’, ‘રજપૂતાણી’ જેવી એમની કીર્તિદા કૃતિઓ આ સંગ્રહોમાં મળે છે. ધૂમકેતુના જમાનામાં જીવન અને કલા બેઉનાં મૂલ્યોની ખેવના રાખવામાં આવતી હતી એની પ્રતીતિ આ વાર્તાઓમાં થાય છે. એની માવજતમાં પણ કલાકારનો કસબ તથા જીવનમર્મીનો ર્દષ્ટિકોણ વણાયેલા છે. ગુજરાતી વાર્તાને કલાત્મક સ્વરૂપ આપવામાં કથનની ચોટ, પાત્રની આંતરસંવેદના, નિરૂપણમાં ઔચિત્ય અને પ્રમાણભાન વગેરે બાબતોમાં ‘તણખામંડળ’ની વાર્તાઓએ પ્રધાન ભાગ ભજવ્યો છે. આ કારણે જ આ વાર્તાઓ ગુજરાતમાં જ નહિ, બલકે દેશમાં અને દેશ બહાર પણ  પ્રસિદ્ધિ પામી હતી. આ વાર્તાઓમાં ક્યારેક ઘેરા ભાવો કે રંગોનું આલેખન આવે છે. ઊર્મિનો અતિરેક, આદર્શો તરફનું ખેંચાણ તથા ગ્રામજીવન તરફનો પક્ષપાત પણ એમાં જોવા મળે છે. ‘મદભર નૈનાં’, ‘સોનેરી પંખી’, ‘હૃદયપલટો’ અને ‘વિનિપાત’ જેવી વાર્તાઓ પણ ધ્યાનપાત્ર છે. સર્જકતાના અને કલાના અન્ય માનદંડોથી માપતાં પણ  આ ચારે ‘તણખામંડળો’ની વાર્તાઓ રણકાદાર પુરવાર થયેલી છે. ટૂંકી વાર્તાના આરંભકાળે ગુજરાતી વાર્તાસાહિત્યને ધૂમકેતુ જેવા અગ્રેસર વાર્તાકાર મળે છે અને આ ચારે સંગ્રહો દ્વારા ગુજરાતીમાં ટૂંકી વાર્તાને સ્થિર કરે છે એ ઘટનાનું ઐતિહાસિક મૂલ્ય પણ છે.

મણિલાલ હ. પટેલ